સૌરાષ્ટ્રના માલધારીઓ સંકટમાં! અપૂરતા વરસાદને પગલે રાહત પેકેજ જાહેર કરવા માંગ

Gujarat News : સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ચાલુ વર્ષે ઓછો વરસાદ નોંધાવાને કારણે પાણી અને ઘાસચારાની ગંભીર સમસ્યા ઊભી થઈ છે, જેથી માલધારી અને પશુપાલકોની હાલત અત્યંત કફોડી બની ગઈ છે. આ દરમિયાન પશુધનને બચાવવા માટે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે વિશેષ આર્થિક રાહત પેકેજ જાહેર કરવા માલધારી સમાજ દ્વારા માગ કરવામાં આવી છે.
ઊંચા ભાવના કારણે ઘાસચારો ખરીદવો મુશ્કેલ
નોંધનિય છે કે, રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ઓછા વરસાદના કારણે ઘાસ અને પાણી ખૂટી ગયા છે. ત્યારે માર્કેટમાં ઘાસચારાના ભાવ ખૂબ જ ઊંચા હોવાથી દૈનિક કમાણી કરતા અને પશુપાલન પર નિર્ભર રહેતા પરિવારો માટે પોતાના મૂગા પશુઓનું ભરણપોષણ કરવું અશક્ય બન્યું છે. પરિસ્થિતિ એટલી વણસી છે કે, પશુધનને જીવિત રાખવા કેટલાક માલધારીઓને પોતાના ઘરબાર છોડીને પશુઓ સાથે અન્યત્ર સ્થળાંતર કરવાની ફરજ પડી રહી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
માલધારી સમાજ અને પશુપાલકોની માંગ
આ દરમિયાન માલધારી સમાજ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ કેટલીક માંગ કરવામાં આવી છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા પશુપાલકો અને માલધારીઓ માટે ત્વરિત વિશેષ આર્થિક રાહત પેકેજ જાહેર કરવામાં આવે. મહાનગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત દ્વારા જરૂરિયાતમંદ પશુપાલકોને રાહત દરે પૂરતા પ્રમાણમાં ઘાસચારો ઉપલબ્ધ કરાવવામાં આવે. અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક ધોરણે કેટલ કેમ્પ શરૂ કરીને પશુઓ માટે ઘાસચારો, પીવાનું પાણી અને પશુચિકિત્સાની સુવિધાઓ પૂરી પાડવામાં આવે. પશુઓ માટે પાણીની તંગી ધરાવતા ગામડાઓમાં ટેન્કર સુવિધા સહિતની અન્ય વૈકલ્પિક વ્યવસ્થાઓ ગોઠવવામાં આવે. વગેરે માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત આ માલધારી સમાજની માંગ સ્વીકારવામાં ન આવી તો પશુપાલકોએ ચીમકી ઉચ્ચારી છે કે. જો વહેલી તકે તંત્ર દ્વારા નક્કર પગલાં નહીં ભરવામાં આવે તો પશુધન વગર માલધારીઓનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ જશે.
આ પણ વાંચો : ગુજરાતમાં ઉનાળા જેવી ગરમી યથાવત્, અમદાવાદમાં આજે તાપમાન 37 ડિગ્રીએ પહોંચશે












