ફેક ન્યૂઝ અને નફરત સામે રશ્મિકા-વિજયનો એક્શન, ટ્રોલર્સ સામે નોંધાવી ફરિયાદ!
Rashmika and Vijay: ભારતીય સિનેમાની લોકપ્રિય જોડી વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ફેલાતી નફરત અને ટ્રોલિંગનો સામનો કરી રહ્યાં છે. ફેબ્રુઆરી 2026માં લગ્નગ્રંથિથી જોડાયેલા આ કપલને તાજેતરમાં કરણ જોહરના લોકપ્રિય શો ‘કોફી વિથ કરણ’ની નવમી સીઝનમાં જોવા મળ્યાં હતાં. આ શોમાં વિજયે રશ્મિકા માટે પ્રેમભરી વાત કરી હતી, જેને આધારે કેટલાક ટ્રોલર્સે બંને વિશે અભદ્ર ટિપ્પણીઓ કરવાનું શરૂ કર્યું હતું.
21 ઑક્ટોબરે શોનું પ્રસારણ થયા બાદ કેટલાક સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ દ્વારા આ કપલ વિશે ખોટા અને મનઘડંત સમાચાર ફેલાવવામાં આવ્યા હોવાનો અહેવાલ છે. આ અફવાઓમાં બંને અલગ થઈ રહ્યાં હોવાના દાવા પણ કરવામાં આવ્યા હતા. હવે વિજય અને રશ્મિકાની ટીમે આ મામલે કાનૂની પગલું ભર્યું છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
શરૂઆતમાં કપલે આ અફવાઓને અવગણી હતી, પરંતુ બાદમાં રશ્મિકાએ આ પ્રકારની ટિપ્પણીઓને
‘ગુસ્સે ભરાયેલા ટોળા’ની માનસિકતા ગણાવી હતી. પોતાના પતિ વિશેની ટિપ્પણીઓનો જવાબ આપતાં તેણે કહ્યું, “હા, હું મારા પતિને લઈને સંપૂર્ણપણે ઓબ્સેસ્ડ છું.”
બીજી તરફ, વિજય દેવરકોંડાએ પણ આ વિવાદ પર પ્રતિક્રિયા આપતાં પોતાના સંબંધની મજબૂતી વ્યક્ત કરી હતી. તેણે કહ્યું, “આ દુનિયા સામે હું અને તે એકસાથે છીએ.”
‘વિરોષ ટીમ’ દ્વારા સાયબર ક્રાઇમમાં ફરિયાદ
આ મામલે હવે કાનૂની કાર્યવાહી શરૂ કરવાની દિશામાં પગલું ભરવામાં આવ્યું છે. વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાની ટીમે ઑનલાઇન હેરાનગતિ કરનારા લોકો વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. અહેવાલ મુજબ, બંને કલાકારોના મેનેજર પી. નિશાંત કુમારે હૈદરાબાદ, તેલંગાણાના સાયબરાબાદ પોલીસના ડેપ્યુટી કમિશનરને ફરિયાદ સુપરત કરી છે.
ફરિયાદમાં જણાવાયું છે કે ‘કોફી વિથ કરણ’ શોના પ્રસારણ બાદ સોશિયલ મીડિયા પર આયોજનબદ્ધ રીતે ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે. મેનેજરે પોલીસને જણાવ્યું હતું કે કપલ અલગ થઈ રહ્યું હોવાની અફવાઓ ફેલાવવા માટે મનઘડંત નિવેદનો, છેડછાડ કરેલી તસવીરો, વીડિયો અને નકલી સ્ક્રીનશૉટ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ટીમે પોલીસને આ ખોટા દાવાઓ અને અન્યની ઓળખનો દુરુપયોગ કરવાના મામલાની નિષ્પક્ષ તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી છે.
પ્રેસનોટમાં કડક ચેતવણી
ફરિયાદ નોંધાવવાની સાથે જ ‘વિરોષ ટીમ’ દ્વારા પ્રેસનોટ પણ જાહેર કરવામાં આવી છે. તેમાં ખોટી ઑનલાઇન માહિતી ફેલાવનારાઓ સામે કડક વલણ અપનાવવાની વાત કરવામાં આવી છે.

1. અભિવ્યક્તિની સ્વતંત્રતા અને ખોટી માહિતી વચ્ચેનો તફાવત
ટીમે સ્પષ્ટ કર્યું છે કે તેઓ અભિવ્યક્તિની સ્વતંત્રતા અને ટીકાનો આદર કરે છે. જોકે, વ્યક્તિગત અભિપ્રાય વ્યક્ત કરવો અને ખોટા કે મનઘડંત દાવાઓને હકીકત તરીકે રજૂ કરવા એ બંને અલગ બાબતો છે.
2. પેઇડ કેમ્પેઇનની આશંકા
‘વિરોષ ટીમ’એ અધિકારીઓને સંબંધિત પુરાવા અને લિંક્સ આપીને આ નફરત ફેલાવતી ઝુંબેશ પાછળ સંકલિત પ્રયાસ અથવા પેઇડ કેમ્પેઇન હોવાની આશંકા વ્યક્ત કરી છે. ટીમે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવાની માગ કરી છે.
3. કાનૂની કાર્યવાહીની ચેતવણી
પ્રેસનોટમાં ચેતવણી આપવામાં આવી છે કે ખોટી અને ગેરકાયદેસર અફવાઓ પોસ્ટ કરનાર, ફરીથી શેર કરનાર અથવા તેને વધુ લોકો સુધી પહોંચાડનાર વ્યક્તિઓ કે પેજ સામે કડક કાનૂની પગલાં લેવામાં આવી શકે છે.
આ પણ વાંચો:કોંગ્રેસને રાજનાથ સિંહની ચેતવણી, કહ્યું- ‘વ્યક્તિગત મર્યાદાઓનું ઉલ્લંઘન ન કરો’
4. ચકાસ્યા વગરની માહિતી શેર ન કરવાની અપીલ
ટીમે લોકોને અપીલ કરી છે કે કોઈપણ દાવાની સત્યતા તપાસ્યા વિના તેને સોશિયલ મીડિયા પર શેર ન કરે. ટીમે સ્પષ્ટ કર્યું છે કે આ પગલું વાસ્તવિક ટીકાને રોકવા માટે નહીં, પરંતુ ખોટી અને દુર્ભાવનાપૂર્ણ માહિતી ફેલાવનારાઓની જવાબદારી નક્કી કરવા માટે લેવામાં આવ્યું છે. વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાની ટીમનું આ પગલું સોશિયલ મીડિયા પર ખોટી માહિતી અને ઑનલાઇન હેરાનગતિ સામેની કાર્યવાહી તરીકે જોવામાં આવી રહ્યું છે. હવે આ ફરિયાદ પર પોલીસ શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર રહેશે.












