અજિત કુમાર સેલ્ફી લેવા પહોંચેલા ચાહક પર થયો ગુસ્સે: સોશિયલ મીડિયા પર યુઝર્સે આપ્યો આકરો પ્રતિભાવ

Ajith Kumar Trolling: બ્રિટનના પ્રખ્યાત સિલ્વરસ્ટોન સર્કિટ ખાતે આયોજિત મિશેલિન લે મેન્સ કપમાં ભાગ લેવા પહોંચેલા દક્ષિણ ભારતીય સિનેમાના સુપરસ્ટાર અને રેસર અજિત કુમારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભારે વિવાદ સર્જાયો છે. રેસ પૂરી થયા બાદ સ્થળ પરથી બહાર નીકળી રહેલા અજિત કુમાર એક ચાહકના વર્તનથી નારાજ થઈ જતાં તેમણે આકરો ગુસ્સો વ્યક્ત કર્યો હતો, જેના કારણે ચાહકો અને સોશિયલ મીડિયા યુઝર્સ બે ભાગમાં વહેંચાઈ ગયા છે.
સેલ્ફી લેવા નજીક આવેલા ચાહક સામે અજિતે આંખો કાઢી
વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે અજિત કુમાર પોતાની ટીમના સભ્યો સાથે ટ્રેક પરથી બહાર જઈ રહ્યા હતા ત્યારે એક ઉત્સાહી ચાહક અચાનક મોબાઈલ ફોન લઈને તેમની નજીક સેલ્ફી લેવા ઘૂસી આવ્યો હતો. આ ઘટનાથી નારાજ થઈને અજિત કુમાર કમર પર બંને હાથ રાખીને ઉભા રહી ગયા હતા અને ચાહકની સામે કડક નજરે ઘૂરીને જોવા લાગ્યા હતા. આ પરિસ્થિતિ જોઈને તેમની સુરક્ષામાં તહેનાત સિક્યુરિટી ગાર્ડ્સે તાત્કાલિક વચ્ચે પડીને ચાહકને દૂર ખસેડ્યો હતો. જોકે, ચાહક દૂર ગયા પછી પણ અજિત થોડી સેકન્ડો સુધી તેની તરફ એકધારી નજરે ગુસ્સામાં જોઈ રહ્યા હતા.
સોશિયલ મીડિયા પર યુઝર્સનો ભારે આક્રોશ
અજિત કુમારના આ વર્તનનો વીડિયો સામે આવ્યા બાદ નેટીઝન્સે તેમની સખત શબ્દોમાં ટીકા કરવાનું શરૂ કર્યું છે. સોશિયલ મીડિયા પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું હતું કે, “ચાહકોના સમર્થન વિના અજિત શૂન્ય છે”. જ્યારે અન્ય એક વ્યક્તિએ આક્રોશ વ્યક્ત કરતાં લખ્યું કે, “હું એ દિવસની રાહ જોઉં છું જ્યારે આ માણસ પોતાની રેસિંગ મેચ માટે બીજા શહેરોમાં જાય અને કોઈ તેને ઉત્સાહિત કરવા કે ફોટો પાડવા ન આવે. તમિલ લોકોએ હવે પોતાનું આત્મસન્માન મેળવવું જોઈએ”. વધુમાં, એક યુઝરે ફોર્મ્યુલા 1 ના દિગ્ગજ ખેલાડીનો ઉલ્લેખ કરીને લખ્યું કે, “લુઈસ હેમિલ્ટન જેવા મહાન રેસર પણ ક્યારેય પોતાના ચાહકો સાથે આવું ખરાબ વર્તન નથી કરતા”.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
તમિલનાડુના મુખ્યમંત્રી વિજયે હાજરી આપી
આ વિવાદ વચ્ચે સિલ્વરસ્ટોન સર્કિટ ખાતે એક વિશેષ ક્ષણ પણ જોવા મળી હતી, જ્યાં તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજયે ખાસ ઉપસ્થિત રહીને આ રેસને લીલી ઝંડી આપીને લીડ કરી હતી. વિજયે અજિત કુમારને ટેકો આપવા માટે ટ્રેક પર પહોંચીને તેમને એક લઘુચિત્ર (Miniature) રેસિંગ કાર ભેટમાં આપી હતી. જેના વળતા જવાબમાં અજિતે પણ મુખ્યમંત્રી વિજયને પોતાનું ખાસ રેસિંગ હેલ્મેટ ભેટ તરીકે આપ્યું હતું. આ ઈવેન્ટ દરમિયાન બંને સુપરસ્ટાર્સ વચ્ચેનો પરસ્પર સ્નેહ ચાહકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
આ પણ વાંચો: દિશા સાલિયાન કેસમાં સીબીઆઈની FIR, 6 વર્ષ બાદ ફરી ખુલી મોતની ફાઇલ, મોટા માથાની સંડોવણી












