મોરબીમાં ઇન્સ્ટાગ્રામથી પરિણીત યુવાનને પ્રેમજાળમાં ફસાવી, 50 લાખની ખંડણી માંગતા ચાર ઝડપાયા

Honeytrap Extortion Case : મોરબીમાં સોશિયલ મીડિયા મારફતે યુવકને પ્રેમજાળમાં ફસાવી બ્લેકમેઇલ કરી લાખો રૂપિયાની ખંડણી માંગવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર મેરેજ એનિવર્સરીની શુભેચ્છા આપીને પરિણીત યુવાન સાથે મિત્રતા કેળવનાર યુવતીએ તેને હોટલમાં મળવા બોલાવ્યો હતો. ત્યારબાદ યુવતીના સાગરીતોએ યુવાનને બ્લેકમેઇલ કરી સમાધાનના નામે રૂ. 50 લાખની માંગણી કરી હતી. આ મામલે મોરબી એ ડિવિઝન પોલીસે મહિલા સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે એક આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
સોશિયલ મીડિયાથી શરૂ થઈ હનીટ્રેપની રમત
પોલીસ ફરિયાદ મુજબ, મોરબીના રવાપર રોડ પર રહેતા 22 વર્ષીય નરેશભાઈ ચુનીલાલભાઈ નકુમે આ અંગે ફરિયાદ નોંધાવી હતી. તેમની મેરેજ એનિવર્સરીના દિવસે ઇન્સ્ટાગ્રામ પર કાજલ પરમાર નામની યુવતીએ શુભેચ્છા પાઠવી હતી. ત્યારબાદ બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી અને યુવતીએ ધીમે ધીમે યુવાન સાથે નિકટતા કેળવી તેને પોતાની પ્રેમજાળમાં ફસાવ્યો હતો.
વીડિયો કોલના બહાને હોટેલમાં મળવા બોલાવ્યો
આ દરમિયાન યુવતીએ વીડિયો કોલ કરીને અગત્યની વાત કરવાનું કહી યુવાનને મોરબીના સામાકાંઠે નેશનલ હાઈવે પર આવેલી ફન હોટેલમાં 4 નવેમ્બરના રોજ મળવા બોલાવ્યો હતો. જોકે, બીજા જ દિવસે યુવતીએ ફોન કરીને કહ્યું હતું કે, આપણે મળ્યા હોવાની જાણ તેના ભાઈને થઈ ગઈ છે અને હવે આ મામલે સમાધાન કરવું પડશે. ત્યારબાદ યુવતીનો કહેવાતો ભાઈ કિશન ઉર્ફે રાજુભાઈ મુછડિયાએ યુવાનનો સંપર્ક કરી તેને પંચાસર ચોકડી પાસે મળવા બોલાવ્યો હતો. ત્યાં રાજુ, તેજસ અને ભાવેશ સહિતના શખસોએ સમાધાન કરવાના નામે યુવાન પાસે રૂ. 50 લાખની માંગણી કરી હતી. બાદમાં રૂ. 12 લાખ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
પૈસા ન આપતાં આરોપીઓ યુવાનના ઘરે પહોંચ્યા
યુવાને નાણાં નહીં ચૂકવતાં આરોપીઓ તેના ઘરે પહોંચી ગયા હતા અને ધાકધમકી આપીને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું. આખરે કંટાળીને યુવાને પાંચ આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે મોરબી એ ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ કેસમાં રાજુભાઈ ઉર્ફે કિશન મોમજીભાઈ મુછડિયા (જાંબુડિયા), તેજસભાઈ ઉર્ફે તેજો રમેશભાઈ પઢારિયા (રામપર, ટંકારા), ભીમજીભાઈ મહાદેવભાઈ પરમાર અને કાજલબેન ભરતભાઈ પરમાર (બંને મોરબી)ની ધરપકડ કરી છે. આ ઉપરાંત, આ કેસમાં સંડોવાયેલા અન્ય આરોપી ભાવેશ મનસુખ કણઝારિયાને ઝડપી લેવા પોલીસે તપાસ તેજ કરી છે. સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકો સાથે મિત્રતા કેળવતી વખતે સાવચેતી રાખવી કેટલી જરૂરી છે, તે આ બનાવ ફરી એકવાર દર્શાવે છે.
આ પણ વાંચો : ઝેરી ફીણની વચ્ચે છઠ પૂજા! યમુનાના પ્રદૂષિત પાણીમાં ઊભા રહી ભક્તોએ આપ્યું સૂર્યદેવને અર્ઘ્ય, દિલ્હીનું તંત્ર ચિંતામાં












