બહારથી સામાન્ય ફ્લેટ, અંદર નશાનો કાળો કારોબાર! સુરતમાં ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ
Surat : ડાયમંડ સિટી સુરતમાં નશીલા પદાર્થોના કાળા કારોબાર સામે પોલીસની ‘નો ડ્રગ્સ’ ઝુંબેશ તેજ બની છે. જે અંતર્ગત લાલગેટ પોલીસે હરીપુરા વિસ્તારના એક રહેણાક એપાર્ટમેન્ટમાં દરોડો પાડીને બહારથી સામાન્ય દેખાતા ફ્લેટની આડમાં ધમધમતા MD (મેફેડ્રોન) ડ્રગ્સના વેપારનો પર્દાફાશ કર્યો છે. પોલીસે સ્થળ પરથી 38 વર્ષીય મહિલા પેડલર રૂબીના યુનુસ પઠાણને દબોચી લઈ તેની લેડીઝ બેગમાંથી 61.780 ગ્રામ MD ડ્રગ્સ, રોકડ અને પેકિંગ સામગ્રી સહિત કુલ ₹2.33 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
અલ બાગે રહેમાન એપાર્ટમેન્ટના ફ્લેટમાં પોલીસનું સર્ચ ઓપરેશન
ઘટનાની વિગતો અનુસાર, લાલગેટ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે હરીપુરા વિસ્તારમાં આવેલા ‘અલ બાગે રહેમાન એપાર્ટમેન્ટ’ના ફ્લેટ નંબર 501માંથી ગેરકાયદેસર રીતે MD ડ્રગ્સનું છૂટક વેચાણ થઈ રહ્યું છે. બાતમીની ખરાઈ થતાં જ પોલીસ ટીમે ફ્લેટ પર ઓચિંતો દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ફ્લેટમાં હાજર રૂબીના યુનુસ પઠાણની તલાશી લેતાં તેની લેડીઝ બેગમાંથી ₹1.85 લાખથી વધુની બજાર કિંમતનું 61.780 ગ્રામ શુદ્ધ MD ડ્રગ્સ મળી આવ્યું હતું.
ડિજિટલ કાંટો અને નાની પ્લાસ્ટિક થેલીઓ મળી આવતાં છૂટક વેચાણની આશંકા
ફ્લેટની સઘન તપાસ કરતાં પોલીસને ડ્રગ્સ ઉપરાંત વજન કરવા માટેનો નાનો ડિજિટલ કાંટો, પ્લાસ્ટિકની નાની ઝિપ-લોક થેલીઓ અને ચમચી પણ મળી આવી હતી. આ સામગ્રી પરથી પોલીસનું માનવું છે કે આરોપી મહિલા ફ્લેટમાં જ ડ્રગ્સનું ચોક્કસ વજન કરીને નાની-નાની પડીકીઓ તૈયાર કરતી હતી અને બંધાણીઓને છૂટક સપ્લાય કરતી હતી. પોલીસે સ્થળ પરથી ₹15,500 રોકડા અને બે મોબાઈલ ફોન સહિત કુલ ₹2.33 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ પણ વાંચો:સોનિયા ગાંધીના નવા પુસ્તકમાં 55 ભૂલોનો દાવો: ગુજરાતની રાજધાની, કારગિલ યુદ્ધ અને રાહુલ ગાંધીના કેસની વિગતોમાં ગડબડ
સપ્લાયર યોગેશ રેપ સહિત 2 શખ્સો વોન્ટેડ જાહેર
ઝડપાયેલી મહિલાની પ્રાથમિક પૂછપરછમાં આ ડ્રગ્સ નેટવર્કના મુખ્ય સપ્લાયર તરીકે યોગેશ રેપ સહિત અન્ય બે શખ્સોના નામ ખુલ્યા છે. લાલગેટ પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી બંને ફરાર આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. આ ડ્રગ્સનો જથ્થો કયા રાજ્ય કે શહેરમાંથી મંગાવવામાં આવતો હતો અને સુરતમાં તેના ગ્રાહકો કોણ હતા તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.












