ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

અમદાવાદના સોલામાં મોટી દુર્ઘટના! AMCના ડ્રેનેજ સ્ટેશનમાં શ્રમિકો ખાબક્યા, રેસ્ક્યૂ ચાલુ

Ahmedabad: શહેરના સોલા વિસ્તારમાં આવેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) ખાતે એક હૃદયદ્રાવક અને ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનની અંદર વેલ્ડિંગની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન અચાનક ઝેરી ગેસનું ગળતર થતાં ગૂંગળામણના કારણે 4 કર્મચારીઓ બેભાન થઈને સીધા ઊંડા ડ્રેનેજના પાણીમાં ખાબક્યા હતા. આ દુર્ઘટનામાં 2 શ્રમિકોના સારવાર પૂર્વે જ કરુણ મોત નીપજ્યા છે, જ્યારે 1 વ્યક્તિને ગંભીર હાલતમાં સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રખાયો છે. ઊંડા પાણીમાં લાપતા બનેલા ચોથા શ્રમિકને બહાર કાઢવા માટે બચાવ ટીમો દ્વારા સતત શોધખોળ ચલાવવામાં આવી રહી છે.

વેલ્ડિંગ કામગીરી વખતે અચાનક ઝેરી ગેસ લીક થયો

મળતી પ્રાથમિક વિગતો અનુસાર, એચએનબી (HNB) એજન્સી હેઠળ કાર્યરત 4 કર્મચારીઓ સોલા STP પ્લાન્ટના ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનમાં મેન્ટેનન્સ અને વેલ્ડિંગનું કામ કરી રહ્યા હતા. આ કામગીરી દરમિયાન અચાનક ડ્રેનેજમાંથી અતિ ઝેરી ગેસનું ગળતર શરૂ થતાં કર્મચારીઓ ગૂંગળાઈ ગયા હતા અને ક્ષણભરમાં બેભાન થઈને ઊંડા પાણીમાં પડી ગયા હતા. ભોગ બનનારાઓમાં સાઈટ ઇન્ચાર્જ મનોજ, વેલ્ડિંગ વર્કર અભિષેક, પ્રોજેક્ટ મેનેજર (PM) રૂપેશ તેમજ ગાડી ડ્રાઈવર નિલેશનો સમાવેશ થાય છે.

ફાયર બ્રિગેડનું સઘન રેસ્ક્યૂ: બે લોકોના મોત, એક લાપતા

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને ઇમરજન્સી રેસ્ક્યૂ ટીમો તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવી હતી. બચાવ ટીમે ભારે જહેમત બાદ પાણીમાંથી ત્રણ કર્મચારીઓને બેભાન અવસ્થામાં બહાર કાઢ્યા હતા. તબીબોએ ચકાસણી બાદ તેમાંથી બે કર્મચારીઓને મૃત જાહેર કર્યા હતા, જ્યારે એક કર્મચારીની હાલત અત્યંત નાજુક હોવાથી તેને તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલના આઈસીયુમાં ખસેડવામાં આવ્યો છે. પમ્પિંગ સ્ટેશનના ઊંડા કૂવામાં ગરકાવ થઈ ગયેલા ચોથા શ્રમિકને શોધવા માટે ઓક્સિજન સિલિન્ડર અને વિશેષ સાધનો સાથે સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે.

આ પણ વાંચો:એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં ટીમ ઈન્ડિયાને ઝટકો, મનપ્રીત સિંહ બહાર; આ ખેલાડીને તક!

સેફ્ટી પ્રોટોકોલ અને બેદરકારી સામે ગંભીર સવાલો

સુએજ પ્લાન્ટ્સમાં ઝેરી ગેસ (જેમ કે મિથેન અને હાઇડ્રોજન સલ્ફાઇડ)નું જોખમ હોવા છતાં કર્મચારીઓ પાસે પૂરતા સેફ્ટી ગિયર્સ, ગેસ ડિટેક્ટર કે ઓક્સિજન માસ્ક હતા કે નહીં તે અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. તંત્ર દ્વારા ઘટનાની તપાસના આદેશ આપી એજન્સીની બેદરકારી સામે કડક કાનૂની પગલાં લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો:Ahmedabad: દારૂના નશામાં બિલ્ડરનો આતંક, CCTV ઢાંકી 30 મિનિટ સુધી શ્રમિકોને માર માર્યો
Back to top button