ગુજરાતટ્રેન્ડિંગ

ચૈતર વસાવા હાઈકોર્ટના શરણે, 7 વર્ષની સજા પર સ્ટેની માંગઃ 5 ઓગસ્ટે જામીન અરજી પર સુનાવણી

Chaitar Vasava: આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ નર્મદા જિલ્લા કોર્ટે ફટકારેલી 7 વર્ષની કેદની સજા સામે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી છે. સાથે જ સજા પર સ્ટે અને જામીન માટે પણ અરજી કરવામાં આવી છે. આ અરજી પર ગુજરાત હાઈકોર્ટ 5 ઓગસ્ટે સુનાવણી કરશે.

ચૈતર વસાવાને ફોરેસ્ટ વિભાગના અધિકારી પર હુમલો, ધમકી આપવી અને હવામાં ફાયરિંગ કરવાના કેસમાં નર્મદા કોર્ટે દોષિત ઠેરવી સાત વર્ષની કેદની સજા સંભળાવી હતી. આ કેસમાં તેમની પત્ની શકુંતલા વસાવા સહિત કુલ 9 આરોપીઓને પણ દોષિત જાહેર કરવામાં આવ્યા હતા.

શું છે સમગ્ર મામલો?

આ કેસ ઓક્ટોબર 2023 દરમિયાન નોંધાયો હતો. આરોપ મુજબ જંગલ વિસ્તારમાં થયેલા જમીન વિવાદ બાદ ગ્રામજનોએ વળતરની માંગ માટે ચૈતર વસાવાનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. બાદમાં વન વિભાગના અધિકારીઓની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધ્યો હતો.

ફરિયાદ મુજબ ચૈતર વસાવાએ ફોરેસ્ટ અધિકારીઓને ધમકી આપી, વળતર માટે દબાણ કર્યું, ગાળો આપી અને પોતાના ઘરમાંથી રિવોલ્વર મંગાવી હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. તેમજ વનકર્મીઓ પર હુમલો કરીને તેમની પાસેથી એટીએમ મારફતે રૂપિયા ઉપડાવી ખેડૂતને ચૂકવવામાં આવ્યા હોવાનો પણ આરોપ છે.

આ કેસમાં પોલીસે IPCની વિવિધ કલમો તેમજ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. ટ્રાયલ પૂર્ણ થયા બાદ નર્મદા કોર્ટે ચૈતર વસાવા સહિત નવેય આરોપીઓને સાત વર્ષની સજા ફટકારી હતી.

હાઈકોર્ટમાં શું માંગણી?

ચૈતર વસાવાએ ગુજરાત હાઈકોર્ટમાં સજા સામે અપીલ, જામીન તેમજ ટ્રાયલ કોર્ટના ચુકાદા પર સ્ટેની માંગ સાથે અરજી દાખલ કરી છે. આ અરજી પર 5 ઓગસ્ટે સુનાવણી હાથ ધરાશે.

ઉલ્લેખનીય છે કે આ જ કેસમાં અગાઉ ગુજરાત હાઈકોર્ટે શકુંતલા વસાવા સહિત પાંચ આરોપીઓને જામીન આપ્યા હતા. કોર્ટે નોંધ્યું હતું કે તેઓ મુખ્ય આરોપી નહોતા અને તેમના દ્વારા કોઈને ઇજા પહોંચાડવામાં આવી હોવાના પુરતા પુરાવા સામે આવ્યા નહોતા.

હવે તમામની નજર 5 ઓગસ્ટે ગુજરાત હાઈકોર્ટમાં થનારી સુનાવણી પર છે, જેમાં ચૈતર વસાવાને રાહત મળે છે કે નહીં તે અંગેનો મહત્વપૂર્ણ નિર્ણય આવી શકે છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં હવે QR કોડ અને ફોટોવાળું લગ્ન સર્ટિફિકેટ: ગુજરાતનું પ્રથમ ડિજિટલ સર્ટિફિકેટ એનાયત
Back to top button