ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત IPS એસોસિએશનનું રાજ્ય ચૂંટણી કમિશનરને આવેદનપત્ર, ગોપાલ ઇટાલિયા સામે કડક કાર્યવાહીની માંગ

IPS Association: ગુજરાત IPS એસોસિએશને રાજ્ય ચૂંટણી કમિશનરને આવેદનપત્ર પાઠવીને વિસાવદરના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. ઇટાલિયાએ તાજેતરમાં ગુજરાત પોલીસને અપમાનજનક શબ્દ “દલ્લા” કહીને સર્વસામાન્ય પોલીસકર્મીઓની લાગણીને ઠેસ પહોંચાડી હોવાનો આરોપ છે.

આ મામલે IPS એસોસિએશને કહ્યું છે કે આવા અપમાનજનક નિવેદનો પોલીસ વ્યવસ્થાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે છે અને તેની સામે તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ. આવેદનપત્રમાં ચૂંટણી કમિશનરને ધારાસભ્ય તરીકે ઇટાલિયાની જવાબદારી અને વર્તણૂકને ધ્યાનમાં લેવા વિનંતી કરવામાં આવી છે.

આ પ્રકારની પ્રતિક્રિયા પહેલીવાર જોવા મળી

આ ઘટના વિશે વિચારતાં એક મહત્વની વાત ઉભરી આવે છે કે, વર્ષ 2002ના રમખાણો દરમિયાન, ત્યારપછી 2006 સુધીના અનેક એન્કાઉન્ટર કેસો અને 2009 સુધી ગુજરાત પોલીસ સામે અસંખ્ય વિવાદાસ્પદ ઘટનાઓ અને અપમાનજનક ટીકાઓ થઈ હતી. તે સમયે પણ પોલીસને ગાળો ભાંડવામાં આવી હતી, પરંતુ કોઈ સંસ્થાકીય રીતે આવેદનપત્ર કે કડક રજૂઆત કરવામાં આવી ન હતી. આ વખતે IPS એસોસિએશનની આવી પ્રતિક્રિયા પ્રથમ વાર જોવા મળી છે.

કારણ- ઇટાલિયા પોતે પૂર્વ પોલીસ કોન્સ્ટેબલ

ગોપાલ ઇટાલિયા પોતે ગુજરાત પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. અમદાવાદના માધુપુરા પોલીસ સ્ટેશનમાં તેમણે સેવા આપી હતી. પાટીદાર અનામત આંદોલન દરમિયાન તેમને પોલીસ વિભાગના સહકર્મીઓ તરફથી સહયોગ અને મદદ મળતી રહેતી હોવાની માહિતી પણ સામે આવી છે. આ જ કારણે આ વખતે IPS એસોસિએશને આટલી ત્વરિત અને કડક પ્રતિક્રિયા આપી હોવાનું માનવામાં આવે છે.

આ મામલે હજુ સુધી રાજ્ય ચૂંટણી કમિશનર તરફથી કોઈ સત્તાવાર પ્રતિસાદ આવ્યો નથી. ગોપાલ ઇટાલિયા તરફથી પણ આ આરોપો અંગે કોઈ સ્પષ્ટ જવાબ સામે આવ્યો નથી. આ ઘટનાએ ગુજરાતના રાજકીય અને પોલીસ વર્તુળમાં ચર્ચાનો માહોલ સર્જ્યો છે.

આ પણ વાંચો: ઝઘડિયા GIDC આગકાંડ: AAP ધારાસભ્ય ચૈતર વસાવા અને મૃતકના સંબંધી વચ્ચે લાફાલાફી, પીઆઈની હાજરીમાં જ ઘર્ષણ

Back to top button