સુરતમાં બેંક ઓફ બરોડાના ચીફ મેનેજરની મોટી ઠગાઈ: OTS થી લોન ચૂકવ્યા બાદ પણ ગીરો મુક્ત ફ્લેટ બારોબાર વેચી દીધો!

Surat Bank Manager Fraud: સુરત શહેરના ખટોદરા પોલીસ સ્ટેશનમાં બેંક ઓફ બરોડા (BOB) ના ચીફ મેનેજર અને અન્ય એક શખ્સ સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગંભીર મામલો સામે આવ્યો છે. અલથાણ વિસ્તારમાં રહેતા વિશાખાબેન અશોકભાઈ ખાખોલીયાએ બેંક ઓફ બરોડાના રીકવરી ચીફ મેનેજર સંજયકુમાર સિન્હા અને પરમાનંદ ગુદરમલ માલપાની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ કેસમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે લોનની રકમનું સંપૂર્ણ ‘વન ટાઈમ સેટલમેન્ટ’ થઈ ગયા બાદ અને બેંકે મિલકતના અસલ દસ્તાવેજો સત્તાવાર રીતે પરત કર્યા પછી પણ બેંક અધિકારીએ પોતાના મળતિયા સાથે મિલિભગત કરીને ગીરો મુક્ત થયેલો ફ્લેટ અન્ય વ્યક્તિને બારોબાર વેચી દીધો હતો.
₹1.15 કરોડની લોન અને વન ટાઈમ સેટલમેન્ટ
ફરિયાદીના પતિ દ્વારા વર્ષ 2012 માં ‘મેસર્સ વોઈસ ઓફ ટ્રેડ’ ના નામે બેંક ઓફ બરોડાની ભટાર રોડ શાખામાંથી ₹1.15 કરોડની સી.સી. અને ટર્મ લોન લેવામાં આવી હતી. આ લોનની સામે પરવત પાટિયા સ્થિત ગુરુકૃપા કોમ્પ્લેક્સનો ફ્લેટ નંબર 303 મોર્ગેજ (ગીરો) મુકવામાં આવ્યો હતો. સમયસર હપ્તા ન ભરાવાને કારણે આ ખાતું એનપીએ (NPA) જાહેર થયું હતું અને 5 ઓક્ટોબર, 2021 ના રોજ બેંકે ફ્લેટનો ફિઝિકલ કબજો લીધો હતો. બાદમાં ગેરેન્ટર પ્રદિપ અગ્રવાલ દ્વારા ‘વન ટાઈમ સેટલમેન્ટ’ (OTS) માટે અરજી કરવામાં આવતા, ચીફ મેનેજર સંજયકુમાર સિન્હાની સૂચના મુજબ ફરિયાદી પક્ષ દ્વારા ₹51.50 લાખ ફૂલ એન્ડ ફાઇનલ સેટલમેન્ટ પેટે ચૂકવી આપવામાં આવ્યા હતા.
દસ્તાવેજ રીલીઝ કર્યા બાદ ખેલાયો ઠગાઈનો ખેલ
ગુનાની મોડસ ઓપરેન્ડી અંગે વિગતો આપતા પોલીસે જણાવ્યું કે, સેટલમેન્ટની રકમ સંપૂર્ણ ભરાઈ ગયા બાદ ભટાર રોડ શાખાના અધિકૃત અધિકારીએ ફરિયાદીને સત્તાવાર રીતે ‘નો-ડ્યુ સર્ટિફિકેટ’ અને મિલકતના તમામ અસલ દસ્તાવેજો પરત સોંપી દીધા હતા. એટલું જ નહીં, તારીખ 6 સપ્ટેમ્બર, 2022 ના રોજ આ પ્રોપર્ટીનો વિધિવત રીલીઝ ડોક્યુમેન્ટ (છૂટકારો કરાર) પણ તૈયાર કરી આપવામાં આવ્યો હતો. આ મિલકત સંપૂર્ણપણે ગીરો મુક્ત થઈ ચૂકી છે તેની સ્પષ્ટ જાણ હોવા છતાં, રીકવરી મેનેજર સંજયકુમાર સિન્હાએ ગુનાહિત કાવતરું રચીને મોટો ખેલ પાડ્યો હતો.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
મળતિયાને ગેરકાયદે સેલ સર્ટિફિકેટ બનાવી આપ્યું
બેંકના જવાબદાર અધિકારી તરીકે પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને સંજયકુમાર સિન્હાએ આરોપી પરમાનંદ માલપાનીના આર્થિક હિતને પોષવા માટે તારીખ 29 સપ્ટેમ્બર, 2022 ના રોજ આ જ વિવાદિત ફ્લેટનું ગેરકાયદેસર ‘સેલ સર્ટિફિકેટ’ બનાવી આપ્યું હતું. એક તરફ ફરિયાદી પાસેથી ₹51.50 લાખ વસૂલ કરી મિલકત સંપૂર્ણ મુક્ત કરી આપવામાં આવી અને બીજી તરફ તે જ મિલકત ત્રીજા વ્યક્તિને પધરાવી દઈ વિશ્વાસઘાત આચરવામાં આવ્યો હતો. આ ગંભીર મામલાની નોંધ લઈને પોલીસ દ્વારા આઈ.પી.સી. (IPC) ની કલમ 406, 420 અને 114 મુજબ ગુનો નોંધીને વધુ કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: દ્વારકા : તહેવારમાં ભીડનો લાભ લઈ ચોરી કરતી ગેંગ ઝડપાઈ, 3.81 લાખનો મુદ્દામાલ જપ્ત












