ગુજરાત

ગુજરાત પોલીસનો ડ્રગ્સ માફિયાઓ પર સપાટો: સુરતમાં ઘરકામની આડમાં નશાનો વેપાર કરતી ગૃહિણી રંગેહાથ ઝડપાઈ!

Surat Police Arrest Housewife With MD Drugs: ગુજરાતમાંથી નશાના કાળા કારોબારને નેસ્તનાબૂદ કરવા માટે પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ અભિયાન તેજ બનાવ્યું છે. અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં બંગલાના ભોંયરામાંથી ધમધમતી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાયાના ગણતરીના કલાકોમાં જ આજે, 16 નવેમ્બર, 2026 ના રોજ સુરતમાંથી એક ગૃહિણી પ્રતિબંધિત મેફેડ્રોન (MD) ડ્રગ્સનું છૂટક વેચાણ કરતા રંગેહાથ ઝડપાઈ છે. સુરતમાં રહેતી 38 વર્ષીય રૂબીના નામની મહિલા બહારથી ડ્રગ્સ મંગાવી તેની નાની પડીકીઓ બનાવીને વેચાણ કરતી હોવાનું બહાર આવ્યું છે. બીજી તરફ, અમદાવાદના જુહાપુરા ડ્રગ્સ ફેક્ટરી કેસના મુખ્ય સૂત્રધાર મુદ્દસર ખાનને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેના 1 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.

સુરતના હરીપુરામાં ઘરકામની આડમાં ચાલતો હતો નશાનો વેપાર

સુરતની લાલગેટ પોલીસની સર્વેલન્સ ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે હરીપુરા કાંસકીવાડ ખાતે મસ્જીદે યુસુફની બાજુમાં આવેલા અલ બાગે રહેમાન એપાર્ટમેન્ટના 5મા માળે રહેતી એક મહિલા ચોરીછૂપીથી ડ્રગ્સ મંગાવીને ગ્રાહકોને વેચે છે. આ બાતમીના આધારે પોલીસે ફ્લેટ નંબર 501 માં ઓચિંતો દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ઘરમાં હાજર રૂબીના યુનુસ ઉમર પઠાણ (ઉંમર 38, વ્યવસાય – ઘરકામ) નામની મહિલાને પોલીસે ઝડપી પાડી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં એવું પણ ખુલ્યું છે કે આ મહિલા આરોપી સુરતના સગ્રામપુરા અને અમરોલી વિસ્તારમાં પણ અન્ય રહેણાંક મકાનો ધરાવે છે.

લેડીઝ બેગમાંથી ₹1.85 લાખનું MD ડ્રગ્સ અને વજન કાંટો મળ્યો

પોલીસ દ્વારા મહિલા આરોપી રૂબીનાની અંગઝડતી અને તેની પાસે રહેલી લેડીઝ બેગની ઝીણવટભરી તપાસ કરવામાં આવતા તેમાંથી 61.780 ગ્રામ પ્રતિબંધિત MD ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની બજાર કિંમત ₹1,85,340 જેટલી થાય છે. આ ઉપરાંત, ડ્રગ્સનું વજન કરીને પડીકીઓ બનાવવા માટે વપરાતો 1 ડિજિટલ વજન કાંટો, નાની પ્લાસ્ટિકની પુશલોક બેગ, ચમચી, પારદર્શક ડબ્બો, 2 મોબાઈલ ફોન અને રોકડા ₹15,500 મળીને કુલ ₹2,33,940 નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. પૂછપરછમાં આ ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરનાર યોગેશ રેપ અને અન્ય 1 અજાણ્યા શખ્સનું નામ ખુલતા પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કરીને શોધખોળ શરૂ કરી છે.

અમદાવાદ ડ્રગ્સ ફેક્ટરીનો આરોપી મુદ્દસર ખાન કોર્ટમાં રજૂ

બીજી તરફ, અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં આવેલા એક બંગલાના ભોંયરામાંથી MD ડ્રગ્સ બનાવવાની આખી ફેક્ટરી પકડાવાના ચકચારી પ્રકરણમાં ઝડપાયેલા આરોપી મુદ્દસર ખાનને આજે 3 દિવસના રિમાન્ડની માંગણી સાથે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આરોપીના 17 નવેમ્બર, 2026 ના રોજ સાંજે 4 વાગ્યા સુધીના એટલે કે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. અગાઉ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) અને અમદાવાદ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ઘટનાસ્થળેથી ડ્રગ્સ બનાવવા માટે વપરાતું 130 કિલો જેટલું જોખમી કેમિકલ અને 26 ગ્રામ તૈયાર MD ડ્રગ્સ જપ્ત કર્યું હતું.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

વર્ષ 2024 થી ચાલતા ગોરખધંધાના મૂળ સુધી પહોંચવા તપાસ તેજ

NCB દ્વારા કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે આરોપી મુદ્દસર ખાન વર્ષ 2024 થી આ ગેરકાયદેસર ડ્રગ્સ બનાવવાના ગોરખધંધા સાથે સંકળાયેલો છે. તેથી અત્યાર સુધીમાં તેણે કેટલા પ્રમાણમાં MD ડ્રગ્સનું ઉત્પાદન કર્યું, આ ઝેર કોને-કોને વેચ્યું અને આ નેટવર્કમાં અન્ય કયા મોટા માથાઓ સામેલ છે તે તમામ વિગતો મેળવવી અત્યંત જરૂરી છે. આ ઉપરાંત આરોપીના બેંક ખાતાઓ અને શંકાસ્પદ આર્થિક વ્યવહારોની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે પોલીસ અને NCB ની ટીમો રિમાન્ડ દરમિયાન તેની આકરી પૂછપરછ હાથ ધરશે.

આ પણ વાંચો: ઇન્સ્ટાગ્રામ પર લિવ-ઇન અને લગ્નની જીદ… પાર્ટનરના ત્રાસથી મહિલાએ લીધો પોતાનો જીવ

Back to top button