ગુજરાત

ગુજરાતની શાળાઓ માટે મોટા સમાચાર: RTE ગ્રાન્ટના હપ્તા ન મળતા સંચાલક મહામંડળની સરકાર સામે આક્રમક લડત!

Gujarat School Trust Demands RTE Grant: શિક્ષણના અધિકાર અધિનિયમ (RTE) હેઠળ ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા જરૂરિયાતમંદ અને આર્થિક રીતે પછાત બાળકોની ફી પેટે રાજ્ય સરકાર દ્વારા શાળાઓને ફાળવવામાં આવતી ગ્રાન્ટના હપ્તાની ચુકવણી હજુ સુધી કરવામાં આવી નથી. ચાલુ શૈક્ષણિક વર્ષ 2026-27 નું પ્રથમ સત્ર પૂર્ણ થઈ જવા છતાં શાળા સંચાલકોને RTE ની ગ્રાન્ટનો એક પણ હપ્તો ન મળવાના કારણે વહીવટી મુશ્કેલીઓ વધી ગઈ છે. આ ગંભીર બાબતને લઈને રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા પ્રાથમિક શિક્ષણ નિયામકને સત્તાવાર પત્ર લખીને વહેલી તકે બાકી હપ્તાઓ રિલીઝ કરવાની ઉગ્ર માગ કરવામાં આવી છે અને જો સમયસર નાણાં નહીં ચૂકવાય તો કાયદાકીય લડાઈ લડીને નામદાર કોર્ટમાં જવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

વાર્ષિક ₹13,500 ની સહાય અને ચાર હપ્તામાં રકમ ચૂકવવાની માંગ

રાજ્યના તમામ જિલ્લાઓમાં બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાની આ યોજના વર્ષ 2013-14 થી અમલમાં છે. જેમાં પ્રત્યેક વિદ્યાર્થી દીઠ વાર્ષિક ₹13,500 ની રકમ શાળાઓને ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું છે. અત્યાર સુધી આ રકમ વર્ષમાં બે હપ્તામાં ચૂકવવામાં આવતી હતી, પરંતુ હવે તેમાં ફેરફાર કરીને આ ગ્રાન્ટ વાર્ષિક ચાર સરખા હપ્તામાં નિયમિતપણે ચૂકવવામાં આવે તેવી મુખ્ય માંગ કરવામાં આવી છે. સમયસર નાણાકીય સહાય મળવાથી શાળાઓનું સંચાલન સરળ બને તે માટે મહામંડળ દ્વારા નિયામક સમક્ષ વિશેષ રજૂઆત કરાઈ છે.

“DEO ની જોહુકુમી અને અધિકારીઓની લાપરવાહીના કારણે ગ્રાન્ટ અટકી”

આ અંગે રાજ્ય શાળા સંચાલક મહામંડળના અધ્યક્ષ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં 2013 થી સ્વનિર્ભર શાળાઓમાં ગરીબી રેખા હેઠળના બાળકોને પ્રવેશ આપવામાં આવે છે. અગાઉ વિદ્યાર્થી દીઠ વાર્ષિક ₹10,000 અપાતા હતા, જે વધારીને હવે ₹13,500 કરવામાં આવ્યા છે. જો કે, FRC દ્વારા ઓછી ફી મંજૂર થઈ હોય તો તે મુજબ રકમ અપાય છે. પરંતુ વર્તમાન પરિસ્થિતિ એવી છે કે કેટલાક જિલ્લાઓમાં સ્થાનિક શિક્ષણ અધિકારીઓ (DEO) ની મનમાની અને જોહુકુમીના લીધે સંચાલકોને હજુ સુધી ગ્રાન્ટના નાણાં મળ્યા નથી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

કર્મચારીઓના પગાર અને PF ના ચૂકવાતા પ્રશ્નો ઊભા થયા

ભાસ્કર પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, RTE ના નિયમ મુજબ શાળાઓમાં 10 ટકા બાળકો અભ્યાસ કરતા હોય છે, જેના કારણે એક હપ્તાની રકમ આશરે ₹5 લાખથી ₹7 લાખ જેટલી મોટી થતી હોય છે. સમયસર ગ્રાન્ટ ચૂકવવામાં ન આવવાને કારણે શાળા સંચાલકો માટે સ્ટાફ અને શિક્ષકોના માસિક પગાર તેમજ પ્રોવિડેન્ટ ફંડ (EPF) ના પ્રશ્નો ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યા છે. આ પત્ર દ્વારા પ્રાથમિક શિક્ષણ નિયામકનું ધ્યાન દોરવામાં આવ્યું છે કે જો વહેલી તકે બાકી હપ્તાઓ ખાતામાં જમા નહીં થાય, તો મજબૂર થઈને શાળાઓએ નામદાર કોર્ટમાં જવું પડશે.

આ પણ વાંચો: અમદાવાદમાં છઠ પૂજાનો રંગ જામ્યો, સાબરમતી કિનારે ઉમટ્યા શ્રદ્ધાળુઓ

Back to top button