અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

કાલુપુર રેલવે સ્ટેશન આસપાસ ટ્રાફિક હળવો કરવા નવા રસ્તા-બ્રિજ બનશે, AMC તૈયાર કરશે લોકલ એરિયા પ્લાન

Kalupur Station Redevelopment: કાલુપુર રેલવે સ્ટેશન અને આસપાસના વિસ્તારોમાં વધતા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મોટા પાયે માઇક્રો-લેવલ પ્લાનિંગ કરવામાં આવશે. કાલુપુર રેલવે સ્ટેશન આસપાસના અંદાજે 3.3 ચોરસ કિલોમીટર વિસ્તાર માટે સ્થાનિક વિસ્તાર યોજના એટલે કે લોકલ એરિયા પ્લાન તૈયાર કરવાની દિશામાં AMCએ કાર્યવાહી શરૂ કરી છે. આ માટે કન્સલ્ટન્ટની નિમણૂક કરવા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત મૂકવામાં આવી છે.

હાલ કાલુપુર રેલવે સ્ટેશનનું પુનઃવિકાસ કામ ચાલી રહ્યું છે. આ ઉપરાંત અહીં બુલેટ ટ્રેન માટેનું સ્ટેશન પણ તૈયાર થઈ રહ્યું છે, જ્યારે અસારવા રેલવે સ્ટેશનના વિકાસનું પણ આયોજન છે. ભવિષ્યમાં આ વિસ્તારોમાં વાહનવ્યવહાર વધવાની શક્યતાને ધ્યાનમાં રાખીને કનેક્ટિવિટી સુધારવા પર વિશેષ ભાર મૂકવામાં આવશે.

જૂના રસ્તા પહોળા કરાશે, નવા બ્રિજ અને વૈકલ્પિક રૂટ બનશે

લોકલ એરિયા પ્લાન હેઠળ કાલુપુર રેલવે સ્ટેશનને જોડતા હાલના રસ્તાઓને પહોળા કરવાની સાથે નવા રસ્તા અને બ્રિજ બનાવવાની શક્યતાઓ ચકાસવામાં આવશે. ટ્રાફિકનું ભારણ એક જ માર્ગ પર ન રહે તે માટે વૈકલ્પિક રસ્તાઓ પણ વિકસાવવામાં આવશે. AMC દ્વારા જાહેર સુવિધાઓ માટે જરૂરી જમીન કેવી રીતે ઉપલબ્ધ થઈ શકે અને ભવિષ્યમાં કયા પ્રકારના જાહેર માળખાકીય પ્રોજેક્ટ હાથ ધરી શકાય તે બાબતનો પણ પ્લાનમાં સમાવેશ કરવામાં આવશે.

સામાન્ય રીતે 100 હેક્ટર કે તેથી વધુ વિસ્તાર માટે ટાઉન પ્લાનિંગ સ્કીમ તૈયાર કરવામાં આવે છે. ટીપી સ્કીમમાં રસ્તાઓ ઉપરાંત જાહેર હેતુ માટે જમીન અનામત રાખવાની જોગવાઈ હોય છે. જોકે નાના અને પહેલેથી વિકસિત વિસ્તારોમાં ટીપી સ્કીમ બનાવવી મુશ્કેલ હોવાથી અહીં લોકલ એરિયા પ્લાન દ્વારા માઇક્રો-લેવલ આયોજન કરવામાં આવશે.

ખાનગી મકાનોના પુનઃવિકાસ માટે પણ નવા નિયમોની યોજના

3.3 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ખાનગી માલિકીની જમીન પર આવેલા મકાનોના પુનઃવિકાસ માટે નવા નિયમો બનાવવાની પણ વિચારણા છે. પુનઃવિકાસ દરમિયાન વધુ જમીન જાહેર ઉપયોગ માટે ઉપલબ્ધ થાય અને રસ્તા તથા અન્ય સુવિધાઓ વિકસાવી શકાય તે દિશામાં આયોજન કરવામાં આવશે. આ સમગ્ર યોજનાનો મુખ્ય હેતુ કાલુપુર રેલવે સ્ટેશન સાથેની રોડ કનેક્ટિવિટી મજબૂત કરવો, ભવિષ્યમાં વધનારા ટ્રાફિક માટે સુવિધા ઊભી કરવી અને હાલની ટ્રાફિક જામની સમસ્યા ઓછી કરવાનો છે.

યુનેસ્કો સંરક્ષિત હેરિટેજ ઇમારતોને અસર નહીં થાય

લોકલ એરિયા પ્લાનના વિસ્તારમાં ખાડિયા, જમાલપુર, શાહપુર અને કાલુપુરના હેરિટેજ પોળ વિસ્તાર પણ આવે છે. જોકે યુનેસ્કો દ્વારા સંરક્ષિત હેરિટેજ ઇમારતોને આ યોજનામાંથી બાકાત રાખવામાં આવશે. રસ્તા પહોળા કરવા, બ્રિજ બનાવવા અથવા અન્ય માળખાકીય વિકાસના કામ દરમિયાન શહેરની ઐતિહાસિક અને હેરિટેજ ઇમારતોને નુકસાન ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સારંગપુરથી ઈદગાહ અને ચામુંડા બ્રિજ સુધી વિસ્તાર

યોજનાની સીમા કાલુપુર રેલવે સ્ટેશન નજીકના સારંગપુર સર્કલ રોડથી શરૂ થશે. ત્યારબાદ કાલુપુર ફ્રૂટ માર્કેટ, રેવડી બજાર અને ઈદગાહ બ્રિજ તરફ આગળ વધશે. આ વિસ્તાર ચામુંડા બ્રિજ, સરસપુર આંબેડકર હોલ અને ચારતોડા કબ્રસ્તાન પાસેથી પસાર થઈ ફરી સારંગપુર બ્રિજ તરફ જોડાશે. લોકલ એરિયા પ્લાનમાં કાલુપુર, અસારવા, સરસપુર, સારંગપુર અને ગોમતીપુર સહિતના વિવિધ વોર્ડના ચોક્કસ જમીન પ્લોટનો સમાવેશ કરવામાં આવશે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

2014ના ડેવલપમેન્ટ પ્લાનમાં પ્રથમ વખત આવ્યો હતો લોકલ એરિયા પ્લાનનો ખ્યાલ

અમદાવાદ ડેવલપમેન્ટ પ્લાન-2021ને વર્ષ 2014માં મંજૂરી મળી હતી. તેમાં પ્રથમ વખત શહેરમાં લોકલ એરિયા પ્લાનનો ખ્યાલ રજૂ કરવામાં આવ્યો હતો. આ યોજના હેઠળ 37 કિલોમીટરના મેટ્રો રૂટ અને 98 કિલોમીટરના BRTS રૂટની બંને તરફ 200 મીટરના વિસ્તારમાં ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડ ઝોન (TOZ) નક્કી કરવામાં આવ્યા હતા.

આશરે આઠ વર્ષ પહેલાં ઔડાએ મેટ્રો અને BRTS રૂટને 28 ભાગમાં વહેંચીને ડ્રાફ્ટ લોકલ એરિયા પ્લાન રાજ્ય સરકારને મોકલ્યા હતા. જોકે આ યોજનાઓને હજુ મંજૂરી મળી નથી અને રાજ્ય સરકારે તેમાં સુધારા માટે પરત મોકલી હોવાનું જાણવા મળે છે. આ યોજનાઓમાં મેટ્રો સ્ટેશનો નજીક 58થી વધુ પાર્કિંગ પ્લોટની દરખાસ્ત પણ કરવામાં આવી હતી. સાથે જ TOZ હેઠળ આવતી કેટલીક હાઉસિંગ સોસાયટીઓના ખાનગી રસ્તાઓને જાહેર રસ્તામાં ફેરવવાની જોગવાઈ પણ સૂચવવામાં આવી હતી.

આ પણ વાંચોઃ સાઈબર ફ્રોડના કેસ વધતા લેવાયો મોટો નિર્ણયઃ હવે એક લાખથી ઓછી રકમમાં પણ ઈ-એફઆઈઆર થશે
Back to top button