દિવાળીમાં વડોદરામાં ચોર ટોળકીનો તરખાટ, ત્રણ મકાન અને ઓફિસમાંથી આઠ લાખની ચોરી

Diwali Theft: દિવાળીના તહેવારો વચ્ચે શહેરમાં ચોર ટોળકી સક્રિય બની છે. તહેવાર દરમિયાન બંધ મકાનોને નિશાન બનાવી ચોરીની ઘટનાઓને અંજામ આપવામાં આવી રહ્યો છે. ઓલ્ડ પાદરા રોડ, આજવા રોડ અને સમા વિસ્તારમાં ત્રણ મકાનો તેમજ એક ઓફિસમાંથી કુલ આશરે રૂ. 7.74 લાખની મત્તાની ચોરી થતાં પોલીસ દોડતી થઈ છે. આ મામલે પોલીસે અલગ-અલગ ફરિયાદો નોંધી તપાસ શરૂ કરી છે.
ઓલ્ડ પાદરા રોડ પર મકાનનું તાળું તોડી ચોરી
ઓલ્ડ પાદરા રોડ પર આવેલી આઇઓસી નગર સોસાયટીમાં રહેતા રસેશ ચંદ્રવદન ઉપાધ્યાય ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ગત 6 નવેમ્બરની રાત્રે નવ વાગ્યે તેઓ ઘર બંધ કરીને નોકરી પર ગયા હતા. બીજા દિવસે સવારે ઘરે પરત ફરતાં દરવાજાનું તાળું તૂટેલું જોવા મળ્યું હતું. તપાસ કરતાં ઘરમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડા રૂ. 1 લાખ મળી કુલ રૂ. 1.89 લાખની મત્તા ચોરાઈ હોવાનું સામે આવ્યું હતું.
નિવૃત્ત એરફોર્સ અધિકારીના મકાનમાં પણ ચોરી
આજવા રોડ પર આવેલી ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા શ્રીકાંતભાઈ સિદ્ધેશ્વર શુક્લા નિવૃત્ત એરફોર્સ અધિકારી છે. તેઓ ગત 5 નવેમ્બરે પત્ની સાથે ઉદયપુર ખાતે પુત્રના ઘરે ગયા હતા. આ દરમિયાન બંધ મકાનને નિશાન બનાવી ચોર ટોળકી સોના-ચાંદીના દાગીના સહિત રૂ. 1.97 લાખની મત્તા ચોરી ગઈ હતી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
સમા વિસ્તારમાં બંધ મકાનમાંથી રૂ. 1.95 લાખની ચોરી
સમા વિસ્તારમાં આવેલી રેવા પાર્ક સોસાયટીમાં રહેતા મુકેશ રણછોડભાઈ ચૌહાણ ટાઇલ્સ ફિટિંગનું કામ કરે છે. તેઓ ગત 6 નવેમ્બરે મકાનને તાળું મારી સુરેન્દ્રનગર પોતાના વતન ગયા હતા. આ દરમિયાન તેમના બંધ મકાનમાંથી ચોર ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ રૂ. 1.95 લાખની મત્તા ચોરી ગયા હતા.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
સમા-સાવલી રોડ પર ઓફિસને પણ નિશાન બનાવી
વેમાલી અંબે રેસિડેન્સીમાં રહેતા નુપમ સતીષભાઈ ધ્રુવ ખાનગી કંપનીમાં મેનેજર તરીકે કામ કરે છે. તેમની ઓફિસ સમા-સાવલી રોડ પર આવેલી શ્રી સિદ્ધેશ્વર હેવલોકમાં છે. ઓફિસમાં ચોરી થતાં ઇલેક્ટ્રિક સાધનો સહિત રૂ. 1.93 લાખની મત્તા ગુમ થઈ હતી. દિવાળીના તહેવારો દરમિયાન શહેરમાં એક પછી એક ચોરીની ઘટનાઓ સામે આવતાં રહેવાસીઓમાં ચિંતા ફેલાઈ છે. બંધ મકાનો અને ઓફિસોને નિશાન બનાવતી ટોળકી સામે કાર્યવાહી કરવા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો : અમદાવાદમાં દિવાળીની રાત્રે હોબાળો! બોડકદેવના સ્કાય વ્યૂ ફ્લેટ પર ટોળાનો હુમલો, 3 રાઉન્ડ ફાયરિંગ












