અમદાવાદગુજરાતટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

લગ્નનું ખોટું વચન આપી શારીરિક સંબંધ બાંધવો ગુનો, ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો

BNS69 Court Verdict :   ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) લગ્નનું વચન આપીને યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા બાદ કોઈ વ્યાજબી કારણ વિના લગ્નનો ઈનકાર કરવાના મામલે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, શરૂઆતથી જ લગ્ન કરવાનો ઈરાદો ન હોવા છતાં ખોટું વચન આપીને શારીરિક સંબંધ બાંધવામાં આવે તો ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 69 હેઠળ ગુનો બની શકે છે. આ સાથે જ કોર્ટે આરોપી યુવકની એફઆઈઆર (FIR) રદ કરવાની અરજી ફગાવી દીધી છે.

લગ્નનો ઈરાદો ન હોવા છતાં વચન આપ્યું હોય તો ગુનો

જસ્ટિસ એમ. કે. ઠક્કરે આ કેસમાં અવલોકન કર્યું હતું કે, લગ્નના વચન હેઠળ શારીરિક સંબંધ બાંધ્યા બાદ કોઈ ચોક્કસ કારણ વિના લગ્નનો ઈનકાર કરવામાં આવે તો તે આરોપીના શરૂઆતના ઈરાદા અંગે સવાલ ઊભા કરે છે. કોર્ટે નોંધ્યું કે, જો આરોપીનો શરૂઆતથી જ લગ્ન કરવાનો ઈરાદો ન હોય અને તેણે માત્ર શારીરિક સંબંધ બાંધવા માટે ખોટું વચન આપ્યું હોય તો તે દૂષિત ઈરાદાથી કરવામાં આવેલી છેતરપિંડી ગણાઈ શકે છે.

સહમતિ અને છેતરપિંડી વચ્ચેનો તફાવત સમજાવ્યો

હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે, સહમતિથી બંધાયેલા શારીરિક સંબંધો અને છેતરપિંડીથી મેળવેલી સહમતિ વચ્ચે તફાવત છે. આરોપી ખરેખર લગ્ન કરવા ઈચ્છતો હતો કે માત્ર પોતાની વાસના સંતોષવા માટે લગ્નનું ખોટું વચન આપ્યું હતું, તે સંજોગો અને પુરાવાઓના આધારે નક્કી કરવાનું રહેશે. કોર્ટે જણાવ્યું કે, આ કેસમાં પ્રાથમિક દૃષ્ટિએ દંડનીય ગુનો બનતો હોવાનું જણાય છે. તેથી ફોજદારી કાર્યવાહી ચાલુ રાખવી એ કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ ગણાય નહીં. આ આધારે આરોપીની ક્વોશિંગ પિટિશન (Quashing Petition) ફગાવવામાં આવી હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

શું છે સમગ્ર મામલો?

આ કેસમાં આરોપી યુવક અને ફરિયાદી યુવતી છેલ્લા બે વર્ષથી વધુ સમયથી એકબીજાને ઓળખતા હતા. બંને વચ્ચે આત્મીય સંબંધો હતા. વર્ષ 2024માં યુવક યુવતીના ઘરે ગયો હતો અને ત્યારબાદ બંનેના માતા-પિતા લગ્ન માટે સંમત થયા હતા.જે દિવસે બંનેની સગાઈ થવાની હતી, તે દિવસે યુવકના પરિવારમાં એક સભ્યનું અવસાન થતાં સગાઈ થઈ શકી નહોતી. જોકે, યુવતીના પરિવારને લગ્ન અંગે ખાતરી આપવામાં આવી હતી.ત્યારબાદ યુવતી યુવક સાથે ઉદયપુર ગઈ હતી, જ્યાં લગ્નના વચન હેઠળ બંને વચ્ચે શારીરિક સંબંધો બંધાયા હતા. આ દરમિયાન યુવકના પિતાએ સગાઈ આગળ વધારવા માટે રૂ.15 લાખની માગણી કરી હતી, જેને યુવતીના પરિવારજનોએ સ્વીકારી હતી. પરંતુ, મે મહિનામાં યુવતીના પિતાએ લગ્નની તારીખ અંગે પૂછપરછ કરતાં યુવકના પરિવારે લગ્ન કરવાનો ઈનકાર કરી દીધો હતો. યુવકે પણ યુવતી સાથે લગ્ન કરવાની ના પાડી હતી. ત્યારબાદ યુવતીએ અમદાવાદના મહિલા પોલીસ સ્ટેશન (પૂર્વ)માં BNS કલમ 69 હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

શું છે BNS કલમ 69?

ભારતીય ન્યાય સંહિતા (Bharatiya Nyaya Sanhita)ની કલમ 69 હેઠળ છેતરપિંડીથી અથવા લગ્નનું ખોટું વચન આપીને શારીરિક સંબંધ બાંધવાના કૃત્યને દંડનીય ગુનો ગણવામાં આવ્યો છે.જો કોઈ પુરુષનો શરૂઆતથી જ લગ્ન કરવાનો ઈરાદો ન હોય, તેમ છતાં તે લગ્નનું ખોટું વચન આપીને અથવા અન્ય છેતરપિંડીથી સ્ત્રી સાથે શારીરિક સંબંધ બાંધે, તો આ કલમ હેઠળ કાર્યવાહી થઈ શકે છે. આ કલમ હેઠળ દોષિત ઠરનાર વ્યક્તિને 10 વર્ષ સુધીની કેદ અને દંડની જોગવાઈ છે. આ ચુકાદાથી સ્પષ્ટ થાય છે કે, લગ્નનું વચન આપીને શારીરિક સંબંધ બાંધવાના કેસમાં આરોપીના શરૂઆતના ઈરાદા અને સમગ્ર સંજોગો તપાસવા અત્યંત મહત્ત્વપૂર્ણ છે.

આ પણ વાંચો : આજે વિશ્વ માર્ગ અકસ્માત પીડિત સ્મૃતિ દિવસ, રાજ્યમાં દરરોજ સરેરાશ 77 અકસ્માતમાં 23ના મોત

Back to top button