ટોપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસ

દિવાળી પહેલાં ₹10, ₹20 અને ₹50ની નોટો બંધ થશે? RBIના નામે નકલી પરિપત્રથી ખળભળાટ, જાણો સત્ય

RBI Fake Circular Diwali 2026: દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે બજારોમાં ખરીદીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે ₹10, ₹20 અને ₹50ની નોટોને લઈને સોશિયલ મીડિયા પર ફેલાયેલી એક અફવાએ વેપારીઓ અને સામાન્ય નાગરિકોમાં ચિંતા ઊભી કરી છે. વોટ્સએપ પર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના નામે એક પરિપત્ર વાઈરલ થયો છે, જેમાં દિવાળી પહેલાં નાની નોટોની અછત સર્જાશે અને તેનું છાપકામ ધીમે ધીમે ઘટાડવામાં આવી રહ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે, RBI અને PIB ફેક્ટ ચેકે આ પરિપત્ર સંપૂર્ણપણે નકલી હોવાનું સ્પષ્ટ કર્યું છે.

નાની નોટો મેળવવા કમિશન આપવા પણ લોકો તૈયાર!

દિવાળીના દિવસોમાં બજારમાં છૂટા રૂપિયાની માગ સામાન્ય દિવસોની સરખામણીએ વધી જાય છે. ફૂલની માળા, દીવા, અગરબત્તી, પૂજાની સામગ્રી, મીઠાઈ, ફરસાણ અને શાકભાજી જેવી નાની ખરીદી માટે ₹10, ₹20 અને ₹50ની નોટોનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. આવા સમયે નાની નોટોની અછત સર્જાવાની અફવાએ અમદાવાદના કેટલાક વેપારીઓ અને ગ્રાહકોમાં ચિંતા વધારી હોવાનું સ્થાનિક અહેવાલમાં જણાવાયું છે. કેટલાક લોકો તો છૂટા રૂપિયા મેળવવા માટે વધારાનું કમિશન ચૂકવવા પણ તૈયાર થઈ રહ્યા હોવાની વિગતો સામે આવી છે. જોકે આ પ્રકારના વ્યવહારો કેટલા પ્રમાણમાં થયા છે તેનો સત્તાવાર આંકડો ઉપલબ્ધ નથી.

RBIના લોગો અને ગવર્નરની સહીવાળો નકલી પરિપત્ર વાઈરલ

વોટ્સએપ પર વાઈરલ થયેલા પરિપત્રમાં RBIનો લોગો, ગવર્નરની કથિત સહી અને સત્તાવાર પરિપત્ર જેવો દેખાવ આપવામાં આવ્યો છે. 27 ઓક્ટોબર 2026ની તારીખ ધરાવતા આ દસ્તાવેજમાં આગામી દિવાળી દરમિયાન ₹10, ₹20 અને ₹50ની નવી નોટો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નહીં રહે એવો દાવો કરાયો છે. પરિપત્રમાં ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે નાની નોટોનું છાપકામ ઘટાડવામાં આવી રહ્યું હોવાનું પણ જણાવાયું છે. લોકોને UPI, ડેબિટ-ક્રેડિટ કાર્ડ અને નેટ બેંકિંગનો વધુ ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે, પરંતુ આ તમામ દાવા RBIની સત્તાવાર જાહેરાત તરીકે રજૂ કરાયેલા ખોટા દાવા છે.

RBIએ સ્પષ્ટ કર્યું: નાની નોટોનો પૂરતો જથ્થો ઉપલબ્ધ

વાઈરલ પરિપત્ર અંગે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ 2 નવેમ્બર 2026ના રોજ સ્પષ્ટતા કરી હતી. RBIના જણાવ્યા પ્રમાણે કેટલાક લોકો બેંકના નામ અને લોગોનો ખોટો ઉપયોગ કરીને નકલી પરિપત્ર ફેલાવી રહ્યા છે. RBIએ જણાવ્યું છે કે તેની તિજોરીઓ અને કરન્સી ચેસ્ટમાં તમામ મૂલ્યની નોટોનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. તેમાં ₹10, ₹20 અને ₹50ની નોટોનો પણ સમાવેશ થાય છે.

PIB ફેક્ટ ચેકે પણ અફવાને ફગાવી

કેન્દ્ર સરકારની પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરો (PIB)ની ફેક્ટ ચેક ટીમે પણ આ વાઈરલ મેસેજને નકલી જાહેર કર્યો છે. PIBએ 2 નવેમ્બરે સ્પષ્ટ કર્યું હતું કે RBIએ દિવાળી પહેલાં ₹10, ₹20 અને ₹50ની નોટોની ઉપલબ્ધતા ઘટશે એવી કોઈ જાહેરાત કરી નથી. લોકોને સત્તાવાર સ્રોતો પાસેથી માહિતીની ચકાસણી કર્યા વગર આવા મેસેજ આગળ ન મોકલવા અપીલ કરવામાં આવી છે.

અસલી સમજી લોકોએ વોટ્સએપ પર મેસેજ ફોરવર્ડ કર્યો

આ નકલી પરિપત્રને એટલી ચાલાકીથી તૈયાર કરવામાં આવ્યો છે કે પહેલી નજરે તે સત્તાવાર દસ્તાવેજ જેવો લાગે છે. RBIનો લોગો, પરિપત્ર નંબર અને ગવર્નરની કથિત સહી હોવાને કારણે અનેક લોકો તેને સાચો માની શકે છે, પરંતુ કોઈ દસ્તાવેજ પર સરકારી સંસ્થાનો લોગો કે અધિકારીની સહી દેખાતી હોય એટલે તે સાચો હોય એવું જરૂરી નથી. નાણાકીય બાબતોને લગતા વાઈરલ મેસેજની ચકાસણી RBIની સત્તાવાર વેબસાઇટ પર કરવી જરૂરી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

શું ₹10, ₹20 અને ₹50ની નોટો બંધ થવાની છે?

RBIએ આવી કોઈ જાહેરાત કરી નથી. નાની નોટોનું ચલણ બંધ કરવાનો કે દિવાળી પહેલાં તેમનો પુરવઠો ઘટાડવાનો કોઈ સત્તાવાર નિર્ણય જાહેર થયો નથી. ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ વધારવાનો અર્થ રોકડ વ્યવહાર બંધ કરવો એવો નથી. RBIએ નાની નોટોનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું સ્પષ્ટ કર્યું હોવાથી અફવાને આધારે વધુ કમિશન ચૂકવીને છૂટા રૂપિયા મેળવવાની ઉતાવળ કરવાની જરૂર નથી. RBI, બેંક અથવા સરકારી વિભાગના નામે કોઈ નવો નિયમ કે પરિપત્ર વાઈરલ થાય તો તેની સત્યતા ચકાસવી જોઈએ. ખાસ કરીને નોટો બંધ થવા, બેંક ખાતા, રોકડ ઉપાડ અને ચુકવણીના નિયમો અંગે ખોટા મેસેજ ઝડપથી ફેલાઈ શકે છે. સત્તાવાર માહિતી માટે RBIની વેબસાઇટ અને PIB Fact Checkનો ઉપયોગ કરી શકાય છે.

આ પણ વાંચોઃ કેન્દ્ર બાદ આ રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થાની કરી જાહેરાત, 3 % વધારો કરાયો  
Back to top button