
Rahul Gandhi Satya Niketan PG Collapse Statement: દેશની રાજધાની દિલ્હીના દક્ષિણી વિસ્તારમાં આવેલા સત્ય નિકેતનમાં એક બહુમાળી ઇમારત ધરાશાયી થવાની ભયાનક દુર્ઘટના સામે આવી છે. રવિવારે બપોરે 1:30 વાગ્યે બનેલી આ ઘટનામાં અત્યાર સુધીમાં 2 લોકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે દિલ્હી યુનિવર્સિટીના અનેક વિદ્યાર્થીઓ સહિત ઘણા લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. આ દુર્ઘટના અંગે લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ ઊંડો શોક અને આક્રોશ વ્યક્ત કર્યો છે.
“દરેક વિદ્યાર્થીનો જીવ કિંમતી છે”
ઘટના અંગે પ્રતિક્રિયા આપતાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, સત્ય નિકેતનમાં ઇમારત ધરાશાયી થવાના સમાચાર અત્યંત પીડાદાયક અને ચિંતાજનક છે. તેમણે NDRF, દિલ્હી ફાયર સર્વિસ અને સ્થાનિક બચાવ ટીમોને ઝડપથી કામગીરી હાથ ધરીને દરેક ફસાયેલા વ્યક્તિ સુધી પહોંચવા વિનંતી કરી છે. રાહુલ ગાંધીએ ઉમેર્યું કે, કોંગ્રેસ અને NSUI ના કાર્યકરો ઘટનાસ્થળે પહોંચીને પીડિતોને મદદ પૂરી પાડી રહ્યા છે. આ મુશ્કેલ સમયમાં સમગ્ર પક્ષ પીડિત પરિવારોની સાથે મજબૂતીથી ઊભો છે.
પીજી કલ્ચર પર ઉઠ્યા ગંભીર સવાલો
વિદ્યાર્થીઓની સુરક્ષા મુદ્દે બોલતાં રાહુલ ગાંધીએ પીજી (PG) સંચાલકો અને તંત્ર સામે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે યુનિવર્સિટીઓમાં યોગ્ય છાત્રાલયોના અભાવે વિદ્યાર્થીઓને એક જ ઇમારતમાં 40-40 રૂમ ધરાવતા ગેરકાયદે પીજીમાં અમાનવીય પરિસ્થિતિમાં રહેવું પડે છે. વિદ્યાર્થી જીવન પહેલેથી જ સંઘર્ષમય હોય છે, ત્યારે આ પ્રકારની ભયાનક બેદરકારી જીવલેણ સાબિત થઈ રહી છે. દરેક વિદ્યાર્થીના જીવનનું રક્ષણ કરવું એ સરકાર અને વહીવટીતંત્રની પ્રાથમિક ફરજ છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
પ્રિયંકા ગાંધીએ કરી પ્રાર્થના
સાંસદ પ્રિયંકા ગાંધીએ પણ આ ઘટનાને આઘાતજનક ગણાવીને ફસાયેલા તમામ લોકોના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે પ્રાર્થના કરી છે. તેમણે વહીવટીતંત્રને અપીલ કરી છે કે આ દુર્ઘટનામાં રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચલાવવામાં આવે જેથી કાટમાળ નીચે દબાયેલા લોકોને સમયસર બહાર કાઢી તબીબી સારવાર પૂરી પાડી શકાય.
આ પણ વાંચો: બિહારનો અનોખો કિસ્સો: નવી સ્કોર્પિયો કાર ચોરીથી બચાવવા ક્રેન વડે બે માળના મકાનની છત પર પાર્ક કરી!












