Surat: અજાણી લિંક મોકલી મોબાઈલ હેક કરતી જેતપુરની પિતા-પુત્રની જોડી ઝડપાઈ

Surat News: સુરતની પુણા પોલીસે આંતરરાજ્ય સાયબર ફ્રોડ આચરતી એક રીઢા ગુનેગારોની ટોળકીનો પર્દાફાશ કરી જેતપુરથી પિતા-પુત્રની જોડીને ઝડપી પાડી છે. આ ટોળકી અજાણી લિંક મોકલી મોબાઈલ હેક કરી બેંક ખાતા સાફ કરી નાખતી હતી, જેમના તાર દેશભરના 69 સાયબર ગુના સાથે જોડાયેલા હોવાનું બહાર આવ્યું છે.
મોબાઈલ હેક કરી ખાતામાંથી નાણાં સેરવ્યા
ઘટનાની વિગત મુજબ, પુણા વિસ્તારમાં રહેતા એક નાગરિકના મોબાઈલ પર સાયબર ગઠિયાઓએ એક અજાણી લિંક મોકલી હતી. ફરિયાદીએ જેવી આ લિંક પર ક્લિક કર્યું કે તુરંત જ તેમનો મોબાઈલ હેક થઈ ગયો હતો અને તેમના બેંક ખાતામાંથી રૂપિયા 28,000 ઉપડી ગયા હતા. છેતરપિંડીનો અહેસાસ થતા જ તેમણે પુણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
જેતપુરમાં પોલીસના દરોડા: પિતા-પુત્ર ઝડપાયા
સુરત પોલીસ કમિશનરની સૂચનાથી પુણા પી.આઈ. વી.એમ. દેસાઈ અને પી.આઈ. આર.એચ. મોરીના માર્ગદર્શન હેઠળ વિશેષ ટીમ બનાવવામાં આવી હતી. પ્રો. પી.એસ.આઈ. પી.એલ. કળથીયા અને તેમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બેંક ટ્રાન્ઝેક્શનના આધારે તપાસ હાથ ધરી રાજકોટના જેતપુર ખાતે દરોડા પાડ્યા હતા. પોલીસે ત્યાંથી જગદીશભાઈ ત્રિકમદાસ લાલવાણી અને તેમના પુત્ર જય જગદીશભાઈ લાલવાણીની ધરપકડ કરી છે.
દેશભરમાં 69 ફરિયાદોનો રેકોર્ડ
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આરોપીઓના બેંક ખાતાઓની તપાસ નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (NCCCRP) પર કરવામાં આવતા, તેમની સામે દેશભરમાંથી કુલ 69 જેટલી ફરિયાદો મળી આવી છે. આ ટોળકી લાંબા સમયથી સક્રિય હતી અને અનેક નિર્દોષ લોકોને આ રીતે શિકાર બનાવી ચૂકી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આ પણ વાંચો: જ્યારે ઇરફાન ખાન ‘કિસિંગ સીન’થી ગભરાઈ ગયા! શૂટિંગ છોડી ટેરેસ પર જઈને બેસી ગયા હતા અભિનેતા











