ટોપ ન્યૂઝટ્રેન્ડિંગમનોરંજન

દિશા સાલિયાન કેસમાં સીબીઆઈની FIR, 6 વર્ષ બાદ ફરી ખુલી મોતની ફાઇલ, મોટા માથાની સંડોવણી

Disha Salian Case: દિવંગત અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની પૂર્વ મેનેજર દિશા સાલિયાનના મોતનું રહસ્ય છ વર્ષ બાદ ફરી ચર્ચામાં આવ્યું છે. દિશાના મોતના કેસમાં કેન્દ્રીય તપાસ બ્યુરો એટલે કે સીબીઆઈએ એફઆઈઆર નોંધાવી છે. એફઆઈઆરમાં શિવસેના (યુબીટી) નેતા આદિત્ય ઠાકરે, અભિનેતા ડિનો મોરિયા, સૂરજ પંચોલી અને રિયા ચક્રવર્તી સહિત અનેક લોકોની ભૂમિકાની તપાસ કરવામાં આવશે.

જોકે એફઆઈઆરમાં કોઈ વ્યક્તિનું નામ તપાસના દાયરામાં હોવું એ ગુનો સાબિત થતો નથી. તપાસ પૂર્ણ થયા બાદ જ આરોપોની સત્યતા સ્પષ્ટ થશે.

હત્યા, ગેંગરેપ અને પુરાવા નષ્ટ કરવાના આરોપોની તપાસ

સીબીઆઈની એફઆઈઆરમાં હત્યા, સામૂહિક બળાત્કાર, ગુનાહિત કાવતરું, પુરાવા નષ્ટ કરવા અને ખોટી માહિતી આપવા જેવા ગંભીર આરોપો સંબંધિત કલમો હેઠળ તપાસનો ઉલ્લેખ છે. દિશાના પોસ્ટમોર્ટમમાં કથિત વિલંબ સાથે જોડાયેલા ડોક્ટરો અને કર્મચારીઓની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવશે.

એફઆઈઆરમાં તત્કાલીન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે તથા અન્ય લોકો સામે કથિત કાવતરું અને કેસને દબાવવાના આરોપોની પણ તપાસનો ઉલ્લેખ છે. સરકારી અધિકારીઓ અને પોલીસકર્મીઓની ભૂમિકા, દસ્તાવેજો દબાવવા કે નષ્ટ કરવા તથા સત્તાવાર રેકોર્ડમાં કથિત હેરફેર જેવા મુદ્દાઓ પણ તપાસ હેઠળ રહેશે.

8 જૂન, 2020એ થયું હતું દિશાનું મોત

દિશા સાલિયાનનું 8 જૂન, ૨૦૨૦ના રોજ મુંબઈના માલાડ વિસ્તારમાં એક ઈમારતની 14મા માળેથી પડી જવાથી મોત થયું હતું. તેમના મોતના માત્ર છ દિવસ બાદ, 14 જૂને સુશાંતસિંહ રાજપૂત પણ મુંબઈના બાંદ્રા સ્થિત નિવાસસ્થાને મૃત હાલતમાં મળી આવ્યા હતા.

દિશાના મોત બાદ મુંબઈ પોલીસે અકસ્માતે મોતનો અહેવાલ નોંધ્યો હતો. બાદમાં પોલીસ તપાસમાં તેમના મોતને આત્મહત્યા ગણાવવામાં આવી હતી. જોકે દિશાના પિતા સતીશ સાલિયાને પોલીસ તપાસ સામે સવાલો ઉઠાવી બોમ્બે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.

પિતાએ લગાવ્યા હતા ગંભીર આરોપ

સતીશ સાલિયાને પોતાની પુત્રી સાથે સામૂહિક બળાત્કાર બાદ હત્યા કરવામાં આવી હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કેસમાં પોલીસની કથિત બેદરકારી અને મામલો દબાવવાના પ્રયાસોની પણ ફરિયાદ કરી હતી.

સીબીઆઈની તપાસ શરૂ થયા બાદ સતીશ સાલિયાનનું નિવેદન પણ નોંધવામાં આવ્યું છે. તેમના નિવેદનમાં ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે સહિત અન્ય લોકો સામે કથિત કાવતરું અને કેસ દબાવવાના આરોપોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

હાઈકોર્ટના આદેશ બાદ સીબીઆઈની એન્ટ્રી

2 સપ્ટેમ્બરે બોમ્બે હાઈકોર્ટે દિશા સાલિયાનના મોતની તપાસ સીબીઆઈને સોંપવાનો આદેશ આપ્યો હતો. દિશાના પિતાની અરજી બાદ આ નિર્ણય લેવાયો હતો. અરજીમાં મુંબઈ પોલીસની તપાસમાં રહેલી કથિત ખામીઓનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. હાઈકોર્ટે તપાસમાં રહેલી કેટલીક કથિત વિસંગતતાઓ અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા. પરિવારને છ વર્ષ બાદ પણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને અકસ્માતે મોતના અહેવાલની નકલો ન મળવાનો મુદ્દો પણ કોર્ટ સમક્ષ આવ્યો હતો.

પોલીસ પાસેથી તમામ દસ્તાવેજો માગ્યા

તપાસ હાથમાં લીધા બાદ સીબીઆઈએ મુંબઈ પોલીસ પાસેથી દિશા સાલિયાનના મોત સાથે જોડાયેલા તમામ દસ્તાવેજો અને રેકોર્ડ માગ્યા છે. હવે એફઆઈઆર નોંધાઈ ગયા બાદ એજન્સી કેસ સાથે જોડાયેલા વિવિધ પાસાં, પુરાવા અને સંબંધિત વ્યક્તિઓની ભૂમિકાની તપાસ કરશે.

આ પણ વાંચોઃ સિંહ સહિત વન્યજીવોની સુરક્ષા માટે એઆઈ સર્વેલન્સ સિસ્ટમ, ગાંધીનગરમાં બનશે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર
Back to top button