અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ટર્મ પૂર્ણ થવાના ૩ દિવસ પહેલા ૨૫૦૦ કરોડના કામોને મંજૂરી આપી, વિપક્ષનો હોબાળો

અમદાવાદ 5 માર્ચ 2026: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની વર્તમાન બોડીની મુદત આગામી ૯ માર્ચે પૂર્ણ થઈ રહી છે, ત્યારે શાસક પક્ષ દ્વારા છેલ્લી ઘડીએ લેવાયેલા નિર્ણયોએ રાજકીય વિવાદ છેડ્યો છે. ગુરુવારે મળેલી છેલ્લી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરના વિકાસ માટેના અંદાજે ૨૫૦૦ કરોડ રૂપિયાના ૩૦૦થી વધુ પ્રોજેક્ટ્સને એકસાથે મંજૂરી આપી દેવામાં આવી છે.
એક જ દિવસમાં ૩૦૦થી વધુ કામોને મંજૂરી
સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મૂળ એજન્ડામાં ૨૧૮ કામો હતા, પરંતુ બેઠક દરમિયાન અન્ય ૧૦૦ જેટલા ‘તાકીદના’ કામો ઉમેરીને કુલ ૩૦૦થી વધુ દરખાસ્તોને મંજૂરીની મહોર મારવામાં આવી હતી. આ પ્રોજેક્ટ્સમાં પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડતા મહત્વના બ્રિજ, આઇકોનિક રોડ અને આધુનિક ગાર્ડન્સનો સમાવેશ થાય છે.
મહત્વના પ્રોજેક્ટ્સ
-
સુભાષ બ્રિજનું નવીનીકરણ: શહેરના વ્યસ્ત એવા સુભાષ બ્રિજના સુપર સ્ટ્રક્ચરને ૨૩૬ કરોડના ખર્ચે નવેસરથી બનાવવામાં આવશે. તેની સાથે જ ટ્રાફિક હળવો કરવા માટે સમાંતર નવી બે લેન પણ બનાવવામાં આવશે.
-
નરોડા-નારોલ આઇકોનિક રોડ: પૂર્વ અમદાવાદના વિકાસ માટે નરોડાથી નારોલ સુધીના હાઈવેને ૨૪૦ કરોડના ખર્ચે ‘આઇકોનિક રોડ’ તરીકે વિકસાવવાની મંજૂરી અપાઈ છે.
-
સાઉથ બોપલ લોટસ પાર્ક: દક્ષિણ બોપલમાં ૧૧૫ કરોડના ખર્ચે ‘લોટસ થીમ’ પર આધારિત ભવ્ય પાર્ક બનશે, જેમાં દેશના તમામ રાજ્યોના પ્રતિક સમાન ફૂલો અને ગ્લો ગાર્ડન આકર્ષણનું કેન્દ્ર રહેશે.
-
AI ટેકનોલોજી: ફરિયાદ નિવારણ માટે હવે કોર્પોરેશન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ કરશે.
કોંગ્રેસના આકરા સવાલો: “ચૂંટણીલક્ષી જાહેરાતો કે ભ્રષ્ટાચાર?”
આટલી મોટી રકમના કામોને વગર કોઈ ચર્ચાએ મંજૂર કરી દેવાતા વિપક્ષી નેતાઓએ આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, “મુદત પૂર્ણ થવાના ગણતરીના કલાકો પહેલા ૨૫૦૦ કરોડના કામો મંજૂર કરવા એ શંકાસ્પદ છે. અગાઉના અનેક પ્રોજેક્ટ્સ હજુ અધૂરા છે, ત્યારે આ નવા કામો માત્ર કાગળ પર રહી જશે કે કેમ તે મોટો સવાલ છે.”
અમલીકરણનો પડકાર
એક તરફ શાસકો આ નિર્ણયોને શહેરના “વૈશ્વિક વિકાસ” માટે જરૂરી ગણાવી રહ્યા છે, તો બીજી તરફ સામાન્ય જનતામાં એવી ચર્ચા છે કે આટલા મોટા કામો જમીન પર ક્યારે ઉતરશે? અગાઉ પણ અનેક પ્રોજેક્ટ્સ સમયમર્યાદા વીતી ગયા બાદ પણ ખોરંભે પડેલા જોવા મળ્યા છે. હવે જ્યારે વહીવટદારનું શાસન આવશે ત્યારે આ પ્રોજેક્ટ્સની અગ્રતા શું રહેશે, તેના પર સૌની નજર રહેશે.
આ પણ વાંચો: IND vs ENG: સંજુ સેમસને રોહિત શર્માનો રેકોર્ડ તોડ્યો, વિરાટ કોહલીની બરાબરી કરી












