ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ મનપાની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી મામલે કોંગ્રેસમાં કોકડું ગૂંચવાયું, કાર્યકરોમાં નારાજગી

AMC_Elections: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની આગામી ચૂંટણીને લઈને કોંગ્રેસ પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી અંગે મોટી મૂંઝવણ જોવા મળી રહી છે. પાર્ટીએ પ્રથમ તબક્કામાં 48 વોર્ડમાંથી માત્ર 32 વોર્ડ માટે જ 92થી 93 ઉમેદવારોની યાદી જાહેર કરી છે, જ્યારે 15 વોર્ડમાં હજુ સુધી કોઈ ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી નથી.

આ બાકી રહેલા વોર્ડ્સમાં કુબેરનગર, શાહપુર, જોધપુર, નિકોલ, વિરાટનગર, બાપુનગર, સરસપુર, જમાલપુર, વાસણા, સરખેજ, મકતમપુરા અને બહેરામપુરા વોર્ડનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં કોંગ્રેસના કાર્યકરો અને સ્થાનિક નેતાઓમાં અસંતોષ વધી રહ્યો છે, કારણ કે આ વોર્ડ્સને પાર્ટીના મજબૂત ગઢ તરીકે જોવામાં આવે છે અને અહીં વહેલી તકે ઉમેદવારો જાહેર કરવા જોઈએ તેવી માંગણી થઈ રહી છે.

પાર્ટી સૂત્રો અનુસાર, આના સિવાય બાકી રહેતા ઉમેદવારોને ફોન પર જાણ કરવામાં આવી ગઈ છે. બીજી યાદી જાહેર થાય તે પહેલા જ કોંગ્રેસે ટેલિફોનિક રીતે ઉમેદવારોને સૂચિત કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. જોકે, કેટલાક વોર્ડમાં અંતર્ગત રાજકીય ગણિત અને સમાધાન ન થતાં વિલંબ થઈ રહ્યો હોવાના આક્ષેપો પણ સામે આવી રહ્યા છે.

કોંગ્રેસના શહેર પ્રમુખ અને અન્ય નેતાઓએ બહુસ્તરીય પ્રક્રિયા અપનાવીને ઉમેદવારો પસંદ કરવાનો દાવો કર્યો છે, પરંતુ સ્થાનિક કાર્યકરોમાં આ વિલંબને ‘આંતરિક રમત’ તરીકે જોવામાં આવી રહ્યો છે. કેટલાક વોર્ડમાં ભાજપ મજબૂત હોવા છતાં ઉમેદવારો જાહેર કરાયા છે, જ્યારે કોંગ્રેસના જીતી શકાય તેવા વિસ્તારોમાં ખેંચતાણ ચાલુ છે તેવી ફરિયાદો પણ ઊઠી છે.

આ મામલે કોંગ્રેસે હજુ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી, પરંતુ બીજી યાદી જલ્દી જાહેર કરવાની તૈયારીમાં છે. અમદાવાદ મનપાની ચૂંટણીના માહોલમાં આ મૂંઝવણ પાર્ટી માટે પડકારરૂપ સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો: મહેસાણાના દેલા ગામના ગ્રામજનોએ મહાનગરપાલિકા ચૂંટણીનો કર્યો બહિષ્કાર, ઠેર ઠેર લાગ્યા વિરોધના બેનર

Back to top button