મહેસાણાના દેલા ગામના ગ્રામજનોએ મહાનગરપાલિકા ચૂંટણીનો કર્યો બહિષ્કાર, ઠેર ઠેર લાગ્યા વિરોધના બેનર

MMC Controversy: મહેસાણા મહાનગરપાલિકા (MMC)માં આસપાસના ગામોનો સમાવેશ કરવાના મુદ્દે વિવાદ વકર્યો છે. ગામને મનપામાં ભેળવવાથી ખેડૂતો અને પશુપાલકોની આજીવિકા પર સીધો ફટકો પડવાની આશંકા છે. મહેસાણા પૂર્વ વિસ્તારમાં ભારતમાલા પ્રોજેક્ટ, શામળાજી હાઈવે, રિંગ રોડ, 80 મીટર રોડ અને ઔદ્યોગિક ઝોન જેવા વિકાસ કાર્યો માટે ખેતીલાયક જમીન કપાઈ જશે. ટાઉન પ્લાનિંગ (TP) અને ડેવલપમેન્ટ પ્લાન (DP) હેઠળ ગામને ગ્રીન ઝોનમાં મૂકવામાં આવ્યું છે, જેનાથી ખેડૂતો જમીન વિનાના થઈ જશે.
ગામના આગેવાનોએ કહ્યું કે, “જ્યાં સુધી અમારી જમીન બચાવવામાં નહીં આવે અને ગામને મનપામાંથી મુક્ત નહીં કરવામાં આવે ત્યાં સુધી અમે કોઈ ચૂંટણીમાં મતદાન નહીં કરીએ.”
પ્રચાર માટે ગામમાં કોઈએ પ્રવેશ કરવો નહીં
ગ્રામજનોએ ગામના પ્રવેશદ્વારે અને વિવિધ જગ્યાએ મોટા બેનરો લગાવ્યા છે. બેનરમાં સ્પષ્ટ લખ્યું છે કે, “કોઈપણ રાજકીય પક્ષે ચૂંટણી પ્રચાર માટે ગામમાં પ્રવેશ કરવો નહીં. માંગણીઓ પૂરી નહીં થાય તો સમગ્ર ગામ ચૂંટણીનો બહિષ્કાર કરશે.” જો કોઈ નેતા કે કાર્યકર આવશે તો કાળા વાવટા ફરકાવીને વિરોધ કરવામાં આવશે.
અન્ય મુશ્કેલીઓ
છેલ્લા 4-5 મહિનાથી ગ્રામ પંચાયતને તાળા મારી દેવાયા છે. પંચાયતના રેકોર્ડ અંદર જ પડી રહ્યા છે. આનાથી વિદ્યાર્થીઓને સ્કૂલના દાખલા, ખેડૂતોને ખેતીના કાગળો અને વેરા પાવતી જેવી મૂળભૂત સેવાઓ અટકી પડી છે.
હાઈકોર્ટમાં કેસ ચાલુ છે
દેલા ગામ સહિત રામપુરા, શોભાસણ, અંબુવા વગેરે ગામોએ હાઈકોર્ટમાં અરજી કરી છે. કોર્ટનો ચુકાદો આવ્યો નથી તેમ છતાં તંત્રે ગામને મનપામાં સમાવેશ કરી દીધો છે. ગામના આગેવાન કિરણ ચૌધરીએ જણાવ્યું કે આગામી શુક્રવારે કેસની સુનાવણી થવાની શક્યતા છે.
અન્ય ગામોમાં પણ વિરોધ
આ વિરોધ તાવડિયા અને ઉચરપી ગામ પછી ત્રીજો છે. મનપામાં સમાવેશ થયેલા કુલ 24 ગામોમાંથી અનેકમાં આવો જ વિરોધ જોવા મળી રહ્યો છે. આનાથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો વધ્યો છે અને રાજકીય પક્ષોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: રવિવારથી દોડશે સ્પેશિયલ ટ્રેન! ફટાફટ બુકિંગ કરો ટિકિટ, ચૂકી ગયા તો પસ્તાશો












