અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ: પ્રેમસંબંધ તોડતાં યુવતીને ત્રાસ આપ્યો, સગાઈ તોડાવી અપહરણની ધમકી આપી

અમદાવાદ: વેજલપુર વિસ્તારમાં પ્રેમસંબંધ તોડી નાખ્યા બાદ યુવતીને સતત હેરાન કરવા, તેની સગાઈ તોડાવી દેવા અને ઉપાડી જવાની ધમકી આપવાનો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે પીડિત યુવતીએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં હરેશ પુરબિયા નામના યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસએ ફરિયાદના આધારે વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નશાની ટેવ જાણ થતાં સંબંધ તોડ્યો

પોલીસ ફરિયાદ મુજબ, વેજલપુર વિસ્તારમાં રહેતી યુવતીનો આશરે એક વર્ષ પહેલાં હરેશ પુરબિયા નામના યુવક સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. થોડા સમય બાદ યુવતીને હરેશ વિવિધ પ્રકારના નશા કરતો હોવાની જાણ થઈ હતી.

આ કારણે યુવતીએ તેની સાથે લગ્ન કરવાનો ઇનકાર કર્યો અને પ્રેમસંબંધ તોડી નાખ્યો હતો. ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે આ વાતનો ખાર રાખીને હરેશે યુવતીનો પીછો કરવાનું અને તેને હેરાન કરવાનું શરૂ કર્યું હતું.

લગ્ન માટે દબાણ અને ઝપાઝપીનો આરોપ

યુવતીનો આરોપ છે કે સંબંધ તૂટ્યા બાદ હરેશ તેને વારંવાર ગાળો આપતો હતો અને લગ્ન કરવા દબાણ કરતો હતો. ફરિયાદમાં ઝપાઝપી કરવામાં આવી હોવાનો પણ ઉલ્લેખ છે.

યુવતી અને તેના પરિવારજનો આ સંબંધ આગળ વધારવા તૈયાર ન હોવા છતાં આરોપી સતત સંપર્ક અને દબાણ કરતો હોવાનો ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો છે.

બીજી જગ્યાએ થયેલી સગાઈ પણ તોડાવી

ફરિયાદ પ્રમાણે યુવતીના પરિવારજનોએ તેની બીજી જગ્યાએ સગાઈ નક્કી કરી હતી. આ અંગે જાણ થતાં હરેશ ત્યાં પહોંચ્યો હતો અને યુવતી સાથેના પોતાના જૂના સંબંધ અંગે વાતો કરી હતી.

યુવતીનો આક્ષેપ છે કે તેના કારણે તેની નક્કી થયેલી સગાઈ તૂટી ગઈ હતી. ત્યારબાદ પણ આરોપી તરફથી ધમકીઓ અને હેરાનગતિ ચાલુ રહી હતી.

‘ફરી સગાઈ કરીશ તો એ પણ તોડાવી દઈશ’

ફરિયાદમાં જણાવ્યા મુજબ, 26 જુલાઈના રોજ હરેશે યુવતીના પિતાના મોબાઈલ પર ફોન કર્યો હતો. ફોન યુવતીએ ઉપાડતાં આરોપીએ તેને ધમકી આપી હોવાનું જણાવાયું છે.

આરોપીએ યુવતીને કહ્યું હોવાનો ફરિયાદમાં દાવો છે કે તેના ભાઈઓને કેસમાં ફસાવી દીધા છે અને જો તે બીજી જગ્યાએ સગાઈ કરશે તો તે પણ તોડાવી દેશે.

ઉપાડી જવાની અને ભાઈઓને ફસાવવાની ધમકી

યુવતીએ ફરિયાદમાં વધુમાં આરોપ લગાવ્યો છે કે હરેશે તેને ઉપાડી જવાની ધમકી આપી હતી. સાથે જ તેના ભાઈઓને ફરીથી ખોટા કેસમાં ફસાવી દેવાની વાત કરીને ગાળો પણ આપી હતી.

સતત હેરાનગતિ અને ધમકીઓથી કંટાળેલી યુવતીએ આખરે પોતાના પરિવારજનોને સમગ્ર ઘટનાની જાણ કરી હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

વેજલપુર પોલીસે તપાસ શરૂ કરી

પરિવારના સાથથી યુવતીએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં હરેશ પુરબિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપોના આધારે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલુ છે અને ફરિયાદમાં કરવામાં આવેલા તમામ આક્ષેપોની ચકાસણી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: અરુણાચલ પ્રદેશમાં વહેલી સવારે ધરતી ધ્રૂજી, બિચોમમાં 2.9ની તીવ્રતાનો ભૂકંપ

Back to top button