ટ્રેન્ડિંગનેશનલ
વિવાદ વચ્ચે દિલ્હીમાં ચૂંટણી પંચની મહત્વની બેઠક, CEC સાથે બંને ચૂંટણી કમિશનરો રહ્યાં હાજર

Election Commission of India : મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે વિપક્ષી દળોના વિરોધ અને વિવાદો વચ્ચે નવી દિલ્હી સ્થિત નિર્વાચન સદન ખાતે ચૂંટણી પંચની એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર ઉપરાંત બંને ચૂંટણી કમિશનરો – સુખબીર સિંહ સંધૂ અને વિવેક જોશી ઉપસ્થિત રહ્યા હતા. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી અખબારી યાદી મુજબ, આ બેઠકમાં દિલ્હી અને મહારાષ્ટ્રમાં દાવો અને વાંધા અરજીઓ સબમિટ કરવાની સમયમર્યાદા લંબાવવા સહિતના અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
મતદારો માટે મહત્વના નિર્ણયો
-
ઘર-ઘર જઈને દસ્તાવેજ સંગ્રહ: SIR (સ્પેશિયલ સમરી રિવિઝન) દરમિયાન જે લોકોના નામ મેપ ન થવાને કારણે કે રેકોર્ડમાં ગડબડ હોવાના કારણે નોટિસ મોકલવામાં આવી છે, BLO (બૂથ લેવલ ઓફિસર) તેમના ઘરે જઈને જરૂરી દસ્તાવેજો એકત્ર કરશે.
-
ECINET પર અપલોડિંગ: આ દસ્તાવેજોને ECINET પર અપલોડ કરવામાં આવશે જેથી ERO તેના આધારે નિર્ણય લઈ શકે. આવા લોકોને સુનાવણી માટે ERO કે AERO ની ઓફિસે જવાની જરૂર રહેશે નહીં. માત્ર ખાસ કિસ્સાઓમાં જ સુનાવણી થશે અને તે પણ મોટે ભાગે ઓનલાઈન માધ્યમથી યોજાશે.
-
બેઘર અને મજૂરો માટે હેલ્પ ડેસ્ક: DEO (જિલ્લા ચૂંટણી અધિકારી) જરૂરિયાત મુજબ નાઈટ શેલ્ટરમાં રહેતા લોકો, મજૂરો, ગરીબો અને બેઘર લોકો માટે પૂરતા હેલ્પ ડેસ્ક અથવા સ્પેશિયલ કેમ્પ યોજશે.
-
આઈટી પોર્ટલમાં અપગ્રેડેશન: છેલ્લા કેટલાક મહિનાઓમાં રાજ્યોના CEO પાસેથી મળેલા ફીડબેકના આધારે પોર્ટલમાં અનેક સુધારા કરવામાં આવ્યા છે. IT મોડ્યુલ અને પોર્ટલ સાથે જોડાયેલી નવી યોજનાઓ પર આયોગની મંજૂરી પહેલાં અધિકારીઓની સમિતિ (COO) માં ચર્ચા કરવામાં આવશે.
દિલ્હી અને મહારાષ્ટ્રમાં સમયમર્યાદા વધારાઈ
દિલ્હીમાં દાવા અને વાંધા દાખલ કરવાની છેલ્લી તારીખ 30 ઓક્ટોબર, 2026 સુધી લંબાવવામાં આવી છે, જ્યારે તેના નિકાલની સમયમર્યાદા 30 નવેમ્બર, 2026 કરવામાં આવી છે. તે જ રીતે, મહારાષ્ટ્રમાં પણ દાવા અને વાંધા દાખલ કરવાની સમયમર્યાદા 12 ઓક્ટોબર, 2026 સુધી અને નિકાલની મુદત 10 નવેમ્બર, 2026 સુધી લંબાવવામાં આવી છે.
બિહાર અને પશ્ચિમ બંગાળ સહિત 20 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIR ની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. જે લોકોના નામ મતદાર યાદીમાં છૂટી ગયા હોય, તેઓ સંબંધિત ERO પાસે અરજી કરીને પોતાનું નામ ઉમેરાવી શકે છે. CEO, DEO અને ERO આ માટે ખાસ ઝુંબેશ શરૂ કરશે.
આ પણ વાંચોઃ SIR વિવાદ વચ્ચે NDAના ત્રણ સહયોગીઓએ ચૂંટણી પંચ પાસે સ્પષ્ટતા માગી, વિશ્વાસનો મુદ્દો
CEC સામે વિપક્ષ આક્રમક: મહાભિયોગ લાવવાની તૈયારી
આ બેઠક એવા સમયે યોજાઈ છે જ્યારે તાજેતરમાં જ એક અંગ્રેજી અખબારના અહેવાલ બાદ વિપક્ષ CEC જ્ઞાનેશ કુમાર પર આક્રમક બન્યો છે અને તેમના રાજીનામાની માગ કરી રહ્યો છે. INDIA બ્લોક CEC ને હટાવવા માટે મહાભિયોગ (Impeachment) લાવવાની તૈયારી કરી રહ્યું છે, જેના માટે 30 સપ્ટેમ્બરે એક બેઠક પણ યોજાવાની છે.
અગાઉ માર્ચ 2026માં લોકસભા અને રાજ્યસભામાં સાંસદોની સહીવાળી નોટિસ આપવામાં આવી હતી, જેને એપ્રિલમાં ફગાવી દેવામાં આવી હતી. તાજેતરમાં કોંગ્રેસ, RJD સહિતના વિપક્ષી પક્ષોએ દેશભરમાં વિરોધ પ્રદર્શન કર્યા હતા.
શું છે સમગ્ર વિવાદ?
અંગ્રેજી અખબારના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધૂ અને વિવેક જોશીએ છેલ્લા 10 મહિનામાં ઓછામાં ઓછી 14 વખત એવા નિર્ણયો અને આદેશો સામે સત્તાવાર વાંધો ઉઠાવ્યો હતો જે તેમની જાણ કે ભલામણ વિના જારી કરવામાં આવ્યા હતા. આ વાંધાઓમાં મતદાર નોંધણી ફોર્મ-6 માં ફેરફાર, મતદાર યાદીમાં નામ ઉમેરવા-હટાવવાની પ્રક્રિયા અને ડેટાબેઝ પર સેન્ટ્રલાઈઝ્ડ કંટ્રોલ જેવા મુદ્દાઓ સામેલ હતા.












