દિલ્હી હોસ્ટેલ દુર્ઘટના બાદ અમદાવાદમાં PG પર તવાઈ, પોલીસ-AMCનું શહેરવ્યાપી વેરિફિકેશન

Ahmedabad PG Verification Drive: દિલ્હીમાં પાંચ માળની ઇમારત ધરાશાયી થતાં સાત લોકોના મોત બાદ અમદાવાદમાં પેઈંગ ગેસ્ટ (PG) વ્યવસ્થાની સુરક્ષા અને ત્યાં રહેતા લોકોની ઓળખને લઈને તંત્ર હરકતમાં આવ્યું છે. અમદાવાદ શહેર પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરભરના PGમાં વેરિફિકેશન અને સેફ્ટી ચેક વધુ કડક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દરેક પોલીસ સ્ટેશનને પોતાના વિસ્તારમાં આવેલા PGની મુલાકાત લઈ ત્યાં રહેતા લોકોની વિગતો ચકાસવાની સૂચના આપવામાં આવી છે.
દિલ્હીની દુર્ઘટના બાદ અમદાવાદમાં તંત્ર એલર્ટ
દિલ્હીમાં પાંચ માળની ઇમારત ધરાશાયી થયા બાદ મૃતકો અને ઇમારતમાં રહેતા કેટલાક લોકોની ઓળખ કરવામાં તંત્રને મુશ્કેલી પડી હોવાના અહેવાલ સામે આવ્યા હતા. આ ઘટનાને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં PGમાં રહેતા વિદ્યાર્થીઓ, નોકરીયાતો અને અન્ય લોકોની યોગ્ય નોંધ તથા પોલીસ વેરિફિકેશન સુનિશ્ચિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલૌતે જણાવ્યું છે કે શહેરના દરેક પોલીસ સ્ટેશનને તેમના વિસ્તારમાં આવેલા PGની મુલાકાત લેવા અને ત્યાં રહેતા લોકોનું વેરિફિકેશન કરવા સૂચના આપવામાં આવી છે. આ કામગીરીમાં AMC અને ફાયર વિભાગ સાથે પણ સંકલન કરવામાં આવશે.
શી ટીમો વિદ્યાર્થીઓની સુરક્ષા તપાસશે
માત્ર દસ્તાવેજોની તપાસ પૂરતી નહીં રહે. પોલીસની શી (SHE) ટીમો પણ PGની મુલાકાત લેશે અને ખાસ કરીને વિદ્યાર્થીઓ તથા યુવતીઓને રહેવા દરમિયાન કોઈ મુશ્કેલી, અસુરક્ષા કે અન્ય સમસ્યાનો સામનો કરવો પડે છે કે કેમ તેની માહિતી મેળવશે. સાથે સાથે ફાયર સેફ્ટી સહિતની બાબતોની તપાસ માટે AMCના સંબંધિત વિભાગોની મદદ લેવામાં આવશે.
AMCના સર્વેમાં મળ્યા હતા 401 PG
સપ્ટેમ્બર 2025માં AMC દ્વારા કરવામાં આવેલા સર્વેમાં શહેરની હદમાં કુલ 401 PG એકમોની ઓળખ થઈ હતી. તેમાં આશ્ચર્યજનક રીતે 399 PG પશ્ચિમ ઝોનના વિવિધ વિસ્તારોમાં હતા, જ્યારે પૂર્વ ઝોનમાં માત્ર બે PG નોંધાયા હતા. બોપલ, થલતેજ, વસ્ત્રાપુર, સેટેલાઇટ, ઘાટલોડિયા, એસજી હાઇવે, ઘુમા, ગોતા, ચાંદલોડિયા, જગતપુર, ચાંદખેડા, નવરંગપુરા અને બોડકદેવ જેવા વિસ્તારોમાં મોટી સંખ્યામાં PG ચાલતા હોવાનું સર્વેમાં સામે આવ્યું હતું.
AMCના આ સર્વેમાં 401માંથી 385 PG પાસે સોસાયટી NOC અને જરૂરી પોલીસ વેરિફિકેશન ન હોવાનું સામે આવ્યું હતું. આવા PG સંચાલકોને 30 દિવસની અંદર સોસાયટીની NOC, પોલીસ વેરિફિકેશન તેમજ ફાયર સેફ્ટી અને પાર્કિંગના નિયમોનું પાલન કરવા નોટિસ આપવામાં આવી હતી. નિયમોનું પાલન નહીં થાય તો સીલિંગ સહિતની કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી હતી.
માત્ર આશરે 16 PG નિયમોનું પાલન કરતા મળ્યા
સર્વે અને તપાસ દરમિયાન આઠ PG પહેલેથી બંધ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું, જ્યારે આશરે 16 PG જ જરૂરી નિયમોનું પાલન કરતા હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ કેટલાક વિસ્તારોમાં કાર્યવાહી પણ કરવામાં આવી છે. ડિસેમ્બર 2025માં થલતેજની એક રો-હાઉસ સ્કીમમાં મંજૂરી વગર PG તરીકે ઉપયોગમાં લેવાતા 11 ટેનામેન્ટ સીલ કરવામાં આવ્યા હતા. 2025-26 દરમિયાન વિવિધ રહેણાક સોસાયટીઓમાં 25થી વધુ ગેરકાયદે PG એકમો સામે સીલિંગની કાર્યવાહી થઈ હોવાનું પણ અહેવાલમાં જણાવાયું છે.
અમદાવાદમાં અંદાજે 80 હજાર લોકો PGમાં રહે છે
AMCના સત્તાવાર સર્વેમાં 401 PG મળ્યા હોવા છતાં શહેરમાં વાસ્તવિક પીજી વ્યવસ્થા તેના કરતાં ઘણી મોટી હોવાનું માનવામાં આવે છે. ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોના અંદાજ મુજબ અમદાવાદમાં લગભગ 80 હજાર વિદ્યાર્થીઓ અને નોકરીયાતો PGમાં રહે છે, જ્યારે PG સેવા આપનારા નાના-મોટા સંચાલકોની સંખ્યા 4 હજારથી વધુ હોઈ શકે છે. જોકે આ 80 હજારનો આંકડો સત્તાવાર નોંધણીનો નહીં પરંતુ ઇન્ડસ્ટ્રી એસ્ટિમેટ છે.
AMCના અગાઉના સર્વેમાં મુખ્યત્વે મોટા અને વ્યવસ્થિત રીતે ચાલતા PG આવરી લેવાયા હોવાની શક્યતા છે. એક કે બે મકાન અથવા ફ્લેટમાં નાના સ્તરે ચાલતી PG વ્યવસ્થાઓ ઘણી વખત સત્તાવાર સર્વેથી બહાર રહી જતી હોવાનું પણ દર્શાવવામાં આવ્યું છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
PG માટે અલગ રજિસ્ટ્રેશન કેટેગરી જ નથી
આ સમગ્ર મુદ્દાનું એક મહત્ત્વનું પાસું એ પણ છે કે હાલ CGDCR હેઠળ પેઈંગ ગેસ્ટ માટે અલગથી સ્પષ્ટ કેટેગરી નિર્ધારિત નથી. આવા એકમોને સામાન્ય રીતે હોસ્ટેલ અથવા લોજિંગ સંબંધિત જોગવાઈઓ હેઠળ જોવામાં આવે છે. ઉપરાંત પીજી માટે હાલમાં અલગ રજિસ્ટ્રેશન નંબર કે સમર્પિત ઓનલાઈન પોર્ટલની વ્યવસ્થા પણ નથી. આ સ્થિતિને કારણે શહેરમાં કેટલા પીજી ચાલે છે, તેમાં કેટલા લોકો રહે છે અને કેટલા પીજી તમામ સુરક્ષા તથા પોલીસ વેરિફિકેશનના નિયમોનું પાલન કરે છે તેની સંપૂર્ણ અને એકીકૃત માહિતી તંત્ર પાસે હોવી મુશ્કેલ બને છે.
હવે PG સંચાલકો માટે શું બદલાશે?
નવી શહેરવ્યાપી તપાસ દરમિયાન પોલીસ PGમાં રહેતા લોકોની ઓળખ અને વિગતો ચકાસશે. AMC બિલ્ડિંગ અને સ્થાનિક નિયમોનું પાલન થાય છે કે નહીં તે જોશે, જ્યારે ફાયર વિભાગ સલામતી સંબંધિત વ્યવસ્થાની તપાસ કરશે. SHE ટીમો ખાસ કરીને વિદ્યાર્થીઓ અને યુવતીઓની સુરક્ષા તથા તેમની ફરિયાદો પર ધ્યાન આપશે. આમ, દિલ્હીની દુર્ઘટના બાદ અમદાવાદમાં PG વ્યવસ્થાને વધુ જવાબદાર અને સુરક્ષિત બનાવવા માટે પોલીસ અને મહાનગરપાલિકાએ સંયુક્ત રીતે કડક ચકાસણી શરૂ કરી છે












