અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમનોરંજન

અમદાવાદમાં દિલજીતના કોન્સર્ટ પહેલાં તંત્રની કડક સૂચના! દારૂ-ડ્રગ્સનાં ગીતો નહીં ગવાય, બાળકોને સ્ટેજ પર બોલાવવા પર પણ રોકની માગ

Diljit Dosanjh Ahmedabad Concert: પંજાબી ગાયક દિલજીત દોસાંજના અમદાવાદમાં યોજાનારા કોન્સર્ટ પહેલાં ગુજરાતના બાળસુરક્ષા તંત્રએ કેટલીક મહત્ત્વપૂર્ણ સૂચનાઓ આપી છે. 21 નવેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારા ઓરા ઈન્ડિયા ટૂરના કાર્યક્રમમાં દારૂ અને નશીલા પદાર્થો સાથે સંકળાયેલાં ગીતો રજૂ ન કરવા, બાળકોને સ્ટેજ પર ન બોલાવવા તેમજ હિંસાનું પ્રતીક ગણાતા કારતૂસના પટ્ટા ન પહેરવા માટે વિનંતી કરવામાં આવી છે.

પટિયાલા પેગ સહિતનાં ગીતો ન ગાવા પોલીસને પત્ર

અમદાવાદનાં જિલ્લા બાળસુરક્ષા અધિકારી (DCPO) તન્વિકા પરમારે શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને પત્ર લખીને દિલજીતના કાર્યક્રમમાં કેટલાંક ગીતો રજૂ કરવાની મંજૂરી ન આપવા વિનંતી કરી છે. આ ગીતોમાં ‘પટિયાલા પેગ’, ‘5 રારારા ઠેકે’, ‘જેબ વિચો ફીમ લભી આ’ અને ‘જટ્ટ ફાયર કરદા’નો સમાવેશ થાય છે. બાળસુરક્ષા અધિકારીના જણાવ્યા અનુસાર આ ગીતોમાં દારૂનું સેવન, નશીલા પદાર્થો, હથિયારો અને હિંસાને પ્રોત્સાહન આપતાં સંદર્ભો છે. તેમણે નશામુક્ત ભારત અભિયાનનો ઉલ્લેખ કરીને જણાવ્યું છે કે નશાને પ્રોત્સાહન આપતાં ગીતોને મંજૂરી આપવી યોગ્ય નથી. આ મામલે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના અગાઉના આદેશનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

બાળકોને સ્ટેજ પર ન બોલાવવાની સૂચના

6 નવેમ્બરે જારી કરાયેલી એડવાઈઝરીમાં દિલજીત દોસાંજને કાર્યક્રમ દરમિયાન બાળકોને સ્ટેજ પર આમંત્રિત ન કરવાની પણ વિનંતી કરવામાં આવી છે. બાળસુરક્ષા તંત્રના જણાવ્યા અનુસાર લાઈવ કોન્સર્ટમાં ઊંચા અવાજ અને ઝબકતી લાઈટ્સનો ઉપયોગ બાળકોના સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. કાર્યક્રમ દરમિયાન અવાજનું સ્તર 120 ડેસિબલથી વધુ રહેતું હોવાનો ઉલ્લેખ પણ સૂચનામાં કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ફ્લેશિંગ લાઈટ્સ, સ્પોટલાઈટ અને બીમ લાઈટ્સના સતત ઉપયોગથી બાળકોની આંખો અને કાન પર પ્રતિકૂળ અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

કારતૂસના પટ્ટા પહેરવા સામે પણ વાંધો

દિલજીતના અમદાવાદ કાર્યક્રમની પ્રચાર સામગ્રીમાં છાતી પર પહેરવામાં આવતા કારતૂસ કે ગોળીઓના પટ્ટા (બંદોલિયર) દર્શાવવામાં આવ્યા છે. બાળસુરક્ષા અધિકારીએ કાર્યક્રમ દરમિયાન આવા પટ્ટા અથવા નકલી ધાતુના કારતૂસ પહેરવા સામે પણ વાંધો ઉઠાવ્યો છે. સૂચના અનુસાર આવા પ્રતીકો હિંસક પ્રવૃત્તિઓ અને ગન કલ્ચરને પ્રોત્સાહન આપતાં હોવાનું માનવામાં આવે છે. તેની બાળકો સહિત સમગ્ર પ્રેક્ષકવર્ગ પર નકારાત્મક અસર થઈ શકે છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

પંજાબ-હરિયાણા હાઈકોર્ટના આદેશનો હવાલો

આ સૂચનામાં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના 22 જુલાઈ, 2019ના આદેશનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આદેશમાં નાની ઉંમરના બાળકો પર નશીલા પદાર્થો અને હિંસાને પ્રોત્સાહન આપતાં ગીતોની હાનિકારક અસર અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. ચંડીગઢના પ્રોફેસર પુંડીતરાવ ધરેનાવર દ્વારા કરવામાં આવેલી ફરિયાદ બાદ આ મામલે કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવાયું છે. મધ્યપ્રદેશના ઈન્દોરમાં 15 નવેમ્બરે યોજાનારા દિલજીતના કાર્યક્રમ માટે પણ ત્યાંના બાળસુરક્ષા સત્તાધિકારીઓએ આવી જ સૂચનાઓ આપી છે.

આ પણ વાંચોઃ નવા વર્ષની ઉજવણીમાં ઈમર્જન્સી કોલનો રેકોર્ડ ઉછાળો! 108 સેવાઓ પર વધ્યો ભાર, માર્ગ અકસ્માતના કેસમાં 138%નો વધારો
Back to top button