ગુજરાતમાં ઘરેલુ હિંસાનો ચોંકાવનારો આંકડો. ત્રણ વર્ષમાં 12,721 મહિલાઓએ નોંધાવી ફરિયાદ

Domestic Violence Complaints : જે ઘરને સુરક્ષા, પ્રેમ અને હૂંફનું પ્રતીક માનવામાં આવે છે, એ જ ઘરની ચાર દીવાલો વચ્ચે અનેક મહિલાઓ હિંસાનો ભોગ બની રહી છે. અમદાવાદમાં ઘરેલુ હિંસાને લગતા છેલ્લા ત્રણ વર્ષના આંકડા ચિંતાજનક સ્થિતિ દર્શાવે છે. 181 અભયમ મહિલા હેલ્પલાઇન (181 Abhayam Women Helpline) પર મળેલી ફરિયાદો અનુસાર, ત્રણ વર્ષમાં અમદાવાદમાંથી કુલ 24,136 મહિલાઓએ પારિવારિક અને ઘરેલુ સમસ્યાઓ અંગે મદદ માગી હતી. તેમાંથી 12,721 ફરિયાદો ઘરેલુ હિંસા અને શારીરિક અત્યાચાર સંબંધિત હતી. એટલે કે હેલ્પલાઇન પર આવતા દર બે ફોનમાંથી એકથી વધુ ફોન ઘરેલુ હિંસાની ફરિયાદ સાથે જોડાયેલા હતા.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
‘અભયમ’ હેલ્પલાઇન પર દર બેમાંથી એક ફરિયાદ ઘરેલુ હિંસાની
181 અભયમના આંકડા પ્રમાણે, છેલ્લા ત્રણ વર્ષમાં અમદાવાદમાંથી મળેલી કુલ ફરિયાદોમાંથી 52.7 ટકા ફરિયાદો ઘરેલુ હિંસા અને શારીરિક અત્યાચારની હતી. આ આંકડા દર્શાવે છે કે મહિલાઓને પોતાના જ ઘરમાં સુરક્ષા અને સન્માન માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. ઘરેલુ હિંસામાં માત્ર મારપીટ જ નહીં, પરંતુ ગાળાગાળી, અપમાન, માનસિક ત્રાસ, સતત દબાણ અને સાસરિયાં દ્વારા ઘરમાંથી કાઢી મૂકવા જેવી ઘટનાઓનો પણ સમાવેશ થાય છે.
ત્રણ વર્ષમાં નોંધાયેલી ઘરેલુ હિંસાની ફરિયાદો
વર્ષવાર આંકડા પર નજર કરીએ તો ઘરેલુ હિંસાની ફરિયાદોમાં સતત મોટી સંખ્યા જોવા મળી છે.
-
વર્ષ 2024માં 4,721 ફરિયાદો નોંધાઈ હતી.
-
વર્ષ 2025માં 4,489 ફરિયાદો નોંધાઈ હતી.
-
વર્ષ 2026માં 24 ઓક્ટોબર સુધીમાં 3,511 ફરિયાદો નોંધાઈ હતી.
આમ, ત્રણ વર્ષમાં કુલ 12,721 ફરિયાદો નોંધાઈ છે. વર્ષ 2025માં અગાઉના વર્ષની સરખામણીએ ફરિયાદોમાં થોડો ઘટાડો થયો હતો. જોકે, 2026માં ઓક્ટોબર સુધી નોંધાયેલા કેસ પણ સમસ્યાની ગંભીરતા દર્શાવે છે.
માનસિક ત્રાસ અને લગ્નેતર સંબંધો પણ વિવાદનું કારણ
આંકડાઓના વિશ્લેષણમાં મહિલાઓને થતી માનસિક પ્રતાડનાની પણ ગંભીર સ્થિતિ સામે આવી છે. છેલ્લા ત્રણ વર્ષમાં 3,984 કિસ્સાઓમાં મહિલાઓએ શાબ્દિક દુર્વ્યવહાર અને માનસિક ત્રાસનો સામનો કર્યો હતો. આ ઉપરાંત, 1,395 કિસ્સાઓમાં પારિવારિક વિવાદ એટલો વધી ગયો હતો કે પરિણીત મહિલાઓને સાસરિયું ઘર છોડવાની ફરજ પડી હતી. લગ્નેતર સંબંધો અને વર્ચ્યુઅલ જોડાણોને કારણે પણ અનેક પરિવારોમાં વિખવાદ ઊભો થયો હતો. છેલ્લા ત્રણ વર્ષમાં આવા 1,168 કિસ્સા નોંધાયા હતા. વર્ષ 2024માં 452, વર્ષ 2025માં 392 અને વર્ષ 2026માં 24 ઓક્ટોબર સુધીમાં 324 કિસ્સા સામે આવ્યા હતા.
પતિ-પત્નીના ઝઘડામાં બાળકો પણ બની રહ્યા છે ભોગ
ઘરેલુ વિવાદોની અસર માત્ર પતિ-પત્ની પૂરતી સીમિત રહેતી નથી. તેની સૌથી વધુ અસર બાળકોના માનસિક સ્વાસ્થ્ય અને ભવિષ્ય પર પડી શકે છે. છેલ્લા ત્રણ વર્ષમાં બાળકોની મુલાકાત, કસ્ટડી અને માતા-પિતાથી અલગ થવા સંબંધિત 714 કિસ્સાઓમાં અભયમની રેસ્ક્યૂ વાન અને કાઉન્સેલરની મદદ લેવાની જરૂર પડી હતી. તેમાં વર્ષ 2024માં 283, વર્ષ 2025માં 234 અને વર્ષ 2026માં 24 ઓક્ટોબર સુધીમાં 197 કિસ્સા નોંધાયા હતા.
પરિવારમાં સંવાદ ઘટવો પણ વિવાદનું એક કારણ
નિષ્ણાતોના મતે, આજના સમયમાં પરિવારોમાં એકબીજાને સમજવાની ભાવના અને સંવાદની ઉણપ જોવા મળી રહી છે. પહેલાં સંયુક્ત પરિવારમાં વડીલોની હાજરીને કારણે પતિ-પત્ની વચ્ચેના નાના મતભેદો ઉકેલવામાં મદદ મળતી હતી. પરંતુ વિભક્ત પરિવારો વધતાં અનેક દંપતીઓને પોતાના પ્રશ્નોનો ઉકેલ જાતે જ શોધવો પડે છે.
મોંઘવારી, લોનના હપ્તા, આર્થિક જવાબદારીઓ, જીવનશૈલી જાળવવાનું દબાણ અને સામાજિક અપેક્ષાઓ પણ માનસિક તણાવ વધારે છે. આ ઉપરાંત વ્યસન, જુગાર, આર્થિક બેદરકારી અને સંબંધોમાં એકબીજા પર નિયંત્રણ રાખવાની વૃત્તિ પણ ઘરેલુ વિવાદને ગંભીર બનાવી શકે છે.
અત્યાચાર સહન કરવો એ કોઈ સમાધાન નથી
ઘરેલુ હિંસાના અનેક કિસ્સાઓમાં મહિલાઓ સામાજિક બદનામી, બાળકોના ભવિષ્ય અને આર્થિક નિર્ભરતાના ડરથી ફરિયાદ કરતાં અચકાય છે. લગ્નજીવન તૂટી જવાની બીક અને પરિવારની પ્રતિષ્ઠાના કારણે પણ ઘણી મહિલાઓ લાંબા સમય સુધી અત્યાચાર સહન કરતી રહે છે. પરંતુ ઘરેલુ હિંસા સામે મૌન રહેવું તેનો ઉકેલ નથી. સમયસર મદદ લેવી, યોગ્ય કાઉન્સેલિંગ મેળવવું અને જરૂર પડ્યે કાયદાકીય સહાય લેવી જરૂરી છે. મહિલાઓ મુશ્કેલીના સમયે 181 અભયમ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કરીને મદદ મેળવી શકે છે. ઘર દરેક વ્યક્તિ માટે સુરક્ષિત હોવું જોઈએ, ડર અને અત્યાચારનું સ્થળ નહીં.
આ પણ વાંચો : એર ઇન્ડિયાનો મોટો નિર્ણય, દિલ્હી-મુંબઈથી ન્યૂયોર્કની નોન-સ્ટોપ ફ્લાઇટ ફરી શરૂ












