ટોપ ન્યૂઝસ્પોર્ટ્સ

ભારતીય ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર: 2029 ની ચેમ્પિયન્સ ટ્રોફી અને 2031 ના ODI વર્લ્ડ કપની યજમાની કરશે ભારત!

ICC Men’s Cricket Tournament Schedule: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) દ્વારા રવિવાર, 15 નવેમ્બર, 2026 ના રોજ એક ઐતિહાસિક નિર્ણય લેતા વર્ષ 2035 સુધીની તમામ પુરુષોની ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજન માટેની વિન્ડોને સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે. આ સાથે જ ICC એ વર્ષ 2031 સુધીની મુખ્ય ટુર્નામેન્ટ માટે યજમાન દેશોના નામોની પણ જાહેરાત કરી છે, જેમાં ભારતીય ક્રિકેટ ચાહકો માટે ખુશીના સમાચાર છે. ભારતને આગામી સમયમાં બે અત્યંત પ્રતિષ્ઠિત વૈશ્વિક ટુર્નામેન્ટની યજમાની સોંપવામાં આવી છે, જ્યારે 2031 પછીની ટુર્નામેન્ટ માટે માત્ર તારીખો અને મહિનાઓની જાહેરાત કરવામાં આવી છે.

ભારતના આંગણે ફરી જામશે ક્રિકેટનો મહાકુંભ

ICC ની આ જાહેરાત મુજબ, ભારતને વર્ષ 2029 ની ચેમ્પિયન્સ ટ્રોફી અને 2031 ના વનડે (ODI) વર્લ્ડ કપની યજમાનીના અધિકારો આપવામાં આવ્યા છે. નિર્ધારિત કાર્યક્રમ મુજબ, ભારત 9 થી 28 ઓક્ટોબર, 2029 દરમિયાન એકલા હાથે ચેમ્પિયન્સ ટ્રોફીનું ભવ્ય આયોજન કરશે. ત્યારબાદ 9 ઓક્ટોબર થી 23 નવેમ્બર, 2031 દરમિયાન રમાનારા ODI વર્લ્ડ કપનું ભારત અને બાંગ્લાદેશ દ્વારા સંયુક્ત રીતે સહ-યજમાનપદ સંભાળવામાં આવશે. આ ઉપરાંત, વર્ષ 2035 ના ODI વર્લ્ડ કપ માટે પણ ઓક્ટોબર-નવેમ્બરની વિન્ડો નક્કી કરી દેવામાં આવી છે, જોકે તેના યજમાન દેશની જાહેરાત હજુ બાકી રાખવામાં આવી છે.

T20 વર્લ્ડ કપ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનું સંપૂર્ણ કેલેન્ડર

ટૂંકા ફોર્મેટના મહાસંગ્રામ એટલે કે T20 વર્લ્ડ કપની વાત કરીએ તો, વર્ષ 2028 નો T20 વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની સંયુક્ત યજમાનીમાં 12 ઓક્ટોબરથી 12 નવેમ્બર દરમિયાન રમાશે. તેની આગામી આવૃત્તિ વર્ષ 2030 માં ઈંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને આયર્લેન્ડમાં યોજાશે, જ્યારે 2032 અને 2034 ના T20 વર્લ્ડ કપના યજમાન દેશોની જાહેરાત હવે પછી કરવામાં આવશે. બીજી તરફ, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ની ફાઇનલ મેચો વર્ષ 2035 સુધી દર 2 વર્ષે જૂન મહિનામાં રમાશે. જેમાં ઇંગ્લેન્ડ 2029 અને 2031 ની ફાઇનલનું આયોજન કરશે, જ્યારે 2033 અને 2035 ની ફાઇનલના સ્થળો હવે પછી જાહેર થશે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

“વૈશ્વિક ક્રિકેટ માળખાને વધુ સ્પર્ધાત્મક બનાવવાનો હેતુ”

આ લાંબા ગાળાના કેલેન્ડર અંગે પ્રતિક્રિયા આપતા ICC ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) સંજોગ ગુપ્તાએ જણાવ્યું હતું કે, “ICC ની ટુર્નામેન્ટ અને કાર્યક્રમોનો પોર્ટફોલિયો વૈશ્વિક ક્રિકેટ માળખાનો એક અત્યંત મહત્વપૂર્ણ હિસ્સો છે. આ વ્યવસ્થિત આયોજન રમતને વધુ સ્પર્ધાત્મક બનાવે છે અને સમગ્ર ક્રિકેટ જગતને એક સ્પષ્ટ દિશા પૂરી પાડે છે.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ખેલાડીઓ અને સભ્ય દેશોને અગાઉથી સ્પષ્ટ માહિતી મળવાથી ખેલાડીઓના વિકાસ, ઉચ્ચ-પ્રદર્શન કાર્યક્રમો અને દ્વિપક્ષીય ક્રિકેટ કેલેન્ડરનું વધુ સારી રીતે આયોજન કરવામાં મોટી મદદ મળશે.

આ પણ વાંચો: IND vs NZ: ‘બોલર્સ સિરીઝ જીતાડે છે…’, ન્યુઝીલેન્ડમાં વનડે વિજય બાદ ગૌતમ ગંભીરનો પોસ્ટ

Back to top button