ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

Vadodara : ‘હવે આ નારાજ ફૂફાજીઓ…’, PM મોદીનો વિપક્ષ પર પ્રહાર

PM Modi Vadodara Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરામાં ‘નમો 4 વિકસિત ભારત’ કાર્યક્રમ દરમિયાન રેલવે, હાઇવે, શહેરી વિકાસ, આવાસ, પાણી અને ઊર્જા સહિતના ₹35,200 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ, રાષ્ટ્રાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. કાર્યક્રમમાં વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરના ત્રણ મહત્ત્વપૂર્ણ સેક્શન દેશને સમર્પિત કરવામાં આવ્યા છે. આ દરમિયાન વડાપ્રધાને વિકાસ યોજનાઓનો વિરોધ કરનારા લોકો પર ‘નારાજ ફૂફાજી’ અને ‘ઝૂઠ કી ગૂંજ’ જેવા શબ્દપ્રયોગો સાથે કટાક્ષ પણ કર્યો હતો.

326 કિમીના WDFC સેક્શન રાષ્ટ્રને સમર્પિત

વડાપ્રધાન મોદીએ વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરના ન્યૂ સાણંદ (નોર્થ)-ન્યૂ મકરપુરા, ન્યૂ ઉમરગામ-ન્યૂ સફાળે અને ન્યૂ સફાળે-ન્યૂ JNPT એમ ત્રણ સેક્શન દેશને સમર્પિત કર્યા છે. કુલ 326 રૂટ કિલોમીટરના આ ત્રણ વિભાગ પાછળ ₹20,700 કરોડથી વધુનો ખર્ચ થયો છે. આ વિભાગો શરૂ થતાં જવાહરલાલ નહેરુ પોર્ટ ઓથોરિટી સાથે સીધી રેલ ફ્રેઇટ કનેક્ટિવિટી મજબૂત થશે અને આયાત-નિકાસના માલની અવરજવર ઝડપી બનવાની સાથે લોજિસ્ટિક્સ ખર્ચ તથા મુંબઈના પરંપરાગત રેલ નેટવર્ક પરનું દબાણ ઘટાડવામાં મદદ મળશે. રેલવે મંત્રાલયની ઓગસ્ટ 2026ની માહિતી મુજબ પૂર્વ અને પશ્ચિમ ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર મળીને 2,843 કિલોમીટરનું નેટવર્ક બનાવે છે અને તેના પર સરેરાશ 443થી વધુ માલગાડીઓ પ્રતિદિન દોડાવવામાં આવી રહી છે. WDFC ખાસ કરીને ડબલ-સ્ટેક કન્ટેનર ટ્રેનો અને વધુ ક્ષમતાની માલવાહક ટ્રેનો ચલાવવા માટે મહત્ત્વપૂર્ણ છે.

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

‘નારાજ ફૂફાજી’ કહીને કર્યો કટાક્ષ

વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં તાજેતરમાં JNPTથી વડોદરા તરફ દોડાવવામાં આવેલી ડબલ-સ્ટેક કન્ટેનર માલગાડીનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે કહ્યું કે એક જ ટ્રેનમાં 250થી વધુ ટ્રકો જેટલો માલ લઈ જવાયો. ત્યારબાદ કોઈનું નામ લીધા વિના વિરોધ કરનારાઓ પર કટાક્ષ કરતાં કહ્યું કે હવે ‘નારાજ ફૂફાજી’ પૂછશે કે ટ્રકવાળાઓનું શું થશે.

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

‘અટકતી, લટકતી, ભટકતી ફાઈલોનો યુગ ગયો’

ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરના ભૂતકાળના વિલંબને લઈને વડાપ્રધાને અગાઉની સરકારોની કાર્યપદ્ધતિ પર પણ પ્રહાર કર્યા. તેમણે જણાવ્યું કે પ્રોજેક્ટ અંગેની પ્રક્રિયા વર્ષો પહેલાં શરૂ થઈ હતી, DFCCILની સ્થાપના 2006માં થઈ હતી, પરંતુ 2014 પહેલાં કામની ગતિ અત્યંત ધીમી હતી. તેમણે કહ્યું કે હવે “અટકતી, લટકતી, ભટકતી” ફાઈલોની કાર્યસંસ્કૃતિ બદલાઈ છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ ઝડપથી આગળ વધી રહ્યા છે. DFCCILના સત્તાવાર રેકોર્ડ મુજબ કંપનીની સ્થાપના 30 ઓક્ટોબર 2006ના રોજ થઈ હતી. વડાપ્રધાને પોતાના ભાષણમાં એ પણ દાવો કર્યો કે 2014 પછી દેશમાં લગભગ 50 હજાર આધુનિક રેલવે કોચનું ઉત્પાદન થયું છે અને તેને અગાઉની સરકારના શાસનકાળ સાથે સરખાવતા શૌચાલયોના નિર્માણ અંગે પણ રાજકીય કટાક્ષ કર્યો હતો.

‘ઝૂઠ કી ગૂંજ’ અને Gen Zને સંદેશ

વડાપ્રધાન મોદીએ યુવાનોને સંબોધતાં કહ્યું કે ભ્રમિત કરનારા લોકો દરેક જગ્યાએ મળી જશે, પરંતુ દેશનો યુવાન ‘સચ કી હુંકાર’ સાથે આગળ વધે છે. ‘ઝૂઠ કી ગૂંજ’ શબ્દપ્રયોગ છેલ્લા કેટલાક દિવસથી રાહુલ ગાંધીના ‘છાત્રોં કી ગૂંજ’ વિદ્યાર્થી અભિયાનને લઈને ચાલી રહેલી રાજકીય ટકરારના સંદર્ભમાં ચર્ચામાં છે. રાહુલ ગાંધીનું ‘છાત્રોં કી ગૂંજ’ અભિયાન પેપર લીક, શિક્ષણની ફી, પરીક્ષા વ્યવસ્થા અને રોજગાર જેવા મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને ચલાવવામાં આવી રહ્યું છે.

વડાપ્રધાન મોદીએ 5 સપ્ટેમ્બરે દિલ્હીના શ્રી રામ કોલેજ ઓફ કોમર્સના શતાબ્દી કાર્યક્રમ દરમિયાન પણ નવા પ્રોજેક્ટ્સની જરૂરિયાત પર સતત સવાલ કરનારા લોકોને ‘નારાજ ફૂફા’ કહી કટાક્ષ કર્યો હતો. તે સમયે તેમણે UPI, નવી સંસદ, સ્મારકો અને હાઇ-સ્પીડ રેલ જેવા પ્રોજેક્ટ્સના ઉદાહરણ આપ્યા હતા.

રેલવે માટે ₹30,766 કરોડથી વધુના પ્રોજેક્ટ્સ

વડોદરાના કાર્યક્રમમાં રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સૌથી મોટો હિસ્સો રહ્યો. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ રેલવેના ₹30,766 કરોડથી વધુના પ્રોજેક્ટ્સ સામેલ છે. તેમાં 326 કિમીના WDFCના ત્રણ સેક્શન ઉપરાંત વડોદરા-રતલામ વચ્ચે 259 કિમી લાંબી ત્રીજી અને ચોથી રેલવે લાઇનનો ₹8,885 કરોડનો પ્રોજેક્ટ મહત્ત્વનો છે.

હાઇવે માટે ₹1,840 કરોડથી વધુનું વિકાસ પેકેજ

ગુજરાત સરકારના વિગતવાર પેકેજ મુજબ NHAIના કુલ ₹1,840.55 કરોડના કામો સામેલ છે. તેમાં વડોદરા-સુરત NH-48 પર તાપી અને નર્મદા સહિતના મોટા બ્રિજ તથા અન્ય સ્ટ્રક્ચર માટે ₹907.39 કરોડ, કામરેજ-ચલથાણ છ-માર્ગીય પ્રોજેક્ટ માટે ₹686.15 કરોડ અને NH-53 પર અભવા, મીંઢોળા તથા ખજોદ જંક્શન ખાતે ગ્રેડ-સેપરેટેડ સ્ટ્રક્ચર્સ માટે ₹187.11 કરોડનો ખર્ચ સામેલ છે. કંડારી ચોકડી અને લુવારા પાટિયા ખાતે ₹59.90 કરોડના છ-લેન ફ્લાયઓવરનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું. PMOએ ખાતમુહૂર્ત થનારા ત્રણ મુખ્ય હાઇવે પ્રોજેક્ટ્સની કિંમત આશરે ₹1,780 કરોડ દર્શાવી છે.

આ પણ વાંચોઃ ધોળકામાં ST બસ અને એક્ટિવા વચ્ચે અકસ્માત, એક્ટિવા ચાલકનું મોત, ઘટનાના CCTV આવ્યા સામે
Back to top button