અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદમાં ગરમી છતાં જળવિસ્તાર વધ્યોઃ 12 વર્ષના સેટેલાઇટ અભ્યાસના ચોંકાવનારા આંકડા

Ahmedabad Water Bodies: અમદાવાદમાં વધતી ગરમી અને સતત વિસ્તરી રહેલા શહેરીકરણ વચ્ચે શહેરના જળસ્રોતોને લઈને આશ્ચર્યજનક માહિતી સામે આવી છે. સામાન્ય રીતે ઊંચા તાપમાન અને શહેરી વિકાસને કારણે તળાવો તથા અન્ય જળાશયોનો વિસ્તાર ઘટતો હોય છે, પરંતુ અમદાવાદમાં વર્ષ 2013થી 2024 દરમિયાન કરવામાં આવેલા ઉપગ્રહ આધારિત અભ્યાસમાં સપાટી પરના પાણીના વિસ્તારમાં ધીમો છતાં આંકડાકીય રીતે નોંધપાત્ર વધારો નોંધાયો છે. સંશોધકોએ આ બદલાવ પાછળ ઋતુ, તાપમાન અને જળસંગ્રહની સ્થિતિ સહિતનાં પરિબળોનું વિશ્લેષણ કર્યું છે.

2013ની સરખામણીએ 2023માં જળવિસ્તાર વધ્યો

અભ્યાસમાં દર્શાવાયેલા આંકડા મુજબ વર્ષ 2013માં અમદાવાદનો સપાટી પરનો જળવિસ્તાર 673થી 828 હેક્ટરની શ્રેણીમાં નોંધાયો હતો. વર્ષ 2018માં તે 641થી 917 હેક્ટરની શ્રેણીમાં રહ્યો હતો. ત્યાર બાદ વર્ષ 2023માં જળવિસ્તાર વધીને 715થી 1,104 હેક્ટર સુધી પહોંચ્યો હતો. સંશોધકોના મતે શહેરના જળવિસ્તારમાં લાંબા ગાળે સામાન્ય વધારો જોવા મળ્યો છે.

આ અભ્યાસ માટે વર્ષ 2013થી 2024 સુધીની લેન્ડસેટ-8 ઉપગ્રહની 144 માસિક તસવીરોનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. ઉપગ્રહની તસવીરો, મશીન લર્નિંગ અને સ્થાનિક હવામાનના આંકડાઓની મદદથી શહેરના જળાશયોમાં થતા ફેરફારોનું મૂલ્યાંકન કરાયું હતું.

ઉનાળામાં જળવિસ્તાર ઘટીને 561 હેક્ટર સુધી પહોંચે છે

અમદાવાદમાં ઉનાળાની ઋતુ દરમિયાન તાપમાન ઊંચું રહેતાં પાણીનું બાષ્પીભવન વધે છે. અભ્યાસ મુજબ માર્ચથી જૂન દરમિયાન સરેરાશ તાપમાન 31.4 ડિગ્રી સેલ્સિયસ રહે છે. આ સમયગાળામાં તળાવો અને નદીના પાણીનો વિસ્તાર સંકોચાઈને 561થી 668 હેક્ટરની શ્રેણીમાં નોંધાયો હતો. ઉનાળામાં તળાવોનું પાણી ઘટવું અને નાના જળાશયો સુકાવા જેવી સ્થિતિ જોવા મળે છે. ખાસ કરીને ઓછા ઊંડાણવાળા જળાશયો પર ગરમીની અસર વધુ થઈ શકે છે.

ચોમાસામાં જળાશયો ફરી ભરાય છે

જુલાઈથી ઓક્ટોબર દરમિયાન વરસાદને કારણે અમદાવાદના જળવિસ્તારમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળે છે. ચોમાસામાં સૂકાયેલા તળાવો ફરી પાણીથી ભરાય છે અને સાબરમતી નદી સહિતના જળસ્રોતોમાં પાણીનો વિસ્તાર વધે છે. અભ્યાસ મુજબ ચોમાસામાં શહેરનો જળવિસ્તાર 870થી 1,222 હેક્ટરની શ્રેણીમાં રહે છે. જ્યારે નવેમ્બરથી ફેબ્રુઆરીના શિયાળાના સમયગાળામાં આ વિસ્તાર 819થી 1,471 હેક્ટર સુધી નોંધાયો છે. શિયાળામાં બાષ્પીભવન ઓછું થતું હોવાથી ચોમાસામાં સંગ્રહાયેલું પાણી લાંબા સમય સુધી ટકી રહે છે.

સાબરમતી, કાંકરિયા અને વાસણા બેરેજમાં પાણી જળવાયું

સેટેલાઇટ અભ્યાસમાં સાબરમતી નદી, કાંકરિયા તળાવ અને વાસણા બેરેજમાં પાણીનો વિસ્તાર લાંબા સમય સુધી જળવાયેલો હોવાનું સામે આવ્યું છે. આ જળસ્રોતો ટૂંકા ગાળાની ગરમી અને ઓછા વરસાદની સ્થિતિ સામે પ્રમાણમાં સ્થિર રહ્યા હતા. જોકે અમદાવાદના દક્ષિણ અને પશ્ચિમ વિસ્તારમાં આવેલા નાના તળાવો અને જળસંગ્રહનાં સ્થળોમાં વધુ વધઘટ જોવા મળી હતી. કેટલાક નાના જળાશયો ચોમાસામાં પાણીથી ભરાય છે, પરંતુ ઉનાળાની શરૂઆત સાથે ફરી સંકોચાઈ જાય છે.

મશીન લર્નિંગથી આગાહીની ભૂલમાં 85 ટકાનો ઘટાડો

અભ્યાસમાં ઉપગ્રહની તસવીરો અને સ્થાનિક હવામાનના આંકડાઓને મશીન લર્નિંગ મોડલ સાથે જોડીને વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. સંશોધકોના જણાવ્યા મુજબ માત્ર હવામાન આધારિત પરંપરાગત મોડલની સરખામણીએ આ પદ્ધતિથી આગાહીની ભૂલમાં 85 ટકાનો ઘટાડો નોંધાયો હતો. અભ્યાસનું એક મહત્ત્વનું તારણ એ પણ છે કે તાપમાન જળવિસ્તારના ફેરફારો પર અસર કરતું પરિબળ છે, જ્યારે લાંબા ગાળાના જળવિસ્તારના ફેરફારો પર વરસાદની અસર પ્રમાણમાં મર્યાદિત જોવા મળી હતી.

શહેરમાં વરસાદી પાણીનો સંગ્રહ વધારવાની જરૂર

અમદાવાદમાં સપાટી પરના પાણીના વિસ્તારમાં વધારો નોંધાયો હોવા છતાં જળસ્રોતોના યોગ્ય સંચાલનની જરૂરિયાત યથાવત્ છે. નિષ્ણાતોના મતે ચોમાસામાં મળતા પાણીનો અસરકારક સંગ્રહ કરીને ભૂગર્ભજળના પુનઃભરણને પ્રોત્સાહન આપી શકાય છે. આ માટે તળાવોમાંથી કાંપ દૂર કરવો, વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાને જળાશયો સાથે જોડવી, ઈમારતોમાં રેઇનવોટર હાર્વેસ્ટિંગની સુવિધા વિકસાવવી અને કુદરતી જળવહેણના માર્ગોનું રક્ષણ કરવું જરૂરી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

ગાંધીનગરની PDEUના સંશોધકોએ કર્યો અભ્યાસ

આ સંશોધન ગાંધીનગરની પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટીના ગણિત વિભાગના શ્રીકાંત વર્શ્ને અને સિવિલ એન્જિનિયરિંગ વિભાગના અંકિત દેશમુખ દ્વારા કરવામાં આવ્યું છે. આ સંશોધન પેપર ઓક્ટોબર 2026માં EarthArXiv પર પ્રીપ્રિન્ટ તરીકે પ્રકાશિત થયું છે. સંશોધનમાં ઉપગ્રહની તસવીરો અને મશીન લર્નિંગની મદદથી અમદાવાદના જળાશયોમાં 12 વર્ષ દરમિયાન આવેલા ફેરફારોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. અભ્યાસના તારણો દર્શાવે છે કે અમદાવાદમાં ગરમી અને શહેરીકરણના પડકારો વચ્ચે પણ જળવિસ્તારમાં વધારો નોંધાયો છે. જોકે લાંબા ગાળે પાણીની ઉપલબ્ધતા જાળવી રાખવા માટે તળાવોનું સંરક્ષણ અને વરસાદી પાણીનો યોગ્ય સંગ્રહ અત્યંત મહત્ત્વનો રહેશે.

આ પણ વાંચોઃ 12 જિલ્લામાં વરસાદની ઘટ, છતાં ગુજરાતના 4 જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર, ખેડૂતોને હેક્ટરદીઠ ₹8,500ની સહાય
Back to top button