ભારત પર હસો નહિ, મુશ્કેલીના દિવસોમાં..ટેરિફ મુદ્દે શ્રીલંકાઈ સાંસદે પોતાની જ સરકારને અરીસો બતાવ્યો

શ્રીલંકા, 11-8-2025: અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ નિર્ણયની વૈશ્વિક સ્તરે ચર્ચા થઈ રહી છે. જોકે, ભારતે અમેરિકાના આ પગલાં સામે ઝૂકવાનો ઇનકાર કરી દીધો છે. ભારતે અમેરિકી ટેરિફ સામે એવો કૂટનીતિક જવાબ આપ્યો છે કે જેની ગૂંજ આખા વિશ્વમાં પહોંચી ગઈ છે.
બ્રાઝિલ, ચીન અને રશિયા સહિત ઘણા દેશો ટ્રમ્પ પ્રશાસનની મનમાનીથી પરેશાન છે. આ દરમિયાન, ભારતના પડોશી દેશ શ્રીલંકામાં પણ ટેરિફને લઈને ચર્ચા ચાલી રહી છે.
શ્રીલંકાના સાંસદે ભારતની મદદ યાદ અપાવી
અમેરિકાએ જ્યારે ભારતીય માલ પર 50 ટકા (50 Percent Tariff on India)નો ભારે ટેરિફ લાદ્યો, ત્યારે શ્રીલંકાના સાંસદ હર્ષા ડી સિલ્વાએ સંસદમાં ભારત-અમેરિકા વચ્ચે વધતા વેપારી તણાવ પર ચર્ચા દરમિયાન વિશ્વને ભારતની દરિયાદિલી યાદ અપાવી. તેમણે કહ્યું, “જ્યારે શ્રીલંકા તેના સૌથી ખરાબ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે ભારત એકમાત્ર દેશ હતો જેણે મદદનો હાથ લંબાવ્યો.”
🇱🇰🇮🇳 Called out the Govt in @ParliamentLK for mocking India’s bold stand against Trump’s trade tariffs. #India, our true ally, stood by us in our toughest times. We should honor their fight, not laugh. India’s courage inspires Asia! #StandWithIndia #SriLanka #TrumpTariffs pic.twitter.com/HUmMf1lht2
— Harsha de Silva (@HarshadeSilvaMP) August 10, 2025
કોલંબોના સાંસદ હર્ષાએ સંસદમાં કહ્યું, “ભારતની મજાક ન ઉડાવો. જ્યારે તેઓ મુશ્કેલીમાં હોય, ત્યારે તેમનું અપમાન ન કરો, કારણ કે જ્યારે આપણે મુશ્કેલીમાં હતા, ત્યારે ફક્ત તેમણે જ આપણો સાથ આપ્યો હતો.”
ડી સિલ્વાએ વધુમાં કહ્યું, “હજુ રમત ખતમ થઈ નથી. અમે કેટલાક લોકોને હસતા જોયા, પરંતુ હસો નહીં. ભારતને આશા હતી કે ટેરિફ 15 ટકા સુધી ઘટશે, અને આપણને પણ આ જ આશા હતી.”
હર્ષા ડી સિલ્વાનું નિવેદન
હર્ષા ડી સિલ્વા, જેઓ શ્રીલંકાની સમગી જન બલવેગય પાર્ટીના વરિષ્ઠ સભ્ય અને ભૂતપૂર્વ આર્થિક સુધાર મંત્રી છે, તેમણે ભારતની તે મદદને યાદ કરી જ્યારે શ્રીલંકા આર્થિક સંકટનો સામનો કરી રહ્યું હતું. તેમણે એક્સ પર પોસ્ટ કરીને લખ્યું, “ભારત આપણો સાચો મિત્ર છે. મુશ્કેલ સમયમાં ભારત આપણી સાથે ઊભું રહ્યું. આપણે તેમની લડાઈનું સન્માન કરવું જોઈએ. ભારતની હિંમત આખા એશિયા માટે ઉદાહરણ છે.”
શ્રીલંકા માટે ભારતની મદદ
ભારતની મદદ ફક્ત તબીબી સામગ્રી સુધી મર્યાદિત નહોતી. ભારતે શ્રીલંકાને લગભગ 5 અબજ ડોલરની ક્રેડિટ લાઇન, અનુદાન અને લોન આપી હતી. આમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા 400 મિલિયન ડોલરનું કરન્સી સ્વેપ, 500 મિલિયન ડોલરની વેપારી દેવાઓને મુલતવી રાખવી, અને ખાદ્યપદાર્થો, ઇંધણ અને દવાઓ જેવી આવશ્યક ચીજવસ્તુઓ માટે 3.1 અબજ ડોલરની ક્રેડિટ સુવિધા શામેલ હતી.
આ ઉપરાંત, ભારતે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ, લોકોમોટિવ અને બસો જેવી મહત્ત્વની વસ્તુઓ પૂરી પાડી અને સેંકડો મિલિયન ડોલરના અનુદાન પ્રોજેક્ટ્સને ભંડોળ પૂરું પાડ્યું. આ પ્રોજેક્ટ્સે શ્રીલંકામાં મૂળભૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવામાં, ડિજિટલ ઓળખ, સૌર ઊર્જા અને પ્લાન્ટેશન કામદારો માટે ઘરો બનાવવામાં મદદ કરી. ભારતે કેટલાક દેવાંને અનુદાનમાં રૂપાંતરિત કર્યા, વ્યાજ દરો ઘટાડ્યા અને રાહતદરે ક્રેડિટ લાઇન આપી, જેનાથી શ્રીલંકાના દેવાનો બોજ હળવો થયો.
આ પણ વાંચો : ‘હર ઘર તિરંગા અભિયાન’: રાષ્ટ્રધ્વજને ક્યાં ઉપયોગમાં ન લેવાય, જાણો રાષ્ટ્રધ્વજ સંહિતા વિશે












