ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

12 જિલ્લામાં વરસાદની ઘટ, છતાં ગુજરાતના 4 જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર, ખેડૂતોને હેક્ટરદીઠ ₹8,500ની સહાય

Gujarat Drought Relief: ગુજરાતમાં આ વર્ષે વરસાદની અછતને કારણે ખેડૂતો અને પશુપાલકોની મુશ્કેલીઓ વધી છે. ત્યારે રાજ્ય સરકારે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર અને કચ્છ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચસ્તરીય બેઠક બાદ અસરગ્રસ્ત ખેડૂતોને મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર ₹8,500ની સહાય આપવાની જાહેરાત કરી છે. જોકે, વર્ષ 2025માં અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાન માટે સરકારે પ્રતિ હેક્ટર ₹22,000ની સહાય જાહેર કરી હતી. તેની સરખામણીએ આ વખતની સહાયમાં પ્રતિ હેક્ટર ₹13,500નો તફાવત છે.

12 જિલ્લામાં વરસાદની અછત છતાં ચાર જિલ્લા જ દુષ્કાળગ્રસ્ત

ગુજરાતમાં ચોમાસા દરમિયાન વરસાદનું વિતરણ અસમાન રહ્યું હતું. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની ઘટ જોવા મળી હતી. અગાઉના હવામાન વિભાગના અહેવાલ મુજબ 12 જિલ્લાઓમાં સામાન્ય કરતાં 20થી 59 ટકા ઓછો વરસાદ નોંધાયો હતો. જોકે રાજ્ય સરકારે હાલ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર અને કચ્છને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જણાવ્યા અનુસાર સમગ્ર ગુજરાતમાં આ વર્ષે સરેરાશ લગભગ 89 ટકા વરસાદ નોંધાયો છે. કેન્દ્ર સરકારની દુષ્કાળ વ્યવસ્થાપન માર્ગદર્શિકા-2016 મુજબ જરૂરી મૂલ્યાંકન કર્યા બાદ અસરગ્રસ્ત વિસ્તારો માટે રાહતનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગયા વર્ષે ₹22 હજાર, આ વખતે માત્ર ₹8,500ની સહાય

ગત વર્ષે નવેમ્બર 2025માં કમોસમી વરસાદથી પાકને ભારે નુકસાન થતાં રાજ્ય સરકારે ₹10,000 કરોડના કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી હતી. તે સમયે પિયત અને બિનપિયત બંને પ્રકારના પાક માટે મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર ₹22,000ની સહાય નક્કી કરાઈ હતી. બીજી તરફ આ વર્ષે ઓછા વરસાદથી પાકને થયેલા નુકસાન માટે પ્રતિ હેક્ટર ₹8,500ની સહાય જાહેર કરવામાં આવી છે. એટલે કે બે હેક્ટર જમીન ધરાવતા પાત્ર ખેડૂતને વધુમાં વધુ ₹17,000 મળી શકશે. જ્યારે ગયા વર્ષના પેકેજમાં આ મર્યાદા ₹44,000 હતી. જોકે બંને પેકેજ અલગ પ્રકારની કુદરતી આપત્તિઓ અને રાહતના ધોરણો હેઠળ જાહેર કરવામાં આવ્યાં છે.

પશુપાલકોને ₹2 પ્રતિ કિલોના ભાવે ઘાસચારો

ઓછા વરસાદને કારણે પશુઓ માટે ઘાસચારાની અછત ઊભી થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને સરકારે રાહત દરે ઘાસચારો ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા કરી છે. આપવામાં આવેલી માહિતી મુજબ અત્યાર સુધીમાં 1.21 કરોડ કિલોગ્રામ ઘાસચારાનું વિતરણ કરવામાં આવ્યું છે. પશુપાલકોને ₹2 પ્રતિ કિલોના ભાવે ઘાસચારો આપવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકાર પાસે હાલમાં આશરે 3 કરોડ કિલોગ્રામ ઘાસચારાનો જથ્થો ઉપલબ્ધ હોવાનું જણાવાયું છે. જરૂરિયાત ઊભી થાય તો વધારાનો જથ્થો પૂરો પાડવાની પણ તૈયારી રાખવામાં આવી છે.

દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં બે મહિના સુધી રાહત

દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયેલા વિસ્તારોમાં પશુઓ માટે આગામી બે મહિના સુધી રાહતલક્ષી વ્યવસ્થા અમલમાં રાખવામાં આવશે. ત્યાર બાદ પણ પરિસ્થિતિ ગંભીર રહેશે તો સરકાર ફરી સમીક્ષા કરીને સહાય ચાલુ રાખવા અંગે નિર્ણય લેશે.

ગ્રામીણ પરિવારોને 150 દિવસની રોજગારી

દુષ્કાળની અસર માત્ર ખેતી પૂરતી મર્યાદિત ન રહેતાં ખેતમજૂરો અને ગ્રામીણ પરિવારોની આવક પર પણ પડી શકે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે અસરગ્રસ્ત વિસ્તારોમાં 150 માનવદિવસની રોજગારી પૂરી પાડવાનો નિર્ણય જાહેર કર્યો છે. આ પગલાથી રોજગારીની તકો ઊભી કરવા અને ગ્રામીણ પરિવારોને આર્થિક ટેકો આપવાનો પ્રયાસ કરવામાં આવશે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

આઠ વર્ષ બાદ ગુજરાતમાં ફરી દુષ્કાળની સ્થિતિ

ગુજરાતમાં અગાઉ વર્ષ 2018માં 11 જિલ્લાના 51 તાલુકાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હતા. તે સમયે ખેડૂતોને મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર ₹6,800ની સહાયની જાહેરાત કરાઈ હતી. પશુપાલકોને સસ્તા દરે ઘાસચારો, પશુ શિબિરો માટે સહાય અને ગ્રામીણ રોજગારી વધારવા જેવા પગલાં પણ લેવામાં આવ્યા હતા. હવે વર્ષ 2026માં ફરી ચાર જિલ્લાઓ માટે દુષ્કાળ રાહતની જાહેરાત થઈ છે. જોકે, વરસાદની અછતનો સામનો કરી રહેલા અન્ય વિસ્તારો અંગે સરકાર આગામી સમયમાં શું નિર્ણય લે છે તેના પર પણ ખેડૂતોની નજર રહેશે.

આ પણ વાંચોઃ શેરબજારમાં આ વીકમાં ધમાલઃ 5 કંપનીઓ લાવશે ₹2,600 કરોડના IPO
Back to top button