સુરતમાં ત્રિકોણીય પ્રેમનો ભયાનક અંત: પત્ની, અસલી પતિ અને પુત્રએ મળીને પ્રેમીની કરી નિર્મમ હત્યા!

Surat Dindoli Murder Case: સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં સંબંધોની વિકૃતિ અને ત્રિકોણીય પ્રેમપ્રકરણમાંથી એક સનસનીખેજ અને રુંવાડા ખડા કરી દેતી હત્યાની ઘટના સામે આવી છે. ડિંડોલીના ભાડાના મકાનમાં રહીને કલરકામનું કામ કરતા 50 વર્ષીય આધેડની મોઢા પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી તેમજ ગળું દબાવીને નિર્દયતાપૂર્વક હત્યા કરી દેવામાં આવી હતી. આ ચોંકાવનારી ઘટનામાં મૃતક સાથે પત્ની તરીકે રહેતી એક મહિલા, તેનો અસલી પતિ અને પુત્ર ત્રણેયે મળીને હત્યાને અંજામ આપ્યો હતો અને ત્યારબાદ રૂમને બહારથી તાળું મારીને ફરાર થઈ ગયા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
અસહ્ય દુર્ગંધ આવતા ભાંડો ફૂટ્યો
ડિંડોલી સાંઈ પોઈન્ટ પાસે આવેલી લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રિક્ષાચાલક શ્રીકાંત ઉદયરાજ તિવારીના મકાનમાં ઉપરના માળે મૂળ મધ્યપ્રદેશના સતના જિલ્લાના વતની રાજેશ રામસ્વરૂપ મિશ્રા (ઉં.વ. 50) છેલ્લા 6 મહિનાથી ₹2,000 ના માસિક ભાડે રહેતા હતા. ગત 23 ઓક્ટોબરની સવારે મકાનમાંથી તીવ્ર અસહ્ય દુર્ગંધ આવતા મકાનમાલિકને શંકા ગઈ હતી. તેમણે તરત જ રાજેશના કોન્ટ્રાક્ટર શેઠ આશિષભાઈ અને અન્ય પરિચિતોને જાણ કરી હતી. પોલીસની ઉપસ્થિતિમાં રૂમનું તાળું તોડીને અંદર પ્રવેશતા જ રાજેશ મિશ્રાનો કોહવાયેલો અને ફૂલેલો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
મોઢા પર તીક્ષ્ણ હથિયારના ઘા અને ગળા પર કાળા ડાઘ
ઘટનાસ્થળે પહોંચેલી પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક રાજેશના મોઢાના જમણી બાજુના ભાગે તીક્ષ્ણ હથિયારના ઊંડા ઘા મારવામાં આવ્યા હોવાનું અને લોહી જામી ગયેલું હોવાનું જણાયું હતું. આ ઉપરાંત ગળા તથા છાતીના ઉપરના ભાગે કાળા નિશાન પણ જોવા મળ્યા હતા, જેના પરથી હથિયારના ઘા મારવાની સાથે ગળું દબાવીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હોવાની શંકા દ્રઢ બની હતી. મકાનમાલિકના જણાવ્યા મુજબ, ગત 20 ઓક્ટોબર ની રાત્રે આ રૂમમાંથી ભારે ઝઘડા અને બોલાચાલીનો અવાજ સંભળાયો હતો, જે દર્શાવે છે કે તે જ રાત્રે અથવા ત્યાર બાદ આ હત્યાને અંજામ અપાયો હતો.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
પત્ની તરીકે રાખેલી મહિલાનો અસલી પતિ અને પુત્ર પણ સાથે જ રહેતા હતા
પોલીસ દ્વારા પ્રાપ્ત થયેલી વિગતો મુજબ આ કેસમાં સૌથી મોટો અને ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે રાજેશ મિશ્રા જે મહિલાને રાજાબાઈ ઉર્ફે રાણી નામથી પોતાની પત્ની તરીકે ઓળખાવીને રાખતો હતો, તે મહિલા સાથે તેના અનૈતિક પ્રેમસંબંધ હતા. પરંતુ અસલિયત એ હતી કે રૂમમાં સાથે રહેતો રામપ્રસાદ એ રાજાબાઈનો કાયદેસરનો પતિ હતો અને ગોલુ તેમનો પુત્ર હતો. એક જ છત નીચે પ્રેમી, પ્રેમિકા, અસલી પતિ અને પુત્ર સાથે રહેતા હોવાથી ઘરમાં અવારનવાર ઉગ્ર વિવાદો અને ક્લેશ થતો હતો. આ કાયમની ઝાંઝટ અને અદાવતથી કંટાળીને ત્રણેયે રાજેશનો કાંટો કાઢી નાખવાનું પાકું મન બનાવીને આ હત્યાનું ખૂની ષડયંત્ર રચ્યું હતું. ડિંડોલી પોલીસે ગુનો નોંધી ફરાર ત્રણેય આરોપીઓને ઝડપી પાડવા સઘન ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો: ઉનામાં 85 વર્ષીય વૃદ્ધાના કાન કાપી સોનાના દાગીનાની લૂંટ, ગળું રેંસીને નિર્મમ હત્યા!












