Ahmedabad Weather: 40 કિમીની ઝડપે ફૂંકાયેલા વાવાઝોડા સાથે માવઠું, જનજીવન અસ્તવ્યસ્ત

Gujarat Rain News: ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી આખરે સાચી ઠરી છે. રાજ્યમાં ૧૮ થી ૨૧ માર્ચ દરમિયાન કમોસમી વરસાદની જે શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી, તેની અસર આજે અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં જોવા મળી છે. અમદાવાદ શહેરમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને જોતજોતામાં કાળઝાળ ગરમી વચ્ચે ધૂળની ડમરીઓ સાથે મિની વાવાઝોડું ફૂંકાયું હતું. અંદાજે ૪૦ કિમીની ઝડપે ફૂંકાયેલા તેજ પવન અને ત્યારબાદ પડેલા વરસાદી ઝાપટાને કારણે સમગ્ર શહેરનું જનજીવન ખોરવાયું હતું.
ભારે પવન અને ધૂળની આંધી: વાહનચાલકો મુકાયા મુશ્કેલીમાં
સમી સાંજે જ્યારે લોકો ઓફિસેથી ઘરે જઈ રહ્યા હતા, ત્યારે જ અચાનક આવેલા આ વાવાઝોડાએ શહેરને બાનમાં લીધું હતું. એસ.જી. હાઈવે, સિંધુભવન રોડ, સેટેલાઈટ, બોપલ, પ્રહલાદનગર અને મકરબા જેવા વ્યસ્ત વિસ્તારોમાં ધૂળની ડમરીઓને કારણે વિઝિબિલિટી ઓછી થઈ ગઈ હતી, જેના લીધે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અનેક વિસ્તારોમાં ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ ઉપરાંત મકરબા, વેજલપુર, સરખેજ, સનાથલ અને શાંતિપુરા સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક તો પ્રસરી, પરંતુ કમોસમી વરસાદે લોકોની ચિંતામાં વધારો કર્યો છે.
શહેરમાં ૧૬ તોતિંગ વૃક્ષો ધરાશાયી: ઉત્તર-પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ અસર
વાવાઝોડાની તીવ્રતા એટલી વધુ હતી કે શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ ૧૬ જેટલા તોતિંગ વૃક્ષો ધરાશાયી થયાના બનાવો નોંધાયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના આંકડા મુજબ, સૌથી વધુ નુકસાન ઉત્તર-પશ્ચિમ ઝોનમાં થયું છે. ગોદરેજ ગાર્ડન સિટી, ટાઈમ સ્ક્વેર ચાર રસ્તા અને ઝાયડસ રોડ જેવા વિસ્તારોમાં જ ૯ વૃક્ષો જમીનદોસ્ત થયા હતા. આ ઉપરાંત મધ્ય અને પશ્ચિમ ઝોનમાં પણ વૃક્ષો પડવાને કારણે રસ્તાઓ બ્લોક થયા હતા. જોકે, કોર્પોરેશનની ગાર્ડન વિભાગની ટીમોએ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી તમામ સ્થળોએથી અવરોધો દૂર કરી રસ્તાઓ ખુલ્લા કર્યા હતા.
સરી ગામે મોટી હોનારત ટળી: હાઈવોલ્ટેજ વીજ લાઈન પર ફસાયો મંડપ
બાવળા-સરખેજ હાઈવે પર આવેલા સરી ગામ પાસે આજે કુદરતી આફત વચ્ચે ટેકનોલોજીનો ચમત્કાર જોવા મળ્યો હતો. સરી ગામે આવેલા ઉગતા પોરના મેલડી માતાજીના મંદિરે ચૈત્રી નવરાત્રી નિમિત્તે ભક્તો માટે વિશાળ મંડપ બાંધવામાં આવ્યો હતો. વાવાઝોડા દરમિયાન આ મંડપ ઉખડીને સીધો ૧૧ KVની હાઈવોલ્ટેજ ફીડર લાઈન પર જઈને ચોંટ્યો હતો. સામાન્ય રીતે આવી ઘટનામાં ભયંકર બ્લાસ્ટ કે કરંટ ઉતરવાની શક્યતા રહે છે, પરંતુ આ લાઈન આધુનિક અને ઇન્સ્યુલેટેડ હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી. વીજ કંપનીની સતર્કતા અને નવી લાઈનને કારણે આજે સેંકડો ભક્તોના જીવ બચ્યા હતા.
સાત જિલ્લામાં ‘રેડ એલર્ટ’: હવામાન વિભાગની ગંભીર ચેતવણી
હવામાન વિભાગે આજે સાંજે ૭ વાગ્યે જાહેર કરેલા ‘નાઉકાસ્ટ’ મુજબ, સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લામાં ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં હજુ પણ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની પ્રબળ શક્યતા છે. અમદાવાદ ગ્રામ્યના બાવળામાં પણ મેળામાં નુકસાન થયું હોવાના અહેવાલ છે. તંત્ર દ્વારા ખેડૂતોને પાક સુરક્ષિત રાખવા અને નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આ પણ વાંચો: મોરબીમાં મિની વાવાઝોડાનો આતંક: આલાપ રોડ પર ચાલુ કથામાં વિશાળ મંડપ ધરાશાયી












