અરુણાચલ પ્રદેશમાં વહેલી સવારે ધરતી ધ્રૂજી, બિચોમમાં 2.9ની તીવ્રતાનો ભૂકંપ
Earthquake in Arunachal Pradesh: અરુણાચલ પ્રદેશમાં મંગળવારે વહેલી સવારે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.9 નોંધાઈ હતી. સવારે 5 વાગીને 44 મિનિટ અને 15 સેકન્ડે આવેલા આ ભૂકંપનું કેન્દ્ર બિચોમ વિસ્તારમાં હોવાનું જણાવાયું છે.
જમીનથી 10 કિલોમીટર નીચે હતું કેન્દ્ર
NCSના ડેટા અનુસાર ભૂકંપનું કેન્દ્ર 27.540 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 92.817 ડિગ્રી પૂર્વ રેખાંશ પર નોંધાયું હતું. ભૂકંપનું કેન્દ્ર જમીનથી આશરે 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. આ વિસ્તાર તવાંગની આસપાસના પહાડી ક્ષેત્ર નજીક આવેલો છે.
ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી અત્યાર સુધી જાનમાલના નુકસાનના કોઈ સમાચાર સામે આવ્યા નથી. જોકે, વહેલી સવારે ધરતી ધ્રૂજતાં કેટલાક વિસ્તારોમાં લોકોમાં ચિંતા જોવા મળી હતી.
એક દિવસ અગાઉ અફઘાનિસ્તાનમાં પણ ભૂકંપ
અરુણાચલ પ્રદેશમાં આવેલા ભૂકંપના એક દિવસ પહેલાં 7 સપ્ટેમ્બરે અફઘાનિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. NCS અનુસાર અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપની તીવ્રતા 4.1 હતી.
આ ભૂકંપ સવારે 5 વાગીને 36 મિનિટે આવ્યો હતો. તેનું કેન્દ્ર જમીનથી આશરે 130 કિલોમીટરની ઊંડાઈએ હતું અને ફૈઝાબાદથી આશરે 112 કિલોમીટર દક્ષિણ-દક્ષિણપૂર્વમાં નોંધાયું હતું.
તિબેટમાં આવ્યો હતો 5.0ની તીવ્રતાનો ભૂકંપ
આ પહેલાં 3 સપ્ટેમ્બરે તિબેટમાં પણ શક્તિશાળી ભૂકંપ નોંધાયો હતો. NCSના સત્તાવાર રેકોર્ડ અનુસાર બપોરે 1 વાગીને 46 મિનિટે આવેલા આ ભૂકંપની તીવ્રતા 5.0 હતી.
ભૂકંપનું કેન્દ્ર 31.479 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 80.370 ડિગ્રી પૂર્વ રેખાંશ પર તેમજ જમીનથી આશરે 14 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું. તે ઉત્તરાખંડના જોશીમઠથી આશરે 128 કિલોમીટર ઉત્તર-પૂર્વમાં હતું.
An earthquake of magnitude 2.9 on the Richter scale occurred in Bichom, Arunachal Pradesh. pic.twitter.com/T4FOVhheCE
— ANI (@ANI) September 8, 2026
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ભૂકંપ કેમ આવે છે?
પૃથ્વીની ઉપરની સપાટી અનેક મોટી ટેક્ટોનિક પ્લેટ્સથી બનેલી છે. આ પ્લેટ્સ સતત ખૂબ ધીમી ગતિએ હલતી રહે છે. જ્યારે બે પ્લેટ્સ એકબીજા સાથે અથડાય, સરકે અથવા એક પ્લેટ બીજી પ્લેટની નીચે જાય ત્યારે તેમની ધાર પર ભારે દબાણ એકઠું થાય છે.
જ્યારે આ દબાણ અચાનક મુક્ત થાય છે ત્યારે ઊર્જા તરંગોના સ્વરૂપમાં બહાર આવે છે અને ધરતીમાં કંપન સર્જાય છે. આ કંપનને આપણે ભૂકંપ તરીકે અનુભવીએ છીએ.
હિમાલય અને ઉત્તર-પૂર્વ ભારતનો મોટો વિસ્તાર ભૂકંપીય દૃષ્ટિએ સક્રિય ગણાય છે. તેથી આ વિસ્તારોમાં સમયાંતરે નાના-મોટા ભૂકંપના આંચકા નોંધાતા રહે છે.
આ પણ વાંચો: યમનની જેલ પર એરસ્ટ્રાઈકમાં બાળક સહિત 7નાં મોત, હૂતીનો સાઉદી અરેબિયા પર ગંભીર આરોપ











