ગુજરાત

2027 ની ચૂંટણી પર કોંગ્રેસની મોટી નજર: અમિત ચાવડાનો દાવો – “ગુજરાતમાં માત્ર પરિવર્તન નહીં, વિશાળ વાવાઝોડું ફૂકાશે!”

Amit Chavda Statement: આગામી વર્ષ 2027 માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજ્યમાં અત્યારથી જ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે, ત્યારે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રણનીતિઓ ઘડવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ રાજકોટ ખાતે મીડિયાને સંબોધતા એક મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે, આગામી 2027 ની ચૂંટણીમાં ગુજરાતમાં માત્ર પરિવર્તનનો પવન નહીં, પરંતુ એક વિશાળ પરિવર્તનનું વાવાઝોડું ફૂકાવાનું છે. અંગ્રેજો સામે દેશના યુવાનોએ જે રીતે પોતાના પ્રાણની આહુતિ આપીને દેશને આઝાદી અપાવી હતી, તે જ આધાર પર આજની Gen-Z પેઢી ગુજરાત અને સમગ્ર દેશમાં એક નવી આઝાદીની લડાઈ લડી રહી છે. તેમણે દાવો કર્યો હતો કે રાજ્યના યુવાનોએ મન બનાવી લીધું છે અને આગામી સમયમાં સત્તા પરિવર્તન લાવવાનું નિશ્ચિત કરી દીધું છે.

“આધુનિક ભારતના નિર્માણમાં નેહરુજીનું પ્રદાન અદ્ભુત”

રાજકોટમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના વિચાર વિભાગ દ્વારા દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુજીની જન્મજયંતિ નિમિત્તે “આધુનિક ભારતના નિર્માણમાં નેહરુજીનું યોગદાન” વિષય પર વિશેષ ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, આઝાદીના સમયે જ્યારે દેશમાં અનાજની અછત, ગંભીર ભોજન સંકટ અને વહીવટી પડકારો હતા, ત્યારે મહાત્મા ગાંધી અને સરદાર પટેલ જેવા દિગ્ગજ નેતાઓ સાથે મળીને નેહરુજીએ દેશને સુખરૂપ આગળ ધપાવ્યો હતો. તેમણે શિક્ષણ, વિજ્ઞાન, ટેક્નોલોજી અને ઉદ્યોગોના ક્ષેત્રમાં મજબૂત પાયો નાખીને આધુનિક ભારતનું નિર્માણ કર્યું હતું.

લાભપાંચમના પર્વે ખેડૂતો, યુવાનો અને સામાન્ય નાગરિકોના પ્રશ્નો અંગે ચિંતા

લાભપાંચમના પવિત્ર દિવસે નવા વર્ષની શુભ શરૂઆત સાથે જ કોંગ્રેસ નેતાએ ગુજરાતના ખેડૂતોની દયનીય હાલત, આર્થિક પાયમાલી, પીવાના પાણી અને ઘાસચારાની અછત, યુવાનો માટે રોજગારનો અભાવ તેમજ કથળેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે સંકલ્પ લીધો હતો કે નવા વર્ષમાં ગુજરાતના ખેડૂતો, યુવાનો, મહિલાઓ, કામદારો અને નાના વેપારીઓ સહિતના તમામ વર્ગોના હકો અને ન્યાય માટે કોંગ્રેસ પક્ષ રસ્તા પર ઉતરીને ઉગ્ર સંઘર્ષ કરશે અને પ્રજાના અવાજને બુલંદ બનાવશે.

“કોંગ્રેસ ભણેલા-ગણેલા યુવાનોને ધારાસભ્ય, સાંસદ અને વહીવટી પદોમાં પૂરતી તકો આપશે”

યુવા રાજકારણ વિશે વાત કરતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીએ હંમેશાં યુવાનોને સત્તામાં આગવું સ્થાન અને પ્રતિનિધિત્વ આપ્યું છે, જેમ કે ભૂતકાળમાં મતાધિકારની ઉંમર ઘટાડવી અને દેશને સૌથી યુવા વડાપ્રધાન આપવા. વર્તમાન સમયમાં ગુજરાત અને દેશમાં પરિવર્તનની લડાઈ શરૂ થઈ ચૂકી છે, જેમાં આજના યુવાનો સર્વસ્વ બલિદાન આપીને મેદાનમાં આવ્યા છે. આગામી 2027 ની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા ભણેલા-ગણેલા અને સમાજ માટે કામ કરવા તત્પર યુવાનોને ધારાસભ્ય, સાંસદ કે અન્ય મહત્ત્વના વહીવટી પદોમાં પૂરતી તકો પૂરી પાડવામાં આવશે. ચૂંટણી ટાણે વિવિધ સમાજો દ્વારા લોબિંગ કરવામાં આવતું હોય છે, પરંતુ પ્રજા સર્વોપરી છે અને જનતા જ સાચા પ્રતિનિધિઓ પસંદ કરશે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ભાજપ સરકાર પર આકરા પ્રહારો

વર્તમાન ભાજપ સરકાર પર પ્રહાર કરતા ચાવડાએ આક્ષેપ કર્યો હતો કે ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન હોવા છતાં પ્રજાને શુદ્ધ પીવાનું પાણી, સસ્તું અને ગુણવત્તાયુક્ત શિક્ષણ, આરોગ્ય સુવિધાઓ અને રોજગારી મળી નથી. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે અને બેફામ વધી રહેલા દારૂ તથા ડ્રગ્સના વેપારના કારણે રાજ્યનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે, જ્યારે મજબૂર થઈને ખેડૂતોએ આત્મહત્યા કરવી પડી રહી છે. ભાજપમાં આંતરિક વિખવાદ એટલો વધી ગયો છે કે મોટા નેતાઓને સાઈડલાઈન કરવા અને અક્ષમ લોકોને આગળ વધારવાના કારણે પ્રશ્નો ઉકેલવા ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં આવવું પડે છે, જે દર્શાવે છે કે સરકાર પર નેતૃત્વની પકડ નબળી પડી રહી છે.

આ પણ વાંચો: છોટાઉદેપુરમાં ભાજપ સાંસદની જીભ લપસી! વિપક્ષના લોકોને કહ્યું- ‘કૂતરા’

Back to top button