અમદાવાદમાં કરોડોના ખર્ચે બનેલા ઓવરબ્રિજ બન્યા બિનઉપયોગી! અધૂરા રસ્તા અને નબળા આયોજનથી ટ્રાફિકની સમસ્યા યથાવત્

Ahmedabad Railway Overbridge News: શહેરમાં વધતી ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA) દ્વારા અનેક રેલવે ઓવરબ્રિજ અને અંડરપાસ બનાવવામાં આવ્યા છે. જોકે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા કેટલાક પ્રોજેક્ટ નાગરિકોની સમસ્યાઓ દૂર કરવાને બદલે નવી મુશ્કેલીઓ ઊભી કરી રહ્યા છે. જમીન સંપાદન, રસ્તાનાં જોડાણ અને યોગ્ય ડિઝાઈનના અભાવે અનેક વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા યથાવત્ જોવા મળી રહી છે.
80 કરોડનો ઘુમા રેલવે ઓવરબ્રિજ બે વર્ષથી બિનઉપયોગી
અમદાવાદના ઘુમા વિસ્તારમાં અંદાજે 80 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલો રેલવે ઓવરબ્રિજ બે વર્ષથી વધુ સમય પહેલાં પૂર્ણ થયો હોવા છતાં તેનો ઉપયોગ થઈ શક્યો નથી. વર્ષ 2014માં ઔડાએ સરદાર પટેલ રિંગ રોડને સાણંદ રોડ સાથે જોડવા માટે 45 મીટર પહોળો રસ્તો બનાવવાની યોજના તૈયાર કરી હતી. આ રસ્તો રેલવે લાઈન પાર કરીને ઘુમા ઓવરબ્રિજ સુધી પહોંચવાનો હતો. જોકે ઓવરબ્રિજ જ્યાં પૂર્ણ થાય છે તે મણિપુર વિસ્તારની જમીન કૃષિ ઝોનમાં આવતી હોવાથી રસ્તાનું જોડાણ થઈ શક્યું નથી. પરિણામે કરોડો રૂપિયાનો બ્રિજ તૈયાર હોવા છતાં વાહનચાલકોને તેનો લાભ મળી રહ્યો નથી.
ઝોનિંગમાં ફેરફાર છતાં રસ્તાનું કામ અધૂરું
ઘુમા ઓવરબ્રિજની સમસ્યા ઉકેલવા માટે 10 ફેબ્રુઆરીએ રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા ઝોનિંગમાં ફેરફાર અંગે સૂચના જાહેર કરવામાં આવી હતી. આ ફેરફારથી બ્રિજને જોડતા રસ્તાના નિર્માણનો માર્ગ મોકળો થવાની આશા ઊભી થઈ છે. ઔડાનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, હાલમાં અસ્તિત્વમાં રહેલા રસ્તાને પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે. જોકે ટ્રાફિકની સમસ્યા ટાળવા માટે પૂરતા વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા અંગે સ્પષ્ટતા થઈ નથી.
અમદાવાદનાં પાંચ રેલવે ક્રોસિંગ પર બ્રિજ બનાવવામાં મુશ્કેલી
અમદાવાદને રેલવે ક્રોસિંગમુક્ત બનાવવાના હેતુથી AMCએ વર્ષ 2016-17માં યોજના તૈયાર કરી હતી. પરંતુ જમીન સંપાદન અને જગ્યાની મર્યાદાને કારણે ઓછામાં ઓછાં પાંચ રેલવે ક્રોસિંગ પર ઓવરબ્રિજ કે અંડરપાસનું નિર્માણ શક્ય બન્યું નથી. આ સ્થળોમાં નવરંગપુરા, સંઘવી, વિજયનગર, એસજી હાઈવે અને ભુદરપુરા રેલવે ક્રોસિંગનો સમાવેશ થાય છે. નવરંગપુરામાં આશ્રમ રોડથી સ્પોર્ટ્સ ક્લબ તરફ જતા માર્ગ પર અંડરપાસ માટે રસ્તો પહોળો કરાયો છે. જોકે ફ્લાયઓવર બનાવવા માટે પૂરતી જગ્યા ઉપલબ્ધ ન હોવાથી સમસ્યાનો સંપૂર્ણ ઉકેલ આવી શક્યો નથી. વિજયનગર વિસ્તારમાં પણ જગ્યાની મર્યાદાને કારણે ઓવરબ્રિજ કે અંડરપાસ બનાવવાની કામગીરી આગળ વધી શકી નથી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
મકરબા અને જગતપુર ઓવરબ્રિજ પર ટ્રાફિક જામ યથાવત્
અમદાવાદના મકરબા વિસ્તારમાં બનાવવામાં આવેલા રેલવે ઓવરબ્રિજની ડિઝાઈન અંગે પણ સવાલો ઊભા થયા છે. ચાર રસ્તા પાસે આવેલા આ બ્રિજ પર વાહનોની અવરજવરને કારણે ટ્રાફિક જામની સમસ્યા હજી પણ જોવા મળે છે. આવી જ સ્થિતિ જગતપુર રેલવે ઓવરબ્રિજ પાસે છે. બ્રિજ ચાર રસ્તા પર ઊતરતો હોવાથી ત્યાં વાહનોનો ભારે ધસારો રહે છે. પરિણામે પીક અવર્સ દરમિયાન ટ્રાફિક જામ સર્જાય છે. આ બંને સ્થળોની સમસ્યા દર્શાવે છે કે માત્ર ઓવરબ્રિજ બનાવવાથી ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ આવતો નથી. બ્રિજની શરૂઆત અને અંતે ટ્રાફિકની યોગ્ય અવરજવર માટે પૂરતી વ્યવસ્થા પણ જરૂરી છે.
ચાંદખેડા IOC ક્રોસિંગનો પ્રોજેક્ટ જમીન વિવાદમાં અટવાયો
ચાંદખેડા IOC રેલવે ક્રોસિંગ ખાતેના પ્રોજેક્ટમાં પણ જમીન સંપાદનની મુશ્કેલીઓ સામે આવી હતી. બ્રિજને જોડતો રસ્તો સ્મશાનની જમીનમાંથી પસાર થતો હોવાથી લગભગ એક વર્ષ સુધી જમીન સંપાદનની પ્રક્રિયા અટવાઈ હતી. જમીન સંબંધિત વિવાદ ઉકેલાયા બાદ સંબંધિત સુવિધાનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. આ પ્રકારના વિલંબને કારણે પ્રોજેક્ટની સમયમર્યાદા અને ખર્ચ બંને પર અસર પડતી હોય છે.
કરોડોનો ખર્ચ છતાં નાગરિકોને પૂરતી સુવિધા કેમ નહીં?
અમદાવાદમાં રેલવે ક્રોસિંગની સમસ્યા ઘટાડવા માટે હાથ ધરાયેલા પ્રોજેક્ટમાં નબળા આયોજન અને અધૂરા રસ્તાનાં જોડાણ અંગે સવાલો ઊઠી રહ્યા છે. વાહનચાલકોને રેલવે ફાટક પર લાંબા સમય સુધી રાહ જોવી ન પડે તે હેતુથી ઓવરબ્રિજ બનાવવામાં આવે છે, પરંતુ બ્રિજ સુધી પહોંચવા માટે યોગ્ય રસ્તો જ ન હોય અથવા બ્રિજ સીધો ટ્રાફિકથી ધમધમતા ચાર રસ્તા પર ઊતરતો હોય તો તેનો હેતુ સંપૂર્ણપણે સિદ્ધ થતો નથી. આથી નવા પ્રોજેક્ટ શરૂ કરતાં પહેલાં જમીન સંપાદન, રસ્તાનું જોડાણ, ટ્રાફિકનો અભ્યાસ અને બ્રિજની યોગ્ય ડિઝાઈન સુનિશ્ચિત કરવાની જરૂરિયાત ઊભી થઈ છે.












