ગુજરાત

સુરતમાં ઘરકંકાસનો લોહિયાળ અંજામ: પાલિયા ગ્રાઉન્ડમાં પતિએ પત્નીના માથામાં લાકડાના ફટકા ઝીંકી કરી હત્યા

Surat Palia Ground Murder Case: સુરત શહેરના લાલગેટ પોલીસ સ્ટેશનની હદમાં ઘરકંકાસનો એક અત્યંત કરુણ અને લોહિયાળ અંજામ સામે આવ્યો છે. શહેરના પાલિયા ગ્રાઉન્ડ વિસ્તારમાં રહેતા એક પતિએ નજીવી બાબતે થયેલા ઝઘડામાં આવેશમાં આવીને પોતાની જ 45 વર્ષીય પત્નીના માથામાં લાકડાના ઉપરાછાપરી ફટકા મારીને તેની કરપીણ હત્યા કરી નાખી છે. આ સનસનાટીભરી ઘટના 15 નવેમ્બર, 2026 ની મોડી રાત્રે બની હતી, જેની જાણ 16 નવેમ્બર, 2026 ની સવારે થતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.

અરુણાબેન સાથે રાત્રે થયો હતો ઉગ્ર ઝઘડો

પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતક 45 વર્ષીય અરુણાબેન રાઠોડ છેલ્લા 2 વર્ષથી પોતાના પતિ અશોક સાથે પાલિયા ગ્રાઉન્ડ વિસ્તારમાં રહેતા હતા. અરુણાબેન ભંગાર વીણવાનું કામ કરીને પરિવારના ગુજરાનમાં મદદરૂપ થતા હતા, જ્યારે તેમનો પતિ અશોક કડિયા કામ કરતો હતો. અગાઉ 2 વખત વિધવા થઈ ચૂકેલા અરુણાબેન સાથે ગત રાત્રે કોઈ બાબતે પતિ અશોકને ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો. આ ઘરકંકાસમાં અશોકે પોતાનો કાબૂ ગુમાવ્યો હતો અને પાસે પડેલા લાકડા વડે અરુણાબેનના માથાના ભાગે 2 થી 3 જીવલેણ ફટકા મારી દીધા હતા.

માથામાં ગંભીર ઇજા થતાં ઘટનાસ્થળે જ નીપજ્યું કરુણ મોત

લાકડાના ભારે ફટકા માથાના ભાગે વાગવાને કારણે અરુણાબેન લોહીલુહાણ હાલતમાં જમીન પર ફસડાઈ પડ્યા હતા અને ગંભીર ઈજાઓને લીધે તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. પત્નીની હત્યા નીપજાવ્યા બાદ આરોપી પતિ અશોક રાત્રિના અંધારાનો લાભ ઉઠાવીને સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. સવારે આ હત્યાની જાણ થતાં જ લાલગેટ પોલીસનો કાફલો તાત્કાલિક પાલિયા ગ્રાઉન્ડ ખાતે દોડી આવ્યો હતો અને મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

હત્યારા પતિને દબોચી લેવા પોલીસની અલગ-અલગ ટીમો કાર્યરત

આ સમગ્ર મામલે લાલગેટ પોલીસે હત્યાનો ગુનો નોંધીને ફરાર આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટના અંગે માહિતી આપતા સુરત પોલીસના ACP આર. આર. આહીરે જણાવ્યું હતું કે, “લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત રાત્રે ઘરકંકાસને કારણે પતિ અશોકે પત્ની અરુણાબેનને માથામાં લાકડાનો ફટકો મારતા તેમનું મોત થયું છે. હત્યા બાદ આરોપી રાત્રે જ ફરાર થઈ ગયો છે. સવારે પોલીસને જાણ થતાં જ હત્યાનો ગુનો દાખલ કરી આરોપીને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને સઘન શોધખોળ હાથ ધરવામાં આવી છે.”

આ પણ વાંચો: ગુજરાત પોલીસનો ડ્રગ્સ માફિયાઓ પર સપાટો: સુરતમાં ઘરકામની આડમાં નશાનો વેપાર કરતી ગૃહિણી રંગેહાથ ઝડપાઈ!

Back to top button