“તમે બહુ ફાટી ગયા છો, સીધા કરવા પડશે” કહી હુમલો; અમદાવાદમાં વૃદ્ધનું મોત
Ahmedabad: અમદાવાદ ગ્રામ્ય હેઠળ આવતા દસ્ક્રોઈ તાલુકાના ભુવાલ ગામે સામાન્ય બોલાચાલીની અદાવતમાં એક જૂથના હથિયારધારી ટોળાએ ગામના પાદરે બેઠેલા નિર્દોષ લોકો પર ખૂની હુમલો કર્યો હતો. લાકડીઓ, તલવારો અને લોખંડની ચેઈન વડે આડેધડ કરાયેલા આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા એક વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાને પગલે કણભા પોલીસે 15 શખ્સો સામે હત્યા અને રાયોટિંગનો ગુનો નોંધી 7 આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી લીધી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
માંડવી નજીક અવરજવરથી શરૂ થયેલી તકરાર ત્રીજા દિવસે લોહિયાળ બની
મળતી માહિતી મુજબ, ગત 20 ઓક્ટોબરે ભુવાલ ગામના ભોઈવાસ સ્થિત માતાજીના મંદિરે માંડવી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન માંડવી નજીકથી અવરજવર કરવાના સામાન્ય મુદ્દે ગામના જ અન્ય સમાજના કેટલાક શખ્સો સાથે ધર્મેશ ભોઈની ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી. જોકે, બંને પક્ષો એક જ ગામના હોવાથી સ્થાનિક સ્તરે મામલો થાળે પાડવાનો પ્રયાસ કરાયો હતો. બીજા દિવસે એટલે કે 21 ઓક્ટોબરે પણ બંને જૂથો વચ્ચે ફરી ઘર્ષણ થયું હતું, પરંતુ મામલો પોલીસ સુધી ન પહોંચતાં વિરોધી જૂથના અસામાજિક તત્વો વધુ બેખોફ બન્યા હતા.
વડના ઓટલે બેઠેલા લોકો પર પંદરેક શખ્સોના ટોળાનો હિચકારો હુમલો
વિવાદના ત્રીજા દિવસે ગામના પાદરે આવેલા વડના ઓટલા પર રમેશભાઈ ભોઈ, અશોકભાઈ ભોઈ અને રામાભાઈ ભોઈ સહિતના લોકો બેઠા હતા. તે દરમિયાન 15 જેટલા હુમલાખોરોનું સશસ્ત્ર ટોળું ધસી આવ્યું હતું અને “તમે બહુ ફાટી ગયા છો, તમને હવે સીધા કરવા પડશે” તેવી ધમકીઓ આપી ઉશ્કેરાઈ ગયું હતું. ટોળાએ તલવારો, લોખંડની પાઈપો અને ચેઈનો વડે તૂટી પડી બેફામ મારપીટ શરૂ કરતાં ગામમાં નાસભાગ અને ભયનો માહોલ સર્જાયો હતો. આ ઘાતક હુમલામાં ૫ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
આ પણ વાંચો:સ્ટારલિંકને ટક્કર આપવા ચીનનો મહાપ્લાન, અંતરિક્ષમાં મોકલશે 28 હજાર ઉપગ્રહો!
સારવાર દરમિયાન રામાભાઈ ભોઈનું મોત: કણભા પોલીસે 7 આરોપીઓને દબોચ્યા
હુમલામાં ગંભીર ઈજા પામેલા તમામને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં વૃદ્ધ રામાભાઈ ભોઈનું કરુણ મોત નીપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો. મૃતકના પરિવારજનોની ફરિયાદના આધારે કણભા પોલીસે રામા વાઘેલા, ગિરીશ વાઘેલા, વિપુલ ઉર્ફે કાળીયો વાઘેલા, મહેન્દ્ર વાઘેલા, હરિસિંહ રાઠોડ, મિતેશ વાઘેલા, વિશાલ વાઘેલા, શિવુભા જાડેજા, પ્રવીણ વાઘેલા, રાજુ વાઘેલા, રાહુલ વાઘેલા, સંજય વાઘેલા, દિવાન વાઘેલા અને ભાવસિંહ ઉર્ફે કાળીયો વાઘેલા સહિત 15 શખ્સો સામે હત્યા તેમજ રાયોટિંગનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને 7 આરોપીઓને ઝડપી લીધા છે, જ્યારે અન્ય ફરાર આરોપીઓને ઝડપવા અલગ-અલગ ટીમો બનાવી દરોડા તેજ કર્યા છે.












