ગુજરાત

સુરતમાં “માફી માંગવી છે” કહીને બોલાવ્યો અને ચપ્પુના ઘા ઝીંકી પતાવી દીધો: અશ્વિનીકુમાર હત્યા કેસમાં 3 આરોપી ઝડપાયા!

Surat Ashvinikumar Murder Case: સુરત શહેરના અશ્વિનીકુમાર વિસ્તારમાં દિવાળીના પાવન તહેવારો દરમિયાન ગાડી ચલાવવા જેવી અત્યંત સામાન્ય બાબતે થયેલી બોલાચાલીની અદાવત રાખીને એક યુવકની જાહેરમાં ચપ્પુના ઘા ઝીંકી ઘાતકી હત્યા નીપજાવવામાં આવી હોવાની ચકચારી ઘટના સામે આવી હતી. મૃતક રાજેન્દ્ર સુરેશભાઈ માળીને આરોપીઓ રાજુ સરોજ, રમેશ બિંદ અને સાહિલ સોનકર સહિતના શખ્સોએ સમાધાન કરવા અને માફી માંગવાના બહાને બોલાવીને આ લોહિયાળ ખેલ ખેલ્યો હતો. જોકે, હત્યા બાદ ફરાર થઈ ગયેલા મુખ્ય 3 આરોપીઓને સુરત ક્રાઈમ બ્રાંચે ગણતરીના દિવસોમાં જ ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

સમાધાનના બહાને બોલાવીને ઘાતકી હત્યા

પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર, ગત તારીખ 8 નવેમ્બર, 2026 ના રોજ મૃતક રાજેન્દ્ર માળી અને ફરિયાદીને આરોપીઓ સાથે ગાડી ચલાવવા બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. આ નજીવી બાબતનો ખાર રાખીને આરોપીઓએ બદલો લેવાનું કાવતરું ઘડ્યું હતું. ત્યારબાદ તારીખ 10 નવેમ્બર, 2026 ના રોજ સાંજે 5 વાગ્યે અટલજીનગર શનિદેવ મંદિરની પાછળ આવેલી શેરીના નાકે આરોપીઓએ “અમારે માફી માંગવી છે અને સમાધાન કરવું છે” તેવું બહાનું બતાવી રાજેન્દ્રને ત્યાં બોલાવ્યો હતો. રાજેન્દ્ર ત્યાં પહોંચતા જ આરોપીઓએ તેની સાથે ઝપાઝપી કરી તીક્ષ્ણ હથિયાર વડે શરીર પર જીવલેણ ઘા ઝીંકી તેની હત્યા કરી નાખી હતી અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.

ટેકનિકલ સર્વેલન્સથી અમરોલીમાંથી ત્રિપુટી ઝડપાઈ

આ સનસનાટીભરી હત્યાના બનાવ બાદ અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો અને આરોપીઓને પકડવા સુરત ક્રાઈમ બ્રાંચની અલગ-અલગ ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે ઘટનાસ્થળની મુલાકાત લઈ આસપાસના સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીઓનું પગેરું મેળવ્યું હતું. દરમિયાન, ક્રાઈમ બ્રાંચના એન્ટી ઓર્ગેનાઈઝડ અને નાસતા ફરતા સ્ક્વોડના પીએસઆઈ (PSI) એસ. આર. દુબેની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે અમરોલીના અંજની ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં છાપો મારીને હત્યામાં સામેલ મુખ્ય 3 આરોપીઓને દબોચી લેવામાં આવ્યા હતા.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

વોન્ટેડ આરોપી રાહુલ ગુપ્તાની શોધખોળ તેજ

આ સમગ્ર ઓપરેશન અંગે માહિતી આપતા પીઆઈ (PI) આર. આઈ. જાડેજાએ જણાવ્યું હતું કે, ગાડી ચલાવવાના વિવાદમાં રાજેન્દ્ર માળીની હત્યા કરનાર મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી રાજુ રામકિશોર સરોજ (ઉંમર 22), રમેશ સુભાષભાઈ બિંદ (ઉંમર 21) અને સાહિલ પપ્પુભાઈ સોનકર (ઉંમર 19) ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી માટે અશ્વિનીકુમાર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરાઈ છે. આ ઉપરાંત, હત્યાના આ કાવતરામાં સામેલ અન્ય 1 વોન્ટેડ આરોપી રાહુલ ગુપ્તા (રહે. અમરોલી આવાસ) ને ઝડપી પાડવા માટે પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા સઘન શોધખોળ ચલાવવામાં આવી રહી છે.

આ પણ વાંચો: સુરતમાં બેંક ઓફ બરોડાના ચીફ મેનેજરની મોટી ઠગાઈ: OTS થી લોન ચૂકવ્યા બાદ પણ ગીરો મુક્ત ફ્લેટ બારોબાર વેચી દીધો!

Back to top button