ટ્રેન્ડિંગનેશનલમીડિયા

અમદાવાદમાં સિનેમાનો ઘટ્યો ક્રેઝ, પાંચ વર્ષમાં 20 થિયેટરો બંધ, મોંઘી ટિકિટોથી દર્શકો દૂર

Cinema Theatres Closed : એક સમય હતો જ્યારે નવી ફિલ્મ રિલીઝ થવાની સાથે જ સિનેમાઘરોની બહાર દર્શકોની લાંબી કતારો જોવા મળતી હતી. ફિલ્મના શો હાઉસફુલ જતા અને ટિકિટ મેળવવા માટે લોકો કલાકો સુધી રાહ જોતા હતા. સામાન્ય માણસથી લઈને શ્રીમંત વર્ગ સુધી દરેક માટે સિનેમાઘરમાં ફિલ્મ જોવી મનોરંજનનો સસ્તો અને લોકપ્રિય વિકલ્પ હતો. ત્યારે માત્ર 20થી 25 રૂપિયામાં મોટા પડદા પર ફિલ્મ જોવાનો આનંદ મળતો હતો. જોકે, હવે સમય બદલાયો છે. મોંઘી ટિકિટ, પોપકોર્ન અને કોલ્ડડ્રિંક્સના વધતા ભાવને કારણે સિનેમાઘરમાં ફિલ્મ જોવી સામાન્ય માણસ માટે મોંઘો શોખ બની ગઈ છે.

મોંઘા મનોરંજનથી દર્શકોએ સિનેમાઘરોથી ફેરવી મુખ

હાલમાં મલ્ટિપ્લેક્સમાં ફિલ્મની ટિકિટના ભાવ રૂ. 200થી 600 સુધી પહોંચી ગયા છે. આ ઉપરાંત પોપકોર્ન અને કોલ્ડડ્રિંક્સ પાછળ પણ દર્શકોએ અલગથી ખર્ચ કરવો પડે છે. પરિણામે પરિવાર સાથે ફિલ્મ જોવા જવું પણ ખર્ચાળ બની ગયું છે. બીજી તરફ, ઓટીટી (OTT) પ્લેટફોર્મ અને મોબાઈલ પર મનોરંજનની સુવિધા સરળતાથી મળતી હોવાથી મધ્યમ વર્ગના દર્શકો હવે ઘરેથી જ ફિલ્મો જોવાનું પસંદ કરી રહ્યા છે. એક સમયે 60 ફૂટની મોટી સ્ક્રીન પર ફિલ્મ જોવાનો જે ક્રેઝ હતો, તે હવે છ ઇંચની મોબાઈલ સ્ક્રીન સુધી સીમિત થતો જાય છે.

સિંગલ સ્ક્રીન બાદ મલ્ટિપ્લેક્સ પર પણ સંકટ

વર્ષ 1990 અને 2000ના દાયકામાં સિનેમાઘરોમાં ફિલ્મ જોવાનો ભારે ઉત્સાહ જોવા મળતો હતો. નવી ફિલ્મ રિલીઝ થતાં જ ટિકિટ માટે લાંબી લાઈનો લાગતી અને ઘણી વખત બ્લેકમાં પણ ટિકિટો વેચાતી હતી. આજે સ્થિતિ બદલાઈ ગઈ છે. સામાન્ય દિવસોમાં મલ્ટિપ્લેક્સની કુલ બેઠક ક્ષમતાના માત્ર 30થી 40 ટકા જેટલા દર્શકો જ ફિલ્મ જોવા પહોંચે છે. પહેલાં સિંગલ સ્ક્રીન થિયેટરો બંધ થવા લાગ્યાં હતાં, પરંતુ હવે મલ્ટિપ્લેક્સ અને મિનિપ્લેક્સ પણ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે.

અમદાવાદમાં પાંચ વર્ષમાં 15થી 20 સિનેમાઘરોને તાળાં

મલ્ટિપ્લેક્સ વ્યવસાય સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, અમદાવાદમાં હાલમાં અંદાજે 55થી 65 મલ્ટિપ્લેક્સ અને મિનિપ્લેક્સ કાર્યરત છે. જોકે, છેલ્લાં પાંચ વર્ષમાં શહેરનાં 15થી 20 સિનેમાઘરો કાયમી ધોરણે બંધ થઈ ચૂક્યાં છે. તેની સામે નવા થિયેટરો શરૂ થવાની સંખ્યા ઘણી ઓછી છે. જે નવા સિનેમાઘરો શરૂ થઈ રહ્યાં છે, તે પણ સામાન્ય દર્શકોને બદલે પ્રીમિયમ વર્ગને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવે છે.

સિનેમાઘરો હવે મનોરંજન નહીં, લક્ઝરી લાઈફસ્ટાઈલનું કેન્દ્ર બન્યા

સિનેમાઘરોમાં હવે સામાન્ય સીટની જગ્યાએ આરામદાયક સોફા, લાઉન્જ કમ બેડ અને ડાઈન-ઈન જેવી સુવિધાઓ આપવામાં આવી રહી છે. આ સુવિધાઓને કારણે થિયેટરમાં ફિલ્મ જોવાનો અનુભવ વધુ પ્રીમિયમ બન્યો છે, પરંતુ તેની સીધી અસર ટિકિટના ભાવ પર પડી છે. સિનેમા વ્યવસાય સાથે લાંબા સમયથી જોડાયેલા સંચાલકોના જણાવ્યા અનુસાર, મોબાઈલ, ઓટીટી અને હોમ થિયેટરના વધતા ચલણને કારણે લોકો હવે માત્ર સારી ફિલ્મ હોય ત્યારે જ થિયેટર સુધી પહોંચે છે. અનેક સોસાયટીઓમાં પણ મનોરંજન માટે થિયેટર જેવી સુવિધાઓ ઉપલબ્ધ થવા લાગી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

25 રૂપિયાની ટિકિટના ભાવ હવે રૂ. 2500 સુધી પહોંચ્યા

અઢી દાયકા પહેલાં માત્ર રૂ. 25માં મળતી ફિલ્મની ટિકિટના ભાવ હવે કેટલીક જગ્યાએ રૂ. 2500 સુધી પહોંચી ગયા છે. અમદાવાદના એક મોટા મોલમાં આવેલા મલ્ટિપ્લેક્સમાં રામાયણ ફિલ્મની ટિકિટનો ભાવ રૂ. 2500 સુધી હોવાનું સામે આવ્યું છે. સામાન્ય દિવસોમાં પણ મલ્ટિપ્લેક્સમાં ટિકિટના ભાવ રૂ. 250થી 500 સુધી રહે છે, જ્યારે રજાના દિવસોમાં આ ભાવ વધીને રૂ. 1000 સુધી પહોંચી જાય છે. આટલા ઊંચા ભાવને કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો માટે સિનેમાઘરમાં ફિલ્મ જોવી મુશ્કેલ બની રહી છે.

સિનેમાનો ક્રેઝ ઘટવા પાછળ આ ચાર કારણો જવાબદાર

દર્શકોનો થિયેટર તરફનો રસ ઘટવા પાછળ મનોરંજનની બદલાતી આદતો અને ટેક્નોલોજીનો મોટો ફાળો છે. આ પાછળ મુખ્યત્વે ચાર કારણો જવાબદાર માનવામાં આવે છે.

  1. OTT અને સોશિયલ મીડિયા: મોબાઈલમાં જ ફિલ્મો, વેબ સિરીઝ અને અન્ય મનોરંજન ઉપલબ્ધ હોવાથી લોકો થિયેટર જવાનું ટાળી રહ્યા છે.

  2. OTT પર ફિલ્મોની રિલીઝ: ફિલ્મ નિર્માતાઓ માટે ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મ રિલીઝ કરવી સરળ અને ઓછા ખર્ચાળ વિકલ્પ તરીકે ઉભરી છે.

  3. ફિલ્મ પાઈરસી: થિયેટરમાં ફિલ્મ રિલીઝ થયાના થોડા જ સમયમાં તેની ગેરકાયદેસર નકલો મોબાઈલ અને ઇન્ટરનેટ પર ફરતી થઈ જાય છે.

  4. OTT પર વહેલી રિલીઝ: ઘણી ફિલ્મો સિનેમાઘરોમાં રિલીઝ થયાના થોડા દિવસોમાં જ ઓટીટી પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થઈ જાય છે, જેના કારણે દર્શકો થિયેટરની રાહ જોવાનું ટાળે છે.

સંચાલન ખર્ચ વધતાં ટિકિટના ભાવમાં વધારો કરવાની ફરજ

સિનેમાઘરના સંચાલકો માટે પણ હવે વ્યવસાય ચલાવવો સરળ રહ્યો નથી. ટેક્નોલોજી અપગ્રેડેશન, ફાયર સેફ્ટી, ટેક્સ, વીજળી અને અન્ય જાળવણી ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ, દર્શકોની સંખ્યા ઘટતાં થિયેટરની આવક પર અસર પડી રહી છે. આવી સ્થિતિમાં સંચાલન ખર્ચને પહોંચી વળવા ટિકિટના ભાવ વધારવા સિવાય બીજો વિકલ્પ રહેતો નથી. વ્યવસાય સાથે સંકળાયેલા લોકોના મતે, આગામી સમયમાં અમદાવાદમાં વધુ સિનેમાઘરો બંધ થવાની શક્યતા છે. જ્યારે રાજ્યના સૌથી મોટા શહેરમાં જ આવી સ્થિતિ છે, ત્યારે નાના શહેરોમાં સિનેમાનો વ્યવસાય વધુ મુશ્કેલ બન્યો છે.

અમદાવાદનાં જૂનાં સિનેમાઘરો આજે પણ લોકોની યાદોમાં જીવંત

એક સમયે અમદાવાદમાં સિનેમાઘરો માત્ર મનોરંજનનું સ્થળ નહોતાં, પરંતુ શહેરની ઓળખનો પણ એક ભાગ હતાં. અનેક વિસ્તારો અને રસ્તાઓની ઓળખ સિનેમાઘરોના નામ પરથી થતી હતી. રિલીફ રોડ પર રિલીફ સિનેમા, મણિનગરમાં મીરા સિનેમા, લાલ દરવાજા પાસે રૂપાલી સિનેમા, ખોખરામાં અનુપમ સિનેમા, આશ્રમ રોડ પર નટરાજ સિનેમા, કુબેરનગરમાં માયા સિનેમા, સરસપુરમાં મિલન ટોકીઝ, કાલુપુરમાં રોઝી ટોકીઝ અને મિરઝાપુરમાં મધુરમ સિનેમા તેનાં જાણીતાં ઉદાહરણો છે.

આ ઉપરાંત કાંકરિયામાં અપ્સરા અને આરાધના સિનેમા, અસારવામાં મોહન સિનેમા સહિત આમ્રપાલી, વસંત, શીતલ, સૂર્ય, પ્રકાશ, લલિતામહલ, કમલ, આશિષ, એવરેસ્ટ, અલંકાર, ગીતા, ચંદ્રભાનુ, શિવ, રોશની, ગેલેક્સી, અશોક, શાલીમાર, સંગમ, લક્ષ્મી, ગોલ્ડન, સેન્ટ્રલ, કૃષ્ણ, નોવેલ્ટી, કલ્પના, અજંતા, ઈલોરા, ઉષા, દીપાલી અને અંજલી જેવા થિયેટરો અમદાવાદના સિનેમા ઇતિહાસનો યાદગાર હિસ્સો રહ્યા છે.

એક સમયે દર્શકોથી ઊભરાતાં આ સિનેમાઘરો આજે ક્યાંક બંધ થઈ ગયાં છે તો ક્યાંક તેમનું અસ્તિત્વ જ ભૂંસાઈ ગયું છે. બદલાતી જીવનશૈલી અને મનોરંજનનાં નવાં માધ્યમો વચ્ચે અમદાવાદના સિનેમાનો જૂનો દબદબો હવે ભૂતકાળ બની રહ્યો છે.

આ પણ વાંચો : પહેલી વાર એક મંચ પર મળશે ટ્રમ્પ, જિનપિંગ અને પુતિન, 19 નવેમ્બરના યોજાશે બેઠક

Back to top button