Ahmedabad: સરખેજ પોલીસે ખોટી નંબરપ્લેટવાળી ગાડીમાંથી દારૂ ઝડપ્યો

Ahmedabad News: અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં દારૂની હેરાફેરી કરનારા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. મુમતપુરા તરફ જતા એસ.પી. રિંગ રોડ પર આવેલા એક અવાવરૂ પ્લોટમાં દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો હોવાની ચોક્કસ બાતમીના આધારે સરખેજ પોલીસે દરોડો પાડી એક આરોપીને રંગેહાથ ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂ અને ગાડી સહિત કુલ રૂપિયા 4.47 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
બાતમીના આધારે સફળ દરોડો
સરખેજ પોલીસને બાતમી મળી હતી કે બોપલથી મુમતપુરા જતા રોડ પર ‘કેફ’ની સામે આવેલા એક ખુલ્લા પ્લોટમાં એક શંકાસ્પદ ગાડી ઉભી છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને રેડ કરતા મૂળ રાજસ્થાનનો અને હાલ ઘાટલોડિયામાં રહેતો શાંતિલાલ ચૌધરી ઝડપાઈ ગયો હતો. પોલીસે જ્યારે ગાડીની તપાસ કરી ત્યારે તેમાં વિદેશી દારૂ અને બિયરની કુલ 456 બોટલો મળી આવી હતી.
ખોટી નંબરપ્લેટ અને રાજસ્થાન કનેક્શન
પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગત સામે આવી છે કે, બુટલેગરે પોલીસની નજરમાંથી બચવા માટે ગાડી પર ખોટી નંબરપ્લેટ લગાવી હતી. આરોપીની પૂછપરછ દરમિયાન તેણે કબૂલાત કરી હતી કે, તે આ દારૂનો જથ્થો ઉદયપુરના ખેમરાજ નામના શખ્સ પાસેથી લાવ્યો હતો. રાજસ્થાનથી આ માલ અમદાવાદમાં કયા બુટલેગરને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.
આરોપી અગાઉ પણ પકડાઈ ચૂક્યો છે
પકડાયેલો આરોપી શાંતિલાલ ચૌધરી પ્રોહિબિશનના ગુનામાં રીઢો ગુનેગાર હોવાનું જણાયું છે. અગાઉ વર્ષ 2018માં પણ તે સોલા પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે. જેલમાંથી છૂટ્યા બાદ તેણે ફરીથી આ ગેરકાયદેસર વ્યવસાય શરૂ કર્યો હતો. હાલ સરખેજ પોલીસે ગુનો નોંધીને આ રેકેટમાં સામેલ અન્ય શખ્સોની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આ પણ વાંચ: Surat: અજાણી લિંક મોકલી મોબાઈલ હેક કરતી જેતપુરની પિતા-પુત્રની જોડી ઝડપાઈ












