ટ્રેન્ડિંગવર્લ્ડ

મનિલામાં PM મોદીનું ભવ્ય સ્વાગત, ASEAN સમિટમાં લેશે ભાગ

PM Modi arrives in Manila: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફિલિપાઈન્સની રાજધાની મનિલા પહોંચી ગયા છે. અહીં ભારતીય સમુદાયના લોકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ મુલાકાતની તસવીરો અને માહિતી શેર કરીને ભારતીય સમુદાયને મળવાની ખુશી વ્યક્ત કરી હતી. પીએમ મોદી અહીં યોજાનારી ASEAN-ઇન્ડિયા સમિટમાં ભાગ લેશે.

ભારત અને ફિલિપાઈન્સ વચ્ચે ગાઢ સાંસ્કૃતિક સંબંધો

પીએમ મોદીએ જણાવ્યું કે મનિલામાં ભારતીય સમુદાયના લોકોને મળીને તેમને ખૂબ આનંદ થયો છે. તેમણે કહ્યું કે વિદેશમાં વસતા ભારતીયો પોતાની સંસ્કૃતિ અને પરંપરાઓને જાળવી રાખવાની સાથે ભારત અને ફિલિપાઈન્સને નજીક લાવવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. આ કાર્યક્રમમાં બંને દેશો વચ્ચેના ગાઢ સાંસ્કૃતિક સંબંધોની સુંદર ઝલક જોવા મળી હતી.

પીએમ મોદીએ ‘લગુના કોપરપ્લેટ શિલાલેખ’ની પ્રતિકૃતિ નિહાળી

કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘અગુસાનની ગોલ્ડન તારા’ અને 9મી-10મી સદીના ઐતિહાસિક ‘લગુના કોપરપ્લેટ શિલાલેખ’ની પ્રતિકૃતિઓ પણ નિહાળી હતી. તેમણે આ ઐતિહાસિક ધરોહરોને ભારત અને ફિલિપાઈન્સ વચ્ચેના પ્રાચીન ઐતિહાસિક તથા સાંસ્કૃતિક જોડાણનું પ્રતીક ગણાવ્યું હતું.

ભાંગડા અને બોલિવૂડની રંગારંગ રજૂઆતથી સ્વાગત

પીએમ મોદીએ બાળકોની સાંસ્કૃતિક રજૂઆતોની પણ પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે બંને દેશોનાં બાળકોએ ‘પૂર્ણ કુંભ શ્લોક’નું પઠન કર્યું હતું. ત્યારબાદ બાળકોએ ઉત્સાહભેર બોલિવૂડ ગીતો અને ભાંગડાની રંગારંગ રજૂઆતો કરી હતી. વડાપ્રધાને કહ્યું કે આ કાર્યક્રમથી બંને દેશો વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોની સુંદર તસવીર જોવા મળી હતી.

ASEAN-ઇન્ડિયા સમિટમાં ભાગ લેશે પીએમ મોદી

ઉલ્લેખનીય છે કે ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ આર. માર્કોસ જુનિયરના આમંત્રણ પર પીએમ મોદી 23મી ASEAN-ઇન્ડિયા સમિટ અને 21મી ઈસ્ટ એશિયા સમિટમાં ભાગ લેવા ફિલિપાઈન્સ પહોંચ્યા છે. ફિલિપાઈન્સ જતાં પહેલાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ASEAN સાથે ભારતના સંબંધો સદીઓ જૂના સાંસ્કૃતિક અને સભ્યતાના જોડાણ પર આધારિત છે. સમય જતાં આ ઐતિહાસિક સંબંધો એક મજબૂત ભાગીદારીમાં પરિવર્તિત થયા છે, જેમાં વેપાર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કનેક્ટિવિટી, દરિયાઈ સહયોગ, ટેક્નોલોજી અને લોકો વચ્ચેના સંપર્કનો સમાવેશ થાય છે. આગામી ASEAN-ઇન્ડિયા સમિટના મહત્ત્વ અંગે પીએમ મોદીએ કહ્યું કે તેઓ વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે પ્રાદેશિક નેતાઓ સાથે ચર્ચા કરવા ઉત્સુક છે. આ ઉપરાંત આર્થિક વિકાસ, કનેક્ટિવિટી અને સહિયારી સમૃદ્ધિ જેવા સામાન્ય લક્ષ્યોને આગળ વધારવા પર પણ ભાર મૂકવામાં આવશે.

Back to top button