પોતાના જ પુસ્તકની ખરીદીનો ઓર્ડર? નીરજા ગુપ્તા ફરી વિવાદમાં!
Ahmedabad : અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ પ્રો. નિરજા ગુપ્તા ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવ્યા છે. તેમના કાર્યકાળની સમાપ્તિ પૂર્વે યુનિવર્સિટીના પોતાના જ વિભાગ મારફતે તેમના દ્વારા લખાયેલા પુસ્તકની મોટા પાયે ખરીદી કરાવવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. પ્રાથમિક વિગતો અનુસાર, યુનિવર્સિટી સંલગ્ન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિક સ્ટડીઝ (IIS) વિભાગ દ્વારા આ પુસ્તકો મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેને પગલે સમગ્ર ખરીદ પ્રક્રિયા, બિલ મંજૂરી અને ચુકવણી સંબંધિત દસ્તાવેજોની સઘન ચકાસણી શરૂ કરવામાં આવી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
‘સમગ્ર ભારતીય અનુસંધાન પદ્ધતિ’ પુસ્તકની 1,000 નકલો ખરીદવાનો ઓર્ડર
આક્ષેપો મુજબ, નિરજા ગુપ્તા દ્વારા રચિત પુસ્તક ‘સમગ્ર ભારતીય અનુસંધાન પદ્ધતિ’ ખરીદવા માટે IIS વિભાગને નિર્દેશ અપાયો હતો. વિભાગીય સંયોજક સોનલ મલ્હોત્રાએ આ સંદર્ભે ખરીદી આગળ ધપાવવાની ભલામણ કરી હતી. ત્યાર બાદ તત્કાલીન કુલપતિ દ્વારા નિયુક્ત કરાયેલા એક જવાબદાર અધિકારી મારફતે આ પુસ્તકની 1000 નકલોનો જથ્થાબંધ ઓર્ડર આપી દેવાયો હોવાનું સામે આવ્યું છે.
પ્રભાત પ્રકાશનને ₹4.14લાખની ચુકવણી અને નિયમોના ઉલ્લંઘનનો આરોપ
આ પુસ્તક ખરીદી પેટે ‘પ્રભાત પ્રકાશન’ નામની સંસ્થાને ₹4.14 લાખનું ચૂકવણું મંજૂર કરવામાં આવ્યું હતું. આ બિલની રકમ પાસ કરાવવા બાબતે તત્કાલીન રજિસ્ટ્રાર પિયુષ પટેલે લેખિત સંમતિ આપી હોવાનું ખૂલ્યું છે. યુનિવર્સિટી વર્તુળોમાં પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે કે, શૈક્ષણિક જરૂરિયાતનું વાસ્તવિક આકલન કર્યા વિના આટલા મોટા જથ્થામાં પુસ્તકો ખરીદવાનો નિર્ણય કોના હિત માટે લેવાયો? તેમજ ટેન્ડરિંગ અને ખરીદીના નિયત પ્રોટોકોલનું પાલન થયું હતું કે કેમ, તે અંગે તપાસ અધિકારીઓ વિગતો મેળવી રહ્યા છે.
આ પણ વાંચો:પાકિસ્તાની સેનાનું ટ્રેનિંગ વિમાન ક્રેશ, બે પાયલટનાં મોત
દસ્તાવેજો અને મંજૂરી પત્રો પર પૂર્વ કુલપતિની સહીની ચકાસણી
આ સમગ્ર વ્યવહારમાં બિલ પાસ કરવાના અસલ દસ્તાવેજો પર ખુદ નિરજા ગુપ્તાની સહી હોવાનું બહાર આવ્યું છે. રજિસ્ટ્રાર પિયુષ પટેલની ભૂમિકા અને પુસ્તક ખરીદીથી લઈને નાણાં ચૂકવવા સુધીની સમગ્ર ફાઇલની ઊંડાણપૂર્વક છાનબીન કરવામાં આવી રહી છે. સમગ્ર પ્રક્રિયામાં સત્તાનો દુરુપયોગ કે નાણાકીય ગેરરીતિ થઈ છે કે કેમ, તેનો સત્તાવાર ખુલાસો તપાસ સમિતિના અંતિમ અહેવાલ બાદ જ સામે આવશે.
યુનિવર્સિટી તંત્ર દ્વારા આદેશની નોટશીટ, બિલ વાઉચર્સ, સ્ટોક રજિસ્ટર (પુસ્તકો ખરેખર યુનિવર્સિટીમાં જમા થયા છે કે નહીં તે) તેમજ ઓડિટ રિપોર્ટની ચકાસણી કરવામાં આવી રહી છે. રિપોર્ટ આવ્યા બાદ નિયમભંગ બદલ જવાબદારો સામે વહીવટી કે નાણાકીય રિકવરી સહિતનાં પગલાં લેવાઈ શકે છે.
આ પણ વાંચો:ઉપર કપડાં, નીચે દારૂની બોટલો! Porter એપથી અમદાવાદમાં 9 લાખની હેરાફેરીનો પર્દાફાશ












