સવાલ કંઈક, જવાબ કંઈક, બજેટ પર નાણામંત્રીનું રિએક્શન સોશિયલ મીડિયા પર વાયરલ

ગઈકાલે, 1 ફેબ્રુઆરીના રોજ બજેટ 2026 રજૂ થયા બાદ, એક તરફ સરકાર પોતાની જાહેરાતોને મોટી સિદ્ધિઓ તરીકે રજૂ કરી રહી છે, ત્યારે બીજી તરફ મધ્યમ વર્ગ ફરી એકવાર પોતાને અવગણાયેલો અનુભવી રહ્યો છે. આ વચ્ચે, બજેટ અંગેની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણને સીધો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે બજેટ 2026માં મધ્યમ વર્ગ માટે શું ખાસ છે. જોકે તેમના જવાબ કરતાં તેમની પ્રતિક્રિયા વધુ ચર્ચાનો વિષય બની ગઈ. આ પ્રતિક્રિયાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને લોકો તેમાં ઉત્સાહપૂર્વક અને વિવિધ રીતે પ્રતિભાવ આપી રહ્યા છે.
સવાલ કંઈક, જવાબ કંઈક…રિએક્શન થયું વાયરલ
બજેટ 2026 રજૂ થયા બાદ નાણાં મંત્રાલય દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં નાણામંત્રીને બજેટને લઈને વિવિધ પ્રશ્નો પૂછવામાં આવ્યા. આ દરમિયાન એક પત્રકારે સીધો સવાલ કર્યો કે બજેટ 2026માં મધ્યમ વર્ગ માટે શું ખાસ છે. પરંતુ આ સવાલના જવાબમાં નાણામંત્રીનો જવાબ સ્પષ્ટ લાગ્યો નહોતો. વાયરલ થઈ રહેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સવાલ મધ્યમ વર્ગને લઈને હતો, જ્યારે જવાબમાં નાણામંત્રી શિક્ષણ ક્ષેત્રની વાત કરવા લાગ્યા. આ સાથે જ તેમનો હાવભાવ (એક્સપ્રેશન) પણ લોકોનું ધ્યાન ખેંચતો રહ્યો. આ કારણે નાણામંત્રીનો જવાબ અને તેમનુ રિએક્શન સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયુ અને લોકો તેને લઈને તીખી પ્રતિક્રિયાઓ આપવા લાગ્યા.
વીડિયો પર યુઝર્સના કોમેન્ટ્સ
શેર કરવામાં આવેલા આ વીડિયોએ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી છે. વીડિયોને લઈને યુઝર્સે જોરદાર કોમેન્ટ્સ કર્યા છે. અનેક લોકોએ કહ્યું કે સવાલ કંઈક હતો, પરંતુ જવાબ સંપૂર્ણપણે અલગ દિશામાં ચાલ્યો ગયો. સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સે તો નાણામંત્રીની તુલના અન્ય દેશોના નેતાઓ સાથે પણ કરી છે. નાણામંત્રીના આ વીડિયોને લઈને એક કોમેન્ટમાં લખાયું હતું, “શું પૂછવામાં આવી રહ્યું છે અને શું જવાબ આપવામાં આવી રહ્યો છે.”
તો બીજી તરફ, કેટલાક યુઝર્સે કહ્યું કે હવે મધ્યમ વર્ગ પાસેથી માત્ર એડજસ્ટ થવાની જ અપેક્ષા રાખવામાં આવી રહી છે. કેટલાક લોકોએ તો સરકારના ઇરાદા પર સીધા પ્રશ્નો ઉઠાવ્યા. એક યુઝરે લખ્યું, “લાગે છે કે હવે મધ્યમ વર્ગના મતની જરૂર નથી, એટલે આવો રિએક્શન જોવા મળી રહ્યો છે.”
આ પણ વાંચો: મહારાષ્ટ્રના માલેગાંવમાં ભાજપ અને કોંગ્રેસનું ગઠબંધન થયું, ઈસ્લામ પાર્ટીને રોકવા હાથ મિલાવ્યો












