GTUમાં વર્ચસ્વનો બદલાવ: ડૉ. રાજુલ ગજ્જરનો કાર્યકાળ પૂર્ણ, પ્રોફેસર વૈભવ ભટ્ટ બન્યા નવા ઇન્ચાર્જ કુલપતિ

GTU In charge Vice Chancellor Appointed: ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU) ના પ્રથમ મહિલા કુલપતિ ડૉ. રાજુલ ગજ્જરનો 3 વર્ષનો સફળ કાર્યકાળ સોમવાર, 3 ઓગસ્ટના રોજ પૂર્ણ થયો છે. આ સાથે જ યુનિવર્સિટીના વહીવટને સુચારુરૂપે ચલાવવા માટે સ્કૂલ ઓફ એપ્લાઇડ સાયન્સના ડિરેક્ટર અને પ્રોફેસર વૈભવ ભટ્ટની કાર્યકારી (ઇન્ચાર્જ) કુલપતિ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. સામાન્ય નિયમ મુજબ ઇન્ચાર્જ કુલપતિને દૈનિક વહીવટ ચલાવવાની સત્તા આપવામાં આવે છે, પરંતુ તેઓ નીતિવિષયક કે કોઈ મોટો સૈદ્ધાંતિક નિર્ણય લઈ શકતા નથી.
કોણ છે નવા ઇન્ચાર્જ કુલપતિ વૈભવ ભટ્ટ?
નવા નિયુક્ત ઇન્ચાર્જ કુલપતિ પ્રોફેસર વૈભવ ભટ્ટ ઉચ્ચ શૈક્ષણિક લાયકાત અને બહોળો અનુભવ ધરાવે છે. તેમણે સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી માઈક્રોબાયોલોજી વિષયમાં M.Sc. અને બાયોટેકનોલોજીમાં Ph.D. ની પદવી મેળવેલી છે. આ ઉપરાંત, તેઓ વર્ષ 2020 થી 2022 દરમિયાન GTU ખાતે AIC-GISC ફાઉન્ડેશનના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) તરીકે સફળતાપૂર્વક જવાબદારી નિભાવી ચૂક્યા છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
સર્ચ કમિટીની રચનામાં વિલંબ
યુનિવર્સિટીના નિયમો અનુસાર, કુલપતિની મુદત પૂરી થવાના ઓછામાં ઓછા 3 મહિના પહેલાં જ નવા કાયમી કુલપતિની પસંદગી માટે સર્ચ કમિટીની રચના કરવાની હોય છે. જોકે, GTU માં હજુ સુધી સરકાર દ્વારા સર્ચ કમિટીની રચના કરવામાં આવી નથી. સર્ચ કમિટીની જાહેરાત બાદ જાહેરનામું બહાર પાડી અરજીઓ મંગાવવામાં આવે છે અને ઉમેદવારોની ચકાસણી થતાં 2 થી 3 મહિનાનો સમય લાગે છે. આ પ્રક્રિયામાં થયેલા વિલંબના કારણે કાયમી નિમણૂક અટકી પડી છે.
રાજ્યની સૌથી મોટી ટેક્નિકલ યુનિવર્સિટી
ઓગસ્ટ 2023 માં રાજ્ય સરકાર દ્વારા ડૉ. રાજુલ ગજ્જરની 3 વર્ષ માટે GTU ના પ્રથમ મહિલા કુલપતિ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. આ પહેલા તેઓ 2016 માં 7 મહિના માટે ઇન્ચાર્જ કુલપતિ અને IITE ના કુલપતિ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. વર્ષ 2007 માં સ્થાપિત થયેલી GTU આજે રાજ્યની સૌથી મોટી ટેક્નિકલ યુનિવર્સિટી છે. તેની સાથે 480 થી વધુ એન્જિનિયરિંગ, ફાર્મસી, મેનેજમેન્ટ અને ડિપ્લોમા સંસ્થાઓ જોડાયેલી છે, જેમાં 4 લાખથી વધુ વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યા છે.
આ પણ વાંચો: રક્ષાબંધન માટે પોસ્ટ વિભાગની ખાસ ભેટ: હવે ડિઝાઇનર વોટર-રેઝિસ્ટન્ટ કવરમાં દેશ-વિદેશ મોકલી શકશો રાખડી












