ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલ

રસોડામાં વપરાતી હિંગના સેમ્પલ ફેલ! એવરેસ્ટ અને એલજી બ્રાન્ડની હિંગના વેચાણ પર FSSAIનો પ્રતિબંધ

Everest Hing FSSAI Ban: દેશભરમાં ઘરના રસોડામાં રોજિંદા ઉપયોગમાં લેવાતી હિંગને લઈને ચોંકાવનારી માહિતી સામે આવી છે. ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જાણીતી મસાલા કંપની એવરેસ્ટ ફુડ પ્રોડક્ટ અને લાલજી ગોધુ એન્ડ કંપની (LG Brand)ની કમ્પાઉન્ડ હિંગના  વેચાણ પર તાત્કાલિક પ્રતિબંધ મૂક્યો છે. લેબોરેટરી તપાસમાં બંને કંપનીઓની હિંગના સેમ્પલ નક્કી કરાયેલા ગુણવત્તાના ધોરણો મુજબ નહીં હોવાનું સામે આવ્યા બાદ FSSAIએ આ કાર્યવાહી કરી છે. FSSAIના સત્તાવાર નિવેદન પ્રમાણે કાર્યવાહી ગ્રાહકોના હિત અને ખાદ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે.

ગ્રાહકની ફરિયાદ બાદ શરૂ થઈ તપાસ

સમગ્ર મામલાની શરૂઆત એક ગ્રાહક દ્વારા હિંગની ગુણવત્તા અંગે કરવામાં આવેલી ફરિયાદથી થઈ હતી. ફરિયાદ મળ્યા બાદ એફએસએસએઆઈએ બજારમાં વેચાતી મોટા બ્રાન્ડ્સની કમ્પાઉન્ડ હિંગની સર્વેલન્સ તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક લેબ રિપોર્ટમાં એવરેસ્ટ ને એલજી બ્રાન્ડની હિંગ નક્કી કરેલા ધોરણ કરતાં નીચી ગુણવત્તાની હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ FSSAIએ બંને ઉત્પાદકોના સેન્ટ્રલી લાઇસન્સ ધરાવતા યુનિટમાંથી કાયદેસર રીતે સેમ્પલ એકત્ર કરી વધુ તપાસ કરાવી હતી.

એવરેસ્ટની હિંગમાં શું ગડબડ મળી?

FSSAIના નિયમો પ્રમાણે કમ્પાઉન્ડ હિંગમાં આલ્કોહોલ સોલ્યુબલ એક્સટ્રેક ઓછામાં ઓછું પાંચ ટકા હોવું જરૂરી છે. તપાસમાં એવરેસ્ટના અલગ-અલગ હિંગ સેમ્પલમાં આ પ્રમાણ નક્કી કરેલા ધોરણ કરતાં ઓછું જોવા મળ્યું. કેટલાક સેમ્પલમાં  આલ્કોહોલ સોલ્યુબર એક્સટ્રેક  0 ટકા, 3.29 ટકા અને 4.4 ટકા જેટલું નોંધાયું હતું. આ કારણે લેબ દ્વારા હિંગના સેમ્પલને મિસબ્રાન્ડેડ અને સબસ્ટાન્ડર્ડ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા હતા.

LGની હિંગમાં સ્ટાર્ચનું પ્રમાણ વધુ

એલજીની હિંગની તપાસમાં પણ ગંભીર ગુણવત્તા સંબંધિત ખામીઓ સામે આવી છે. કંપની પાસેથી લેવામાં આવેલી રો હિંગની છ જાતોના સેમ્પલમાં સ્ટાર્ચનું પ્રમાણ નક્કી મર્યાદા કરતાં ઘણું વધારે હોવાનું જાણવા મળ્યું. નિયમ પ્રમાણે રો હિંગમાં સ્ટાર્ચનું પ્રમાણ વજનના એક ટકાથી વધુ ન હોવું જોઈએ. આ ઉપરાંત એલજીની કમ્પાઉન્ડ હિંગના પાઉડર અને લમ્પ સ્વરૂપના સેમ્પલ પણ ગુણવત્તાના નિયમો અનુસાર નહીં હોવાનું સામે આવ્યું હતું.

શું કમ્પાઉન્ડ એટલે નકલી હિંગ?

ના. કમ્પાઉન્ડ હિંગ પોતે નકલી પ્રોડક્ટ નથી. બજારમાં સામાન્ય રીતે મળતી કમ્પાઉન્ડ હિંગ માં અસલી હિંગ સાથે મંજૂર કરાયેલા ખાદ્ય ઘટકો જેમ કે ગમ અને સ્ટાર્ચ વગેરેનો ઉપયોગ થઈ શકે છે, પરંતુ તેમાં અસલી હિંગ સાથે જોડાયેલા કેટલાક ગુણવત્તા માપદંડોનું પાલન કરવું ફરજિયાત છે. તેથી આ કેસમાં એફએસએસએઆઈએ હિંગને સીધી રીતે નકલી જાહેર કરી નથી, પરંતુ તપાસમાં ધોરણ મુજબ નહીં મળેલી પ્રોડક્ટ્સને સબ-સ્ટાન્ડર્ડ અથવા મિસબ્રાન્ડેડ ગણાવ્યા છે.

બજારમાંથી નબળી ગુણવત્તાની હિંગ પાછી ખેંચવાની સલાહ

FSSAIએ બંને કંપનીઓને નિયમોનું પાલન કરવા માટે કરેક્ટિવ એક્શન પ્લાન રજૂ કરવા જણાવ્યું છે. સાથે જ બજારમાં પહેલેથી ઉપલબ્ધ નબળી ગુણવત્તાની હિંગ સ્વૈચ્છિક રીતે પાછી ખેંચવાની સલાહ પણ આપવામાં આવી છે. આગામી સમયમાં માત્ર નક્કી કરેલા ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડડ મુજબના પ્રોડક્ટ્સ જ ઉત્પાદન અને વેચાણ માટે ઉપલબ્ધ રહે તે માટે કંપનીઓએ સુધારાત્મક પગલાં લેવા પડશે. FSSAIની આ કાર્યવાહી બાદ ગ્રાહકોમાં પણ હિંગ સહિત પેકેજ્ડ મસાલાની ગુણવત્તા અને લેબલિંગને લઈને ચર્ચા શરૂ થઈ છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
Back to top button