WhatsAppમાં બદલાશે ફોટો-વીડિયો શેર કરવાની રીત, Zaps ફીચર કરશે કમાલ
WhatsApp : WhatsApp પોતાના યુઝર્સના અનુભવ અને પ્રાઈવસીને વધુ બહેતર બનાવવા માટે એક નવું ફીચર લાવવાની તૈયારીમાં છે. હવે WhatsAppમાં પણ Instagram જેવું નવું ફીચર જોવા મળી શકે છે. આ ફીચરની મદદથી યુઝર્સ પોતાના મિત્રો અને પરિવારજનો સાથે એવા ફોટો અને નાના વીડિયો શેર કરી શકશે, જે જોયા બાદ આપમેળે ગાયબ થઈ જશે.
WhatsAppના આ અપકમિંગ ફીચરનું નામ Zaps હોવાનું કહેવાય છે. આ ફીચર Instagramના Instants ફીચર જેવું હોઈ શકે છે. તેની સૌથી ખાસ વાત એ છે કે મોકલવામાં આવેલા ફોટો કે વીડિયોને સામેની વ્યક્તિ માત્ર એક જ વાર જોઈ શકશે. એકવાર જોયા બાદ તે કન્ટેન્ટ ફરીથી ખોલી શકાશે નહીં. આ નવા ફીચરની માહિતી WABetaInfo દ્વારા આપવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, Android યુઝર્સના WhatsApp બીટા વર્ઝન 2.26.46.2માં Zaps ફીચરના સંકેતો મળ્યા છે. જોકે, હાલમાં આ ફીચર ડેવલપમેન્ટના તબક્કામાં છે અને બીટા યુઝર્સ માટે પણ ઉપલબ્ધ કરવામાં આવ્યું નથી. મેટા દ્વારા તેના લોન્ચ અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
WhatsAppનું Zaps ફીચર કેવી રીતે કામ કરશે?
રિપોર્ટ અનુસાર, Zaps માટે WhatsAppમાં એક નવો ઇન્સ્ટન્ટ કેમેરા ઓપ્શન મળી શકે છે. યુઝર્સ ચેટ ટેબમાં વીજળીના નિશાનવાળા આઇકન પર ટેપ કરીને આ કેમેરા ખોલી શકશે. ત્યારબાદ સીધો ફોટો ક્લિક કરીને અથવા નાનો વીડિયો રેકોર્ડ કરીને કોઈને પણ મોકલી શકશે. આ ફીચરની ખાસિયત એ હશે કે ફોટો કે વીડિયો મેળવનાર વ્યક્તિ તેને માત્ર એક જ વાર જોઈ શકશે. જોયા બાદ આ કન્ટેન્ટ તેના માટે ઉપલબ્ધ રહેશે નહીં. જોકે, મોકલનાર યુઝર પોતાની તરફથી મોકલેલા Zapsને ચેટમાં જોઈ શકશે.
ચેટ, ગ્રુપ અને ચેનલમાં પણ મોકલી શકાશે Zaps
WhatsAppનું આ ફીચર માત્ર બે વ્યક્તિ વચ્ચેની પર્સનલ ચેટ પૂરતું મર્યાદિત નહીં રહે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે યુઝર્સ પોતાના કોન્ટેક્ટ્સ ઉપરાંત ગ્રુપ અને સંભવિત રીતે ચેનલમાં પણ Zaps મોકલી શકશે. એટલે કે, તેના માટે સામેની વ્યક્તિનો મ્યુચ્યુઅલ કોન્ટેક્ટ હોવો જરૂરી નહીં હોય. જો કોઈ યુઝર એકસાથે અનેક Zaps મોકલશે, તો WhatsApp તેમને અલગ-અલગ મેસેજ તરીકે બતાવવાને બદલે એકસાથે ગ્રુપ કરીને દર્શાવી શકે છે. તેનાથી ચેટમાં વારંવાર ફોટો અને વીડિયો આવવાની સમસ્યા ઓછી થઈ શકે છે. આ કન્ટેન્ટ જોનારા યુઝર્સ ઇમોજી અથવા ટેક્સ્ટ મેસેજ દ્વારા પણ જવાબ આપી શકશે.
યુઝર્સના ફોટો અને વીડિયો રહેશે પ્રાઇવેટ
WhatsAppના અન્ય ફીચર્સની જેમ Zapsમાં પણ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન મળવાની શક્યતા છે. એટલે કે, મોકલવામાં આવેલા કન્ટેન્ટને માત્ર મોકલનાર અને મેળવનાર યુઝર જ જોઈ શકશે. જોકે, ફીચરના સત્તાવાર લોન્ચ બાદ જ તેની સંપૂર્ણ વિગતો સામે આવશે. હાલમાં Zaps ફીચર પર કામ ચાલી રહ્યું છે. કંપની તેને તમામ યુઝર્સ માટે ક્યારે રોલઆઉટ કરશે તે સ્પષ્ટ નથી. આ ઉપરાંત, યુઝર્સ કેટલા સેકન્ડનો વીડિયો મોકલી શકશે તેની પણ કોઈ માહિતી સામે આવી નથી.












