ધોલેરામાં વિકાસને નવી ગતિ, હોસ્પિટલ-હોટેલથી સ્કૂલ સુધીનું માળખું તૈયાર થશે!
Dholera: ભારતના પ્રથમ ઉભરતા ‘સેમિકોન સિટી’ તરીકે વૈશ્વિક નકશા પર ઊભરી રહેલા ધોલેરા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજન (DSIR) માં હવે ઔદ્યોગિક ક્રાંતિની સાથે-સાથે વિશ્વસ્તરીય સામાજિક અને શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઝડપથી આકાર લઈ રહ્યું છે. હેલ્થકેર, હોસ્પિટાલિટી, શિક્ષણ અને આધુનિક રહેણાક સુવિધાઓના નિર્માણથી દેશ-વિદેશના રોકાણકારો માટે અહીં વિપુલ તકો સર્જાઈ છે. આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) 2027 માં ધોલેરા રાજ્યના સૌથી મોટા ફ્લેગશિપ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન તરીકે ચમકશે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સતત સમીક્ષા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધોલેરા SIR માં ચાલી રહેલા વિવિધ ઔદ્યોગિક અને શહેરી વિકાસના પ્રોજેક્ટ્સની સતત સમીક્ષા કરી રહ્યા છે. તાજેતરની સમીક્ષા બેઠકમાં તેમણે એક્ટિવેશન એરિયા (Activation Area) ખાતે નિર્માણાધીન 200 બેડની મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ, ઈન્ટિગ્રેટેડ સ્કૂલ, અત્યાધુનિક ફાયર સ્ટેશન, હોટેલ, ગેસ્ટ હાઉસ, ફૂડ કોર્ટ, ટેન્ટ સિટી તેમજ રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોજેક્ટ્સની પ્રગતિનું નિરીક્ષણ કર્યું હતું. ઉદ્યોગકારો, વ્યાવસાયિકો અને રહેવાસીઓ માટે એક સંપૂર્ણ ઇકોસિસ્ટમ ઊભી કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
50 ટેન્ટનું ટેન્ટ સિટી અને 600ની ક્ષમતાનું ફૂડ કોર્ટ
ધોલેરામાં આવનારા બિઝનેસ ડેલિગેશન અને મુલાકાતીઓની સુવિધા માટે હોસ્પિટાલિટી પ્રોજેક્ટ્સને આખરી ઓપ અપાઈ રહ્યો છે. અહીં સુઈટ અને કોન્ફરન્સ રૂમની સુવિધા ધરાવતું 42 રૂમનું ગેસ્ટ હાઉસ, એકસાથે 600 લોકો બેસી શકે તેવું વિશાળ ફૂડ કોર્ટ અને 50 ટેન્ટ ધરાવતું આકર્ષક ટેન્ટ સિટી ટૂંક સમયમાં કાર્યરત થશે. વધતા ઔદ્યોગિક રોકાણોને જોતાં દેશની અગ્રણી હોસ્પિટલ ચેઈન્સ અને હોસ્પિટાલિટી ડેવલપર્સ માટે અહીં રોકાણ કરવાની આ સુવર્ણ તક છે.
ટાટા સેમિકન્ડક્ટર પ્લાન્ટ બન્યો ગ્રોથ એન્જિન, ગ્રીન કવર માટે 1.11 લાખ વૃક્ષોનું વાવેતર
ધોલેરાની ઝડપી પ્રગતિનું મુખ્ય ચાલકબળ ટાટા ઈલેક્ટ્રોનિક્સનો સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટ છે, જે ટેકનોલોજી કંપનીઓ, રિસર્ચ સંસ્થાઓ અને કુશળ યુવાનો માટે વિશાળ ઇકોસિસ્ટમ ઊભી કરી રહ્યો છે. ઔદ્યોગિક વિકાસ સાથે પર્યાવરણની જાળવણી માટે વન વિભાગ અને સદભાવના ટ્રસ્ટના સહયોગથી એક્ટિવેશન એરિયાના 53 હેક્ટર વિસ્તારમાં નવીન ‘ડ્રમ પ્લાન્ટેશન ટેકનિક’ દ્વારા આશરે 1.11 લાખ છોડ વાવીને ગ્રીન કવર મજબૂત કરાયું છે.
આ પણ વાંચો:
રોડ, રેલ અને એર કનેક્ટિવિટીનું મજબૂત નેટવર્ક: 2026ના અંત સુધીમાં એરપોર્ટ શરૂ થવાની ધારણા
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવે કાર્યરત થવાથી મુસાફરી અત્યંત સુગમ બની છે. આ ઉપરાંત, ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ વર્ષ 2026ના અંત સુધીમાં શરૂ થવાની ધારણા છે, જે વૈશ્વિક કનેક્ટિવિટીને નવી ઊંચાઈ આપશે. રેલ નેટવર્ક હેઠળ ભીમનાથ-ધોલેરા લોજિસ્ટિક હબ રેલ લાઈન તેમજ અમદાવાદ-ધોલેરા સેમી હાઈ-સ્પીડ ડબલ રેલ લાઈન દ્વારા ધોલેરાને સીધું અમદાવાદ એરપોર્ટ અને ઐતિહાસિક લોથલ સાથે જોડવામાં આવશે. આમ, ધોલેરા માત્ર ઔદ્યોગિક ક્ષેત્ર જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક અને રહેવાલાયક આધુનિક સ્માર્ટ સિટી બની રહ્યું છે.












