ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ઝઘડિયા GIDC આગકાંડ: AAP ધારાસભ્ય ચૈતર વસાવા અને મૃતકના સંબંધી વચ્ચે લાફાલાફી, પીઆઈની હાજરીમાં જ ઘર્ષણ

Chaitar Vasava: ભરૂચ જિલ્લાના ઝઘડિયા GIDCમાં આવેલી મેટ્રોપોલિટન એક્ઝિમકેમ (મેટ્રો કેમિકલ) કંપનીમાં 23 એપ્રિલે ભીષણ આગ લાગી હતી. કંપનીની બેદરકારીને કારણે આ દુર્ઘટનામાં 16 કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા. જેમાંથી 2 કામદારોના સારવાર દરમિયાન મોત નીપજ્યા છે. એકનું 25 એપ્રિલે અને બીજાનું 27 એપ્રિલે સવારે. અન્ય 14 કામદારો હજુ સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેમાં 5 વેન્ટિલેટર પર અને 9 જણા 70 ટકા દાઝેલા છે.

આ ઘટનાને લઈને સ્થાનિક સ્તરે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે (૨૭ એપ્રિલે) AAPના ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા પીડિત પરિવારો સાથે કંપની પર પહોંચ્યા હતા. વળતર માટે મેનેજમેન્ટ સાથે વાતચીત માટે આવેલા ધારાસભ્ય અને પીડિત પરિવારના સંબંધી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને તે વધીને લાફાલાફી સુધી પહોંચી ગઈ. આ સમગ્ર ઘટના પીઆઈ વાઘેલાની હાજરીમાં જ બની હતી.

શું હતો ઘટનાક્રમ?

મૃતક રાકેશ વસાવાના ભાઈ અરુણભાઈએ 26 એપ્રિલે સાંજે ધારાસભ્ય ચૈતર વસાવાને ફોન કરીને કહ્યું હતું કે, “ભાઈ શું કરીએ, બે દિવસથી ડેડબોડી બગડે છે, તમે આવો અને કંપની સાથે વાત કરો.” આ કોલ પર આજે (27 એપ્રિલે) સવારે સાડા અગિયાર વાગ્યે ચૈતર વસાવા પોલીસ કાફલા સાથે કંપનીના ગેટ પર પહોંચ્યા. ત્યાં દોઢ કલાક સુધી ઊભા રહ્યા, પરંતુ કંપની મેનેજમેન્ટનો કોઈ વ્યક્તિ મળવા આવ્યો નહીં.

ધારાસભ્યે કહ્યું, “અમે ગેટ પર ઊભા રહ્યા. મેનેજમેન્ટ આવ્યું નહીં તો અમે ગેટ પર ચડીને અંદર જવા ગયા. ત્યારે પોલીસે અગાઉથી તૈયાર રાખેલા એક વ્યક્તિએ મારી સાથે તું-તારી કરીને ઉશ્કેરવાનું શરૂ કર્યું. મેં શાંતિ રાખવા કહ્યું, પરંતુ તે વધુ ઉશ્કેરાયો. છેવટે લપમાં પડ્યા વિના મેં પીઆઈ સાથે વાત કરીને મધ્યસ્થી કરવાની વાત કરી, પણ પોલીસે જાહેરનામું ભંગનું બહાનું કાઢીને લાઠીચાર્જ કર્યો અને અમને ખદેડી મૂક્યા.”

પીડિત પરિવારનો વિરોધ

બીજી તરફ મૃતક રાકેશ વસાવાના કૌટુંબિક ભાઈ રાજન વસાવાએ ધારાસભ્ય પર ગંભીર આરોપ લગાવ્યા. તેમણે કહ્યું કે ચૈતર વસાવા પીડિત પરિવારને ન્યાય અપાવવા નહીં, પરંતુ કંપની પાસેથી પૈસા વસૂલવા માટે આવ્યા છે. પરિવારે કંપની સાથે સમાધાન કરી લીધું છે અને ધારાસભ્યને બોલાવ્યા નથી. આ ઘટનાથી વિસ્તારમાં અશાંતિ ફેલાવવાની જવાબદારી ધારાસભ્ય પર હશે.

આ દરમિયાન ઉગ્ર બોલાચાલી વધતાં ધારાસભ્યે વિરોધ કરનારને લાફો મારી દીધો ત્યારે સામે તરફથી પણ લાફો પડ્યો. બંને તરફથી મારામારી અને લાફાલાફીના દ્રશ્યો જોવા મળ્યા. અપશબ્દોનો મારો પણ ચાલ્યો. સમગ્ર ઘટના પીઆઈ વાઘેલાની હાજરીમાં બની, પરંતુ પોલીસે ઘર્ષણ રોકવાનો કોઈ પ્રયાસ કર્યો નહીં.

ધારાસભ્યની માગણી

ચૈતર વસાવાએ કહ્યું કે કંપની મેનેજમેન્ટે 5 દિવસ થયા છતા પણ પીડિત પરિવારોની ખબર-અંતર પૂછવા કે મદદ કરવા કોઈને મોકલ્યા નથી. “કાયમી કર્મચારીઓને આટલી બેદરકારી? વીમા, પોલિસી કે સરકારી નિયમ મુજબનું વળતર પણ આપવામાં આવતું નથી.” તેમણે મૃતકોના પરિવારને 1-1 કરોડની સહાયની માગ કરી છે.

આ ઘટનાએ ગુજરાતના રાજકારણમાં ફરી એક વાર આદિવાસી વિસ્તારો અને ઔદ્યોગિક સલામતીના મુદ્દાઓને તાજા કર્યા છે. પીડિત પરિવારોને યોગ્ય વળતર અને આગની કારણ તપાસની માંગ સાથે સ્થાનિક સ્તરે આક્રોશ જોવા મળી રહ્યો છે. વીડિયો વાયરલ થવાથી સોશિયલ મીડિયા પર પણ તીવ્ર પ્રતિક્રિયાઓ આવી રહી છે.

આ પણ વાંચો: જસદણમાં કરુણ ઘટના: આલણ સાગર તળાવમાં નહાવા ગયેલા 4 કિશોરો ડૂબ્યા, પરિવારોમાં હૈયાફાટ રૂદન

Back to top button