ગુજરાતટ્રેન્ડિંગ

ઇન્સ્ટાગ્રામ પર લિવ-ઇન અને લગ્નની જીદ… પાર્ટનરના ત્રાસથી મહિલાએ લીધો પોતાનો જીવ

live in relationship suicide Gujarat : અમદાવાદના બાપુનગર વિસ્તારમાં લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી 24 વર્ષીય દક્ષાબેન પરમારે પારિવારિક ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી લીધી છે. 15 નવેમ્બરના રોજ તેણે પોતાના ઘરમાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. આ દુઃખદ ઘટના બાદ તેના અઢી વર્ષના માસૂમ પુત્ર આનંદના માથેથી માતાની છત્રછાયા છીનવાઈ ગઈ છે. મૃતકની માતાની ફરિયાદના આધારે બાપુનગર પોલીસે દક્ષાબેનના લિવ-ઇન પાર્ટનર મયૂર પરમાર, તેની માતા મંજુબેન, પિતા પ્રવીણભાઈ અને ભાઈ વિશાલની ધરપકડ કરી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

પોલીસના જણાવ્યા અનુસાર, દક્ષાબેન અને મયૂર પરમાર લગ્ન કર્યા વિના લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા હતા અને આ દરમિયાન તેમને એક પુત્ર પણ થયો હતો. આક્ષેપ છે કે દક્ષાબેન સતત મયૂરને લગ્ન કરવા માટે કહેતી હતી, પરંતુ મયૂર અલગ-અલગ બહાના બનાવીને લગ્નની વાત ટાળતો રહેતો હતો. આ બાબતને લઈને બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. દક્ષાબેનની માતાએ પણ અનેકવાર મયૂર અને તેના પરિવારને બંનેના લગ્ન કરાવી દેવા માટે સમજાવ્યા હતા, પરંતુ લગ્નની વાત આગળ વધવાને બદલે દક્ષાબેનને સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.

ઇન્સ્ટાગ્રામ દ્વારા થઈ હતી મુલાકાત

દક્ષાબેનની માતા નંદાબેન રાઠોડના જણાવ્યા મુજબ, તેમને પાંચ દીકરીઓ છે અને દક્ષાબેન બીજા નંબરની દીકરી હતી. વર્ષ 2021માં ઇન્સ્ટાગ્રામ મારફતે દક્ષાબેનનો પરિચય મયૂર પરમાર સાથે થયો હતો. બંને વચ્ચે વાતચીત શરૂ થઈ અને ધીમે-ધીમે નિકટતા વધી હતી. જાન્યુઆરી 2023માં બંનેએ લગ્ન કર્યા વિના સાથે રહેવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ દક્ષાબેન અને મયૂર અમદાવાદ છોડીને મોરબી રહેવા જતા રહ્યા હતા. દીકરીના આ નિર્ણયથી નારાજ થઈને માતા નંદાબેને તેની સાથે સંબંધ તોડી નાખ્યો હતો.

એપ્રિલ 2024માં દક્ષાબેને એક પુત્રને જન્મ આપ્યો, જેનું નામ આનંદ રાખવામાં આવ્યું હતું. પુત્રના જન્મના લગભગ છ મહિના પછી દક્ષાબેને પોતાની માતા નંદાબેનને આ અંગે જાણ કરી હતી. આ સમયગાળા દરમિયાન દક્ષાબેન અને મયૂર પરત અમદાવાદ આવી ગયા હતા અને બાપુનગરમાં રહેવા લાગ્યા હતા. ત્યારબાદ દક્ષાબેન પોતાના પુત્ર અને મયૂર સાથે માતાના ઘરે પણ આવતી-જતી હતી. માતાએ દીકરીને સમજાવી હતી કે લિવ-ઇનમાં રહેવાને બદલે મયૂર સાથે લગ્ન કરી લે, જેથી બંનેના સંબંધને સામાજિક અને કાયદાકીય મજબૂતી મળી શકે.

લગ્નની વાત ટાળતો રહ્યો મયૂર

નંદાબેનના કહેવા મુજબ, દક્ષાબેને અનેકવાર મયૂરને લગ્ન કરવા માટે કહ્યું હતું, પરંતુ મયૂર કોઈને કોઈ બહાનું કાઢીને વાત ટાળી દેતો હતો. આ દરમિયાન બંને વચ્ચે વિવાદો વધવા લાગ્યા હતા. આક્ષેપ છે કે મયૂરની માતા મંજુબેન, પિતા પ્રવીણભાઈ અને ભાઈ વિશાલ પણ દક્ષાબેન સાથે ઝઘડો કરતા હતા. પરિવારજનો સાથેના સતત કલેશથી દક્ષાબેન માનસિક રીતે અસ્વસ્થ રહેતી હતી અને તેણે માતાને પણ ઘરમાં થતા ઝઘડા વિશે જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ કુલગામમાં એન્કાઉન્ટર : લશ્કરના 2 આતંકીઓ ઠાર, કમાન્ડર લતીફ ભટ પણ માર્યો ગયો

માર્ચ 2025માં એક દિવસ વહેલી સવારે લગભગ 5:30 વાગ્યે દક્ષાબેન અચાનક પોતાના પુત્ર આનંદને લઈને માતાના ઘરે પહોંચી ગઈ હતી. તેણે જણાવ્યું હતું કે મયૂર, તેની માતા મંજુ, પિતા પ્રવીણ અને ભાઈ વિશાલ સાથે તેનો ઝઘડો થયો છે અને ચારેય જણાએ અપશબ્દો બોલીને તેને ઘરમાંથી કાઢી મૂકી છે. તેના થોડા દિવસ બાદ મયૂરના માતા-પિતા દક્ષાબેનને મનાવવા માટે નંદાબેનના ઘરે આવ્યા હતા અને સમજાવીને પરત લઈ ગયા હતા. તે સમયે પણ નંદાબેને બંનેના લગ્ન કરાવી દેવા માટે રજૂઆત કરી હતી.

સમૂહ લગ્નમાં પરણાવી દેવાનો આપ્યો હતો ભરોસો

દક્ષાબેનની માતાના જણાવ્યા મુજબ, મયૂરના માતા-પિતાએ ભરોસો આપ્યો હતો કે ભવિષ્યમાં સમૂહ લગ્ન સમારોહમાં બંનેના લગ્ન કરાવી દેવામાં આવશે. આ વિશ્વાસ પર દક્ષાબેન ફરી સાસરે ગઈ હતી. જોકે, થોડા જ દિવસોમાં ઘરમાં ફરીથી ઝઘડા શરૂ થઈ ગયા હતા. આ દરમિયાન દક્ષાબેને માતાને ફોન કરીને જણાવ્યું હતું કે મયૂરે તેની સાથે મારપીટ કરી છે અને તેને ત્યાંથી તેડી જવા વિનંતી કરી હતી.

દીકરીની વ્યથા સાંભળીને નંદાબેન તેને પોતાના ઘરે લઈ આવ્યા હતા. થોડા દિવસો પછી મયૂર ફરી દક્ષાબેનને લેવા તેના પિયર પહોંચ્યો હતો. દીકરીનું ઘર વસેલું રહે અને પરિવાર તૂટે નહીં તે હેતુથી નંદાબેને દીકરીને સમજાવીને ફરી મયૂર સાથે મોકલી હતી. પરંતુ ત્યારબાદ પણ મયૂર અને તેના પરિવારના વર્તનમાં કોઈ સુધારો થયો ન હતો અને દક્ષાબેનને સતત મહેણાં-ટોણાં મારી માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.

‘તું મરી જા અથવા ઘરમાંથી નીકળી જા’, મહિલાને મારતા હતા ટોણાં

નંદાબેનના જણાવ્યા મુજબ, દક્ષાબેને તેમને કહ્યું હતું કે મયૂર, તેની માતા મંજુ, પિતા પ્રવીણ અને ભાઈ વિશાલ તેને પસંદ કરતા ન હતા. પરિવારના સભ્યો તેને કહેતા હતા કે “મયૂરને તું પસંદ નથી, તું મરી જા અથવા ઘરમાંથી નીકળી જા.” આ પ્રકારની વાતો સાંભળીને દક્ષાબેન ભાંગી પડી હતી. માતાએ તેને ધીરજ રાખવા અને પરિવાર બચાવવા સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.

સતત ચાલતા ઝઘડા, મહેણાં અને માનસિક ત્રાસથી કંટાળીને આખરે 15 નવેમ્બરના રોજ દક્ષાબેને પોતાના ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. દક્ષાબેનના મોત બાદ તેના અઢી વર્ષના પુત્ર આનંદની જવાબદારી હાલ તેની નાની નંદાબેન સંભાળી રહ્યા છે.

મયૂરના ફોન પરથી માતાને કર્યો હતો છેલ્લો કોલ

અમદાવાદના એસીપી આર.ડી. દેસાઈએ જણાવ્યું હતું કે, 15 નવેમ્બરની સવારે દક્ષાબેને પોતાની માતાને મયૂરના મોબાઈલ નંબર પરથી ફોન કર્યો હતો. તેણે માતાને જણાવ્યું હતું કે મયૂર, તેના સાસુ-સસરા અને દિયર સાથે તેનો ઝઘડો થયો છે અને મયૂરે તેને મરી જવા અથવા ઘર છોડીને ચાલ્યા જવા કહ્યું છે. આ સાંભળીને માતાએ બીજા દિવસે ઘરે આવીને વાતચીત કરવાનો ભરોસો આપ્યો હતો. પરંતુ તે જ દિવસે રાત્રે લગભગ 9 વાગ્યે મયૂરે ફરી નંદાબેનના પરિવારને ફોન કર્યો હતો.

એસીપીના જણાવ્યા અનુસાર, મયૂરનો ફોન દક્ષાબેનની બહેન ખુશ્બુએ ઉપાડ્યો હતો, ત્યારે મયૂરે તેને જાણ કરી હતી કે દક્ષાબેને આત્મહત્યા કરી લીધી છે. આ સમાચાર મળતા જ દક્ષાબેનની બહેન અને પરિવારની અન્ય મહિલાઓ તેના ઘરે પહોંચી હતી, જ્યાં દક્ષાબેન મૃત હાલતમાં મળી આવી હતી.

માતાની ફરિયાદ પર પ્રેમી સહિત ચારની ધરપકડ

એસીપી આર.ડી. દેસાઈએ વધુમાં જણાવ્યું કે, દક્ષાબેન સતત લગ્નની માંગણી કરતી હતી અને મયૂર વાત ટાળતો હતો, જેના કારણે વિવાદ થતો હતો. મૃતકની માતા નંદાબેન રાઠોડે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મયૂર પરમાર, તેની માતા મંજુ, પિતા પ્રવીણ અને ભાઈ વિશાલની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 108 અને 54 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ 2032થી 2035 વચ્ચે ભારતને મળી શકે ICC ટૂર્નામેન્ટની યજમાની

Back to top button